નીતિનભાઈ પર ચપ્પલ ફેંકનાર કોણ? કોંગ્રેસી કે ભાજપી? સાચુ શું?

વડોદરા જિલ્લાના કરજણ ખાતે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાના બનાવમાં પોલીસે પકડેલો યુવક રશ્મિન પટેલ ભાજપનો શિનોર તાલુકાનો પૂર્વ ચેરમેન હોવાની વિગતો બહાર આવી છે. વડોદરા જિલ્લા પોલીસ કહે છે કે ચપ્પલ મરાવનાર  કોંગ્રેસનો કાર્યકર છે, જોકે શિનોર તાલુકા ભાજપ-પ્રમુખ કહે છે કે રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે અને ભાજપમાં હોદ્દાઓ પર પણ રહી ચૂક્યો છે. પરિણામે કોંગ્રેસ પર આરોમ મઢનારા ભાજપી નેતાઓ હાલ સન્ન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ મુજબ કરજણના કુરાલી ખાતે વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન જાહેર સભા પૂરી થયા બાદ નીતિન પટેલ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન તેમના ઉપર ચંપલ ફેંકાયુ હતું. જે બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે શિનોરના રશ્મિનના મોબાઈલમાં ચપ્પલ ફેકવા બાબતે અમિત પંડ્યા નામના યુવક સાથે વાતચીતની સંદીગ્ધ ઓડિયો ક્લિપ મળી આવી છે. જેની વધુ તપાસ ચાલી રહી છે. જોકે પોલીસ દ્વારા પકડાયેલો રશ્મિન પટેલ વર્ષ 2010માં શિનોર તાલુકા પંચાયતમાં ભાજપની સીટ ઉપર ચૂંટાયો હતો અને ત્યારબાદ અઢી વર્ષના ગાળા માટે શિનોર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પણ રહ્યો હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે તેની પાછળ કોનું કાવતરું છે તે જાણવા કોર્ટમાં પ્રોડ્યુસ કરી સાત દિવાસના રિમાન્ડ માંગ્યા હતા જોકે, કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા છે.

કોણે શું કહ્યું…

વડોદરા જિલ્લા ભાજપ-પ્રમુખ દિલુભા ચૂડાસમાએ કહ્યું કે રશ્મિન પટેલ પહેલાં ભાજપનો કાર્યકર હતો. હાલમાં છે કે નહીં એની મને ખબર નથી.

વડોદરા જિલ્લા કોંગ્રેસપ્રમુખ સાગર બ્રહ્મભટ્ટે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાની બનેલી ઘટનાને કોંગ્રેસ વખોડી કાઢે છે. અમે આવાં તત્ત્વોને સમર્થન આપતા નથી. ચપ્પલ ફેંકવાના કાવતરામાં ઝડપાયેલા રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે કે નહીં એની મને ખબર નથી, પરંતુ તે પહેલાં ભાજપનો સક્રિય કાર્યકર હતો એ નક્કી છે.

શિનોર તાલુકા ભાજપ-પ્રમુખ ચંદ્રવદન પટેલે કહ્યું કે રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે, અગાઉ તે શિનોર તાલુકા પંચાયતનો સભ્ય હતો. હમણાં સંગઠન પર્વ ચાલતું હતું ત્યારે પણ કાર્યકર તરીકે ફોર્મ ભર્યું હતું. તે બીજા કોઇ પક્ષમાં જોડાયો હોય એવું મારા ધ્યાનમાં નથી અને તેને સસ્પેન્ડ કર્યો હોય એવું પણ મારા ધ્યાનમાં નથી.

પોલીસ અને ભાજપ-કોંગ્રેસના નેતાઓના રશ્મિન પટેલ અંગેના નિવેદનોમાં વિરોધાભાષ છે એટલે પોલીસે આ કેસમાં કાચુ કાપ્યું હોવાનું મનાય રહ્યું છે. કહેવાય છે કે કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી . હવે નવો શું ખુલાસો થાય છે તે જોવું રહ્યું.

Leave a Reply

Translate »