મહિલાઓ આત્મનિર્ભર બને અને લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવે તે હેતુથી ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન– પ’નો આજથી શુભારંભ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે તા.28, 29 અને 30 જાન્યુઆરી, ર૦ર૧ના રોજ સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક દરમ્યાન રાંદેર રોડ સ્થિત અમીધારા, કડવા પાટીદાર સમાજ વાડી ખાતે‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન– પ’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માટે યોજાયેલા આ એકઝીબીશનનો આજથી ભવ્ય શુભારંભ થયો છે.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ધ્યાનમાં રાખીને મહિલાઓ આત્મનિર્ભર બને તેમજ લોકો પણ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે લોકડાઉનમાં ઘણા લોકોએ રોજગારી ગુમાવી હતી ત્યારે મહિલાઓ પણ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે તે માટે ચેમ્બર દ્વારા તેઓને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા છે. તેમણે શહેરની મહિલાઓને આ એકઝીબીશનમાંથી ખરીદી કરી મહિલા સાહસિકોને આત્મનિર્ભર બનાવવા માટે અનુરોધ કર્યો હતો.
સમસ્ત પાટીદાર સમાજના ઉપપ્રમુખ કાળુભાઇ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, સંસ્થા અને સમાજ મળીને જ્યારે આવા પ્રકારના એકઝીબીશનોનું આયોજન કરે છે જેમાં ખરેખર જેને જરૂરિયાત છે તેને આ સેવાનો લાભ મળે છે ત્યારે આવા પ્રયત્નો સાર્થક જણાય છે.
સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ દલપત પટેલે જણાવ્યું હતું કે, કોવિડ– ૧૯ને કારણે લોકડાઉનમાં લાખો લોકોએ રોજગારી ગુમાવી હતી ત્યારે આ જ વાડીમાં ચેમ્બર દ્વારા યોજાયેલા રોજગાર મેળામાં પ૦૦થી વધુ લોકોને નોકરી મળી હતી. મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવવા માટે અન્ય સમાજ અને સંસ્થાઓએ આગળ આવીને આવા એકઝીબીશનોનું આયોજન કરવું જોઇએ.
ઉદ્ઘાટન સમારોહમાં ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતી તથા સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના ભૂતપૂર્વ યુવા પ્રમુખ તેમજ વર્તમાન કારોબારી સભ્ય સંજય પટેલ અને રાજુ પટેલ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર સમારોહનું સંચાલન ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ કર્યું હતું. સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના ભૂતપૂર્વ મહિલા પ્રમુખ તેમજ વર્તમાન મહિલા કારોબારી સભ્ય ગીતા પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ફાલ્ગુની પટેલે સર્વેનો આભાર માની ઉદ્ઘાટન સમારોહનું સમાપન કર્યું હતું.
આ બધી સ્વદેશી વસ્તુઓ તમે ખરીદી શકશો
આ એકઝીબીશનમાં મહિલાઓ દ્વારા ઓકસીડાઇઝ્ડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટિરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોકસીસ અને એન્વેલપ્સ, બટવા, ટ્રેડીશનલ ફૂટવેર, મોબાઇલ કવર્સ, બેગ્સ, હોમ કેર એન્ડ ડેકોર પ્રોડકટ્સ, એમ્બ્રોઈડરી મટિરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, આર્ટ એન્ડ ક્રાફટ, ગીફટ આઇટમ્સ, જયપુરી મટિરિયલ્સ, ફેન્સી બ્લાઉસિસ, ડિઝાઇનર સારીઝ, તકીયા તેમજ તકીયાના કવર, રૂમાલ, ફૂડ આઇટમ્સ (ફાસ્ટ ફૂડ, નમકીન, મીઠાઇ, કેકસ, કપ કેકસ), લેમ્પ એન્ડ કેન્ડલ્સ, પૂજા થાળ, બ્યુટી પ્રોડકટ્સ, મહેંદી, કવીલિંગ આર્ટ, પટીયાલા, દુપટ્ટા, કુર્તી, કોટી, ડ્રાય કલીનર્સ, ઘર સુશોભન, ખાણીપીણીની ચીજવસ્તુઓ, સાજ સજાવટ અને ડ્રેસ મટિરિયલ્સ વિગેરેનું વેચાણ કરવામાં આવી રહયું છે.