બ્રિસ્બેન
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચ્યો છે. ભારતે બ્રિસ્બેન ખાતે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. આ પહેલાં 2016-17માં આપણે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી માત આપી હતી. ભારત અગાઉ ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સીરિઝ જીત્યું નહોતું.
ભારત તરફથી ઋષભ પંતે કમાલ કરી બતાવ્યું છે. તેણે 89 રનની પારી રમી. ભારતની આ ઐતિહાસિક જીતમાં પંત અને શુભમન ગિલ હીરો સાબિત થયા. ગિલે 91 રનનું યોગદાન આપ્યું, જ્યારે પંતે ઝડપથી રન બનાવીને ભારતને બ્રિસ્બેનમાં 32 વર્ષ પછી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
ચાર ટેસ્ટ મેચની સીરિઝ પર ભારતને 2-1થી કબ્જો જમાવવામાં સફળતા મળી છે. પંત ઉપરાંત 56 રનની શાનદાર પારી પૂજારાએ રમી હતી. ભારતે 328 રનનો લક્ષ્ય હાંસલ કરી ગાબામાં સૌથી વધુ રનોને સફળતાપૂર્વક ચેઝ કરવાનો રેકોર્ડ બનાવી લીધો છે. સાથે જ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની આ ત્રીજી સૌથી મોટી રન ચેઝ કરતાં જીત છે. સાથે જ ઓસ્ટ્રેલિયા 32 વર્ષ બાદ આ મેદાન પર ટેસ્ટ મેચ હાર્યું છે.
ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સતત બીજી વાર ટેસ્ટ સીરિઝ જીતી છે. આ પહેલાં વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયાને ભારતે તેની ધરતી પર ટેસ્ટ સીરિઝ હરાવી હતી.
ભારત માટે આ જીત ઘણી રીતે ખાસ છે. કેમ કે, આ સીરિઝ દરમિયાન ભારતના ઘણા ખેલાડી ઇજાગ્રસ્ત હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પૂરી તાકાત સાથે મેદાને ઉતરી હતી. સાથે જ ટીમ ઇન્ડિયાની બોલિંગમાં અનુભવની કમી હતી. માત્ર ત્રણ મેચ રમનાર મોહમ્મદ સિરાઝે બોલિંગ આક્રમણ માટે કમાન સંભાળી હતી. જ્યારે તેણે કેપ્ટનને નિરાશ ન કરતાં બીજી પારીમાં પાંચ વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાની ટીમને ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.