સ્વર્ગીય અહેમદ પટેલ સુપુર્દ-એ-ખાક્: મિત્ર પીરઝાદાએ કહ્યું 100 વર્ષ સુધી આવો નેતા નહીં પાકે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી હતી. સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલની અંતિમ વિધિ શરૂ કરવામાં આવી હતી અને જનાજાની નમાઝ અદા કર્યાં બાદ તેમની દફનવિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી. કબ્રસ્તાનની બહાર હજારોની સંખ્યામાં લોકોનો જમાવડો થયો હતો. જોકે કબ્રસ્તાનમાં 50 લોકોને જવાની મંજૂરી જ આપવામાં આવી હતી. બાકીના લોકોએ બહારથી અંતિમ વિધિમાં હાજરી આપી હતી.

 

દિલ્હીની હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો.જ્યાંથી અહેમદ પટેલનો પાર્થિવ દેહ વતન પિરામણ લઇ જવાયો હતો. જ્યાં અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે પિરામણ ગામના કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. છત્તીસગઢના CM ભુપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા, શંકરસિંહ વાઘેલા, હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ પણ અહેમદ પટેલની અંતિમવિધિમાં પહોંચ્યા હતા અને અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ અને પુત્રી મુમતાઝને સાંત્વના આપી હતી. રાહુલ ગાંધી પરિવાર સાથે ઊભા રહ્યાં હતા અને કબ્રસ્તાનમાં સુધી ગયા હતા.

 

 

સુરતના મિત્ર કદીર પિરઝાદા આઘાતમાં…

સુરતના પૂર્વ મેયર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કદીર પીરઝાદા (બાવા)ને જન્નતનશી અહેમદભાઈ પટેલ સાથે નજીકનો નાતો હતો. તેમની મિત્રતા 50 વર્ષથી અકબંધ હતી. અનેક ઉતારચઢાવમાં પણ આ મિત્રતા અખંડ રહી હતી. જોકે, પટેલના અવસાનથી તે ખંડિત થઈ છે. પીરઝાદાએ મીડીયાને કહ્યું કે, અહેમદભાઈ જેવો નેતા 100 વર્ષમાં પણ પાકશે નહીં. તેઓ રાજકીય જ નહીં સામાજિક ક્ષેત્રે પણ ખૂબ જ સક્રિય હતા અને તમામના સુખદુખમાં હાજર રહેતા હતા. બીજાઓનું દુખ વહેચી લેતા હતા. હાલ કોરોનાકાળમાં  સુરત સહિત રાજ્યના અનેક પત્રકારોને ફોન કરીને તેઓએ ખબર અંતર પૂછ્યા હતા. તેઓ હોસ્પિટલમાં હોવા છતા તેમના પરિવારે પત્રકારોને દિવાળીની શુભેચ્છાઓ પણ આપી હતી. દિલ્હીમાં રહ્યાં બાદ પણ સાદગીથી તેઓ જીવ્યા. દરેક કુદરતી આપત્તિ વખતે તેઓએ સહાયનો ધોધ વહેડાવ્યો.

ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ સુરતમાં છેલ્લે ભરૂચી વ્હોરા પટેલ સમાજના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારબાદ ઈન્ડોર સ્ટેડિયમમાં ધારાસભ્યોના સન્માન સમારોહમાં પણ હાજરી આપી હતી. તે વખતે તેઓ વિશેષરૂપે કદીર પીરઝાદાના ઘરે ગયા હતા.

સુરત કોંગ્રેસએ કાર્યાલય પર આપી શ્રદ્ધાંજલિ

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા પ્રમુખ બાબુભાઈ રાયકાના અધ્યક્ષસ્થાને ગુરુવારે સવારે ૧૦-કલાકે કોંગ્રેસ કાર્યાલય  સ્વર્ગીય અહમદભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથેસાથે સુરત મહાનગરપાલિકાના સિનિયર કોર્પોરેટર અને કોંગ્રેસ પક્ષના દંડક  ઇકબાલભાઈ બેલીમ ના આકસ્મિક નિધન ને પણ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પટેલ આટલી સંપત્તિ પરિવાર માટે મુકી ગયા હતા.

અહેમદ પટેલ પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ મૂકીને ગયા છે તે વિશે પણ લોકો જાણવા માંગે છે તો તમને જણાવી દઇએ કે, તેઓ પોતાના પરિવાર માટે ચૂંટણી પંચને આપેલી એફિડેવિટમાં જણાવ્યા અનુસાર અહેમદ પટેલની પોતાની વાર્ષિક આવક પંદર લાખ 10 હજાર 147 રૂપિયા હતી. તેમના કરતાં તેમનાં પત્ની મૈમુનાની આવક વધુ હતી. ચૂંટણી પંચને આપેલી એફિડેવિટ અનુસાર મૈમુનાની વાર્ષિક આવક 20,15,900 રૂપિયા હતી. પતિ-પત્નીની કુલ આવક 35,26,047 રૂપિયા હતી. 2011થી 2017 વચ્ચે તેમની આવકમાં 23 ટકાનો વધારો નોંધાયો હતો. અહેમદ પટેલની એફિડેવિટમાં જણાવ્યા મુજબ તેમની કુલ સંપત્તિ છ કરોડ 51 લાખ 9,803ની હતી. આ તેઓનું એક કરોડ રૂપિયાની બચત છે.

Leave a Reply

Translate »