કોરોનાની રસી શોધવા દુનિયા મથી રહી છે ત્યારે સીરમ ઈનિ્સ્ટટ્યુના સીઆઈઓ આદર પૂનાવાલા એ મહત્વપૂર્ણ સંકેત આપતા કહ્યું છે કે જો બધુ બરાબર રહ્યું તો ડિસેમ્બર સુધીમાં ભારતમાં કોરોના વેક્સીન આવી શકે છે. આ સમાચાર જરૂર રાહતપૂર્ણ લેખાવી શકાય છે જ્યારે દેશમાં કોરોનાના કેસ હજી પણ મળી રહ્યાં છે પરંતુ રિકવરી રેટ સારો છે.
આદર પૂનાવાલા (Adar Poonawalla ) એ ભારતમાં કોરોનાની રસી ક્યારે આવશે તે અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી છે. પૂનાવાલાએ કહ્યું હતું કે, આ વર્ષે જ ડિસેમ્બર મહિના સુધીમાં જ કોરોનાની રસી તૈયાર થઈ જશે. વેક્સિન બનીને તૈયાર થાય તે બાબત ઘણા ખરા અંશે બ્રિટનના ટેસ્ટિંગ અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી પર આધાર રાખે છે.
સિરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અન્ય દવા કંપની દ્વારા બનાવાયેલી રસી પર ભાગીદારીમાં કામ થઈ રહ્યુ છે. પૂનાવાલાએ કહ્યું હતું કે, બ્રિટનમાં આ રસીની એડવાન્સ ટ્રાયલ ચાલી રહી છે. જો બ્રિટન ડેટા શેર કરશે તો ઈમરજન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ અરજી કરવામાં આવશે. જે ને મંજૂરી મળતા જ ભારતમાં રસીનુ ટેસ્ટિંગ શરૂ કરી શકાશે. આ ટેસ્ટિંગમાં સારા પરિણામ મળ્યા તો ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં જ ભારત પાસે કોરોનાની વેક્સિન આવી જશે.
પૂનાવાલાએ ઉમેર્યુ હતું કે, કોરોનાની ઓક્સફર્ડ વેક્સિનના 100 મિલિયન ડોઝ આગામી વર્ષના બીજા કે ત્રીજા ક્વાર્ટર સુધીમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે. આ વેક્સિન ખુબ જ સસ્તી હશે. સીરમ ઈન્સ્ટિટ્યુટમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સિન પર તેમજ અન્ય એક વેક્સિન પર પણ કામ ચાલી રહ્યુ છે. આખી દુનિયામાં લગભગ 150 વેક્સિન પર હાલમાં સંશોધન ચાલી રહ્યુ છે.