રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનું હાર્ટ એટેક આવતાં નિધન, કપૂર પરિવારમાં શોક

અભિનેતા રાજ કપૂરના પુત્ર રાજીવ કપૂરનું મંગળવારે 9 ફેબ્રુઆરીએ નિધન થયું છે. તે 58 વર્ષના હતા. અહેવાલો અનુસાર, અભિનેતાને કાર્ડિયાક એટેક આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે રાજીવને તાત્કાલિક તેના ભાઇ રણધીર કપૂર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

રણધીર કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘મેં મારો નાનો ભાઈ ગુમાવી દીધો. તે હવે આ દુનિયામાં નથી. ડૉક્ટર્સે તેને બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા. હાલમાં હું હોસ્પિટલમાં છું અને તેની બૉડી મળે તેની રાહ જોઉં છું.’

પિતા રાજકપૂર, માતા કૃષ્ણા સાથે ત્રણ ભાઈઓ

રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ, 1962માં મુંબઈમાં થયો હતો. રાજીવ, રાજ કપૂરના સૌથી નાના પુત્ર છે. રણધીર-રીશી કપૂરના મોટા ભાઇ છે. બોલિવૂડની સૌથી સક્સેસફુલ ફેમિલીમાંથી હોવા છતાં રાજીવ ફિલ્મ્સમાં વધુ સફળ થયા નહોતા.

રાજીવે લગભગ 14 જેટલી ફિલ્મ્સમાં એક્ટર તરીકે કામ કર્યું હતું, જેમાંથી એકાદ-બે જ ફિલ્મ સફળ રહી હતી. તેમની હિટ ફિલ્મ્સમાં 1985માં રિલીઝ થયેલી ‘રામ તેરી ગંગા મેલી’ હતી. એક્ટિંગ ઉપરાંત રાજીવ ડિરેક્શન અને પ્રોડક્શન ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂક્યાં હતાં.

ગયા વર્ષે રિશી કપૂરનું નિધન
67 વર્ષીય રિશી કપૂરનું ગુરુવાર (30 એપ્રિલ)ના રોજ સવારે આઠ વાગીને 45 મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું ગયું હતું. રિશી કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. તેમને ચેસ્ટ ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ તથા તાવને કારણે 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત ઘોષિત કરવામાં આવ્યા હતાં. રિશીએ જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે પત્ની નીતુ તથા દીકરો રણબીર હાજર હતાં.

2018માં માતાનું નિધન 
વર્ષ 2018માં રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. તેમને કેટલાક વર્ષોથી શ્વાસની બીમારી હતી. તેઓ કપૂર પરિવારનાં સૌથી સીનિયર વ્યક્તિ હતાં. કૃષ્ણાએ રાજ કપૂર સાથે 1946માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ દીકરા રણધીર, રિશી, રાજીવ તથા બે દીકરીઓ રીમા, રિતુ હતી. રિશી, રાજીવ તથા રિતુ હવે આ દુનિયામાં નથી.

Leave a Reply

Translate »