- પાકિસ્તાનની ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટીએ બુધવારે ભારત પાસેથી કપાસ અને ખાંડ ઈમ્પોર્ટ કરવાની જાહેરાત કરી હતી
- પાડોશી મુલ્કના નાણામંત્રીનું કહેવું છે કે ભારત પાસેથી કપાસ મગાવવાથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો થશે
પાકિસ્તાનની ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટી (ECC)એ ભારત પાસેથી કપાસ અને ખાંડ મંગાવવાના જે પ્રસ્તાવને બુધવારે મંજૂરી આપી હતી, તેને ઈમરાન સરકારે ફગાવી દિધી છે. ECCએ બુધવારે ભારત પાસેથી ખાંડ, કપાસ અને દોરા મંગાવવાની જાહેરાત કરી હતી.
પાકિસ્તાનના માનવાધિકાર મામલાઓના મંત્રી શિરીન માઝરીના જણાવ્યા મુજબ, વડાપ્રધાન ઈમરાન ખાને સ્પષ્ટ કરી દિધું છે કે ભારતની સાથે સંબંધ ત્યાં સુધી સામાન્ય નહીં થાય, જ્યાં સુધી આર્ટિકલ-370 અંતર્ગત જમ્મુ કાશ્મીરને આપવામાં આવેલો ખાસ દરજ્જો ફરીથી પૂર્વવત નહીં થાય.
ECCની મીટિંગ પછી આયાતની જાહેરાત કરાઈ હતી
પાકિસ્તાનના નાણા મંત્રી હમ્માદ અઝહરની અધ્યક્ષતામાં મળેલી ECCની મીટિંગ પછી પ્રેસ કોન્ફરન્સમાં ભારતથી આયાત કરવાની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ECCએ ભારત પાસેથી 5 લાખ ટન ખાંડ મંગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દિધી છે. ખાંડ ઉપરાંત કપાસના ઈમ્પોર્ટ પર લગાડેલા બેનને જૂન સુધી હટાવવાનો નિર્ણય લેવાયો હતો.
ભારતની ખાંડ બીજા દેશની સરખામણીએ 15-20 રૂપિયા સસ્તી
અઝહરે કહ્યું હતું કે દેશમાં ખાંડની ઘટને પૂરી કરવા અને તેના ભાવને કાબૂમાં રાખવા માટે ભારતથી આયાતને મંજૂરી આપવામાં આવી છે. ભારતમાંથી મંગાવનારી ખાંડ અન્ય દેશોની સરખામણીએ 15થી 20 રૂપિયા પ્રતિ કિલો સસ્તી પડશે. તેમનું કહેવું હતું કે પાડોશી દેશથી કપાસ મંગાવવાથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારોને ફાયદો થશે.
નિર્ણય પર પાકિસ્તાનમાં રાજકારણ શરૂ
ભારતમાંથી ખાંડ અને કપાસ મંગાવવાના નિર્ણય પર પાકિસ્તાન સરકારે વિપક્ષી દળોની ભારે ટિકાનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના લીડર અહસન ઈકબાલ મુજબ દેશના લોકો ઈમરાન સરકારની નિષ્ફળતાની કિંમત ચૂંકવી રહ્યા છે.
ઈકબાલે કહ્યું હતું કે હું જાણવા ઈચ્છું છું કે શું ભારતે આર્ટિકલ 370 પર પોતાનો નિર્ણય પરત લઈ લીધો છે? શું ભારતે કોઈ છૂટછાટ આપી છે? આનાથી એ સાબિત થાય છે કે સરકાર દેશની રક્ષા કરવામાં નિષ્ફળ ગઈ છે.
ઈમરાન સરકાર પર રેહમ ખાનનો પણ હુમલો
નાણામંત્રીએ કહ્યું હતું કે પાક નિષ્ફળ જવાના કારણે પાકિસ્તાન ભારત પાસેથી આયાત કરવાનો માર્ગ શોધી રહ્યું છે. આના પર ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે વાતાવરણમાં શું ફેરફાર થયો છે, કે સરહદની આ તરફ પાક નિષ્ફળ ગયો છે જ્યારે ભારતમાં એટલા કપાસનું ઉત્યાદન થયું છે કે તે બીજા દેશોને વેચે છે.
ભારતના બદલે બીજા દેશોમાંથી આયાત મોંઘી પડી રહી છે
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ્સ એસોસિએશનના ડાયરેક્ટર જનરલ અને CEO ડો. અજય સહાયના જણાવ્યા મુજબ પાકિસ્તાને આયાતનો નિર્ણય તેની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કહ્યો હતો. ખાંડ અને કપાસના ભાવ પાકિસ્તાનમાં વધી ગયા છે.તેઓએ ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ બીજા દેશોમાંથી મંગાવવું તેને ભારે પડી રહ્યું છે.