ગુજરાતમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી લેવાશે

ગુજરાતમાં ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી લેવાશે

કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી શાળા કોલેજો ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે. જોકે, હજી બાળમંદિરથી ધોરણ-5 સુધીના ક્લાસ શરૂ કરાયા નથી. ફરી કેસ વધી રહ્યાં છે અને કેટલીક શાળામાં વિદ્યાર્થીઓમાં પણ કોરોના મળ્યો છે, ત્યારે ગુજરાતમાં ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી લેવાની શરૂઆત કરાશે. આ પરીક્ષા વિદ્યાર્થીઓએ શાળામાં જઈને આપવાની રહેશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે.

ગુજરાતમાં પહેલા ધોરણ 9થી ધોરણ 12ના ક્લાસ શરૂ કરાયા હતા. ત્યાર બાદ ધોરણ 6થી ધોરણ 8ના વર્ગોમાં ઓફફલાઈન શિક્ષણ શરૂ કરાયું અને હવે બાકીના ક્લાસ પણ શરૂ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. રાજ્ય સરકારે ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા જાહેર કરી દેતાં તમામ સ્કૂલો શરૂ થશે એ નક્કી છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-જીસીઈઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે અને સૂચના આપવામાં આવી છે કે 15 માર્ચથી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેશે. રાજ્યની જિલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે અને 15 માર્ચથી પરીક્ષા લેવાની રહેશે. તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને પરીક્ષા બાદ મૂલ્યાંકન પણ કોમન થશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે અને બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »