એલપીજી ગેસ સિલિન્ડરના(LPG Gas Cylinder) ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. 14.2 કિલો સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ જ રીતે 5 કિલોના શોર્ટ સિલિન્ડરના ભાવમાં 18 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોનું સિલિન્ડર 36.50 રૂપિયા વધાર્યું છે.
કયા પ્રદેશમાં કેટલા રૂપિયા વધાર્યા?
દેશની સૌથી મોટી ઓઇલ કંપની આઈઓસીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સબસિડી વિના 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમત હવે 644 રૂપિયા પર આવી ગઈ છે. તે કોલકાતામાં 670.50 રૂપિયા, મુંબઇમાં 644 રૂપિયા અને ચેન્નઇમાં 660 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ દિલ્હીમાં સબસિડી વિના 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી. તે કોલકાતામાં 620.50 રૂપિયા, મુંબઇમાં 594 રૂપિયા અને ચેન્નઈમાં 610 રૂપિયા હતા. આ જ રીતે 19 કિલો સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1296 રૂપિયા, કોલકાતામાં 1351.50 રૂપિયા, મુંબઇમાં રૂ .1244 અને ચેન્નઇમાં 1410.50 રૂપિયા થયો છે.
આ પહેલા જાન્યુઆરીમાં થયો હતો ભાવવધારો
આ પહેલા 1 જાન્યુઆરીએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL,BPCL, IOC) એ સબસિડી વગરના એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. 14.2 કિગ્રાવાળા સબસિડીવગરના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા વધાર્યો હતો. આમ 15 દિવસમાં ગેસના ભાવમાં આ રીતે વધારો થતા સામાન્ય માણસને પારાવાર મુશ્કેલી આવી રહી છે.
નોંધનીય છે કે, આ પહેલા સિંગતેલ, શાકભાજી સહિતના ભાવો વધ્યા છે. મોંઘવારી લગાતાર વધી રહી છે ત્યારે કોરોનાકાળમાં ધંધારોજગાર અને નોકરીમાં આમ જ તકલીફો વેઠી રહેલા લોકો પર વધુ એક માર પડ્યો છે.