અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આતંકી હુમલો થયો છે. કેટલાક બંધુકધારીઓએ બેફામ ગોળીબાર કરતા 20 વિદ્યાર્થીના મોત થયા હોવાના પ્રાથમિક સમાચાર છે જ્યારે 40 લોકોને ઈજા પહોંચી છે. હુમલાખોરોએ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરો અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ થયું હ્યું છે. જેમાં એક આતંકી ઠાર મરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
અફઘાનિસ્તાનના મીડિયાના રિપોર્ટ મુજબ યુનિવર્સિટીમાં બુક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જેમાં અનેક લોકો ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે બંદૂકધારીઓએ આ હુમલો કર્યો હતો. આ એક્ઝિબિઝનમાં ઈરાનના રાજદૂત બહદોર એમિનિયન અને સાંસ્કૃતિક બાબતના નેતા મોજતાબા નોનૂઝી ભાગ લેવાના હતા. અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયના પ્રવક્તા તારીક અરીયને કહ્યું છે કે અફઘાનિસ્તાનના દુશ્મનો, શિક્ષણના દુશ્મનો કાબુલ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો.યુનિવર્સિટીના ઉત્તર ભાગમાં આવેલા ગેટ પર વિસ્ફોટ થયા બાદ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બચવા માટે ભાગદોડ કરી હતી. અંદર ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ હુમલાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.