- ભોપાલની જેપી હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી
- દર્દીના પુત્રએ કહ્યું- રાત્રે અઢી વાગે વોર્ડમાં કોઈ દર્દી બૂમો પાડી રહ્યો હતો
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની જેપી હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી છે. અહીં જેપી હોસ્પિટલના કોરોના વોર્ડમાં બુધવારે મોડી રાત્રે બે દર્દીનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોના પરિવારના સભ્યોના આરોપ છે કે ઓક્સિજન સપ્લાઇ રાત્રે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને કારણે દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.
જીવ ગુમાવનારા 50 વર્ષીય રામરતી અહીરવરને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે સીબી મેશ્રામને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરોપો અંગે જેપીના સિવિલ સર્જન ડો.રાજેશ શ્રીવાસ્તવ કહે છે કે ઓક્સિજન સપ્લાઇ બંધ કરવામાં આવ્યો ન હતો. બંને દર્દીની હાલત ગંભીર હતી.
હજી સુધી આ મામલે કોઈ તપાસના આદેશ આપવામાં આવ્યા નથી. 11 ડિસેમ્બર 2020ના રોજ હમીદિયાના કોરોના વોર્ડમાં બે કલાક વીજળી ડૂલ થવાને કારણે ઓક્સિજન સપ્લાઇ બંધ થઈ ગયો હતો; ત્યારે ઓક્સિજન સપોર્ટ પર ચાલી રહેલા ત્રણ દર્દી એક પછી એક મૃત્યુ પામ્યા હતા. જોકે તપાસ રિપોર્ટમાં ક્લીનચિટ આપવામાં આવી હતી.
પુત્રનું દર્દ, તેની જ જુબાની; રાત્રે અઢી વાગે કોઈ દર્દી બૂમો પાડી રહ્યો હતો, સિક્યોરિટીએ મને અંદર જવા દીધો ન હતો
રામરતિનો પુત્ર જીવને ભાસ્કરને જણાવ્યું હતું કે ‘માતાને 28 માર્ચે જેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, ત્યારે તેમને ભારે તાવ હતો. 29 માર્ચે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બુધવારે રાત્રે માતાની હાલત સારી હતી. તેમણે મારી સાથે વાત કરી, દાળિયા ખાધા અને સૂઈ ગયાં હતાં. હું રાત્રે વોર્ડની બહાર જ રોકાયો હતો. રાત્રે અઢી વાગે વોર્ડમાં કોઈ દર્દી મોટેથી બૂમો પાડી રહ્યો હતો. ત્યારે હું વોર્ડમાં જવા માગતો હતો, પરંતુ સિક્યોરિટીએ મને અંદર જવા દીધો ન હતો.’
સવારે 7 વાગ્યે ડોક્ટરે ફોન કરીને કહ્યું કે માતાની હાલત ખૂબ જ ખરાબ છે, આવીને જોઈ લો. અંદર માતા બેભાન પડ્યાં હતાં. અમે માતાને બીજી હોસ્પિટલમાં લઈ જવા માગતાં હતાં, તેને બહાર પણ લાવ્યાં, પણ હોસ્પિટલોના લોકોએ પોલીસને ફોન કરીને બોલાવી અને અમને માતાને લઈ જવા દેવાયા ન હતા.
એન્ટિજન રિપોર્ટ નેગેટિવ હતો, તેમ છતાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો
બીજા મૃતક સીબી મેશ્રામને બે દિવસ પહેલાં પરિવારજનો દ્વારા અહીં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ન્યૂમોનિયા હતો. હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, તેની કોરોના તપાસ કરાઈ હતી, પરંતુ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ હતો. એવામાં RT-PCR સેમ્પલ લઇ તપાસ માટે મોકલાયું હતું. રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેમને કોરોના સસ્પેક્ટેડ વોર્ડમાં રાખીને સારવાર કરવામાં આવી રહી હતી, જ્યાં ગુરુવારે બપોરે લગભગ 3 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું.