- તપાસ CBI અને ED પાસે કરાવવા દાખલ કરાયેલી 2 અરજી પર કોર્ટ આજે સુનાવણી કરશે
મુંબઈ હાઈકોર્ટ મંગળવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બે અરજી પર સુનાવણી કરવાની છે, તેમાં પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહએ રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવેલા 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપની તપાસ કરવાની માગણી કરવામાં આવી છે.
પ્રથમ અરજી જાહેરહિતની અરજી છે. એ મુંબઈના વકીલ ડો.જયશ્રી લક્ષ્મણરાવ પાટીલે દાખલ કરી છે. એમાં પરમબીર સિંહના આરોપોની તપાસ CBI, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ પાસે કરાવવાની માગ કરવામાં આવી છે. બીજી પરમબીર સિંહે પોતે દાખલ કરી છે, એમાં તેમના આરોપોની તપાસ માત્ર CBI પાસે કરાવવાની માગ કરવામાં આવી છે.
પરમબીરે પોતાની અરજીમાં ટ્રાન્સફર પોસ્ટિંગમાં ભષ્ટ્રાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે કોર્ટને અપીલ કરી છે કે દેશમુખના ઘરના CCTV ફુટેજનો નાશ કરવામાં આવે એ પહેલાં એને સુરક્ષિત કરવામાં આવે. પરમબીરે પહેલા પોતાની માગોને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટે તેમને પહેલા આ માટે હાઈકોર્ટ જવા જણાવ્યું હતું.
પરમબીર સિંહની અરજીના મહત્ત્વના પોઇન્ટ્સ
- ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરની બહાર લાગેલા CCTV ફૂટેજને જપ્ત કરીને તેની તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે.
- પરમબીરે કહ્યું હતું કે જો તેમના આરોપીની તપાસ ઝડપથી ન કરવામાં આવી તો બની શકે કે દેશમુખ CCTV ફૂટેજને ડિલિટ કરી દે.
- અનિલ દેશમુખે ફેબ્રુઆરીમાં પોતાના નિવાસસ્થાને ઘણી બેઠક કરી. મુંબઈ ક્રાઈમ ઈન્ટેલિજેન્સ યુનિટ(CIU)ના ઈન્સ્પેક્ટર સચિન વઝે પણ એમાં સામેલ થયા હતા. આ દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખે હોટલ, બાર અને રેસ્ટોરાં પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનું કહ્યું હતું.
- 24-25 ઓગસ્ટ 2000ના રોજ રાજ્યના ઈન્ટેલિજન્સ વિભાગનાં કમિશનર રશ્મિ શુકલાએ DGPને અનિલ દેશમુખ દ્વારા ટ્રાન્સફર-પોસ્ટિંગમાં કરાતાં ભષ્ટ્રાચારની માહિતી આપી હતી. DGPએ આ માહિતી રાજ્યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સીતારામ કુંટેને આપી હતી. આ માહિતી ટેલિફોન પર થયેલી વાતચીતના રેકોર્ડ પરથી એકત્રિત કરવામાં આવી હતી. આ અંગે અનિલ દેશમુખની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ રશ્મિ શુકલાની જ ટ્રાન્સફર કરવામાં આવી.
આ કારણે નારાજ છે પરમબીર સિંહ
મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવીને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટમાં DG બનાવ્યા છે. તેમની પર આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વઝેને પ્રોટેક્શન આપવાનો આરોપ છે. કારોબારી મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર સ્કોર્પિયોમાં વિસ્ફોટક મળવાના મામલામાં વઝેની ધરપકડ કરવામાં આવી છે. પરમબીર સિંહને પોલીસ કમિશનરના પદ પરથી હટાવવામાં આવતાં તે નારાજ છે અને તેમણે હવે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર વસૂલીનો આરોપ લગાવ્યો છે.
Source : Bhaskar