અમેરિકન સંસદ કેપિટલ હિલ પાસે ભારતીય સમયાનુસાર શુક્રવારે મોડી રાતે 11.30 વાગ્યે ફાયરિંગ થયું. અહીં એક કારે સવારે પોલીસ બેરિકેડને ટક્કર મારી. એના પછી પોલીસે કારડ્રાઈવર પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ડ્રાઈવર ઘાયલ થયો હતો, જ્યારે બે પોલીસકર્મીને ઈજા થઈ હતી, જેમાં એક પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થયું હતું. શંકાસ્પદ હુમલાખોર સહિત બંને પોલીસ અધિકારીને ઈલાજ માટે હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શંકાસ્પદ હુમલાખોરનું પણ મોત થયું હતું.
પોલીસને લોકોને ઘરમાં રહેવાની પણ બારીઓ પાસે ઊભા ન રહેવા અપીલ

ઘટના દરમિયાન સંસદભવનને બંધ કરી દેવાયું. પોલીસે આસપાસના લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી.
આ ઘટનામાં શંકાસ્પદ હુમલાખોર પાસેની કારમાંથી ચાકુ પણ જપ્ત કર્યું છે. પોલીસે આસપાસના લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે અને કહ્યું છે કે તેઓ ઘરની બારીઓ પાસે ન ઊભા રહે. કારચાલકની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
ફાયરિંગની ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. યુએસ કેપિટલ પોલીસે કહ્યું હતું કે ઈમારતોને બહારના ખતરાને કારણે બંધ કરી દેવાઈ છે, સાથે જ સ્ટાફના સભ્યોને જણાવ્યું હતું કે પ્રવેશ કે એક્ઝિટ નહીં કરી શકાય. ન્યૂઝ એજન્સી મુજબ યુએસ કેપિટલ બિલ્ડિંગની પાસે એક ગાડીએ બે પોલીસ કર્મચારીને કચડી નાખ્યા, જે બાદ યુએસ કેપિટલ બિલ્ડિંગને બંધ કરી દેવાયું છે.
નેશનલ ગાર્ડ્સ તહેનાત
પોલીસ પર અચાનક આ જીવલેણ હુમલા અંગે હાલમાં કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ અમેરિકાના હાઈ સિક્યોરિટી ધરાવતા વિસ્તારમાં આ ઘટના અંગે અનેક અફવાઓ ઊડવા લાગી છે. યુએસ કેપિટલની શેરીઓ અને માર્ગો પર નેશનલ ગાર્ડના જવાનોની ટુકડીઓ મોટી સંખ્યામાં માર્ચ કરતી જોવા મળી છે.

US કેપિટલની શેરીઓ અને માર્ગો પર નેશનલ ગાર્ડના જવાનોની ટુકડી માર્ચ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના પછી પોલીસે કેપિટલ કોમ્પ્લેક્સના બેરિકેડ પાસે ગોળીઓ ચલાવી, જેમાં એક સંદિગ્ધને ગોળી વાગી છે. વિસ્તારમાં ફાયરિંગ પછી પોલીસે શુક્રવારે બપોરે યુએસ કેપિટલને બંધ કરી દીધું છે. પોલીસનું કહેવું છે કે તમામ કેપિટલ બિલ્ડિંગને સુરક્ષામાં ખતરો હોવાને કારણે બંધ કરવામાં આવ્યાં છે અને કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ ઈમારતમાં એન્ટ્રી કે એક્ઝિટ નહીં કરી શકે.
સમાચાર એજન્સી રોઇટર્સને એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે શુક્રવારે યુએસ કેપિટલ કોમ્પ્લેક્સની સુરક્ષાને ખતરો લાગતાં એને બંધ કરાયું છે, સાથે જ કોંગ્રેસ ઓફિસ, બિલ્ડિંગની આજુબાજુ આવેલા રસ્તાઓને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ પણ તહેનાત કરી દેવાઈ છે.
એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટર જોવા મળ્યાં
CNNના રિપોર્ટ અનુસાર, ઈમારતની બહાર એમ્બ્યુલન્સ અને એક હેલિકોપ્ટર જોવા મળ્યાં છે. એક વ્યક્તિ એ સમયે સ્ટ્રેચર પર જોવા મળી હતી. આ સાથે એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરને પણ ઘટનાસ્થળ પાસે પહોંચતાં જોવામાં આવ્યાં હતાં. પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓને અલર્ટ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ અમેરિકન સંસદ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન પાંચ લોકોનાં મોત થયાં હતાં અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. તેના થોડા જ દિવસો પછી જો બાઈડને અમેરિકાના રાષ્ટ્રપતિપદના શપથ ગ્રહણ કર્યા હતા.