સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશના સ્થાનિક ભાજપના નેતા દ્વારા પત્રકાર વિનોદ દુઆના યુટ્યૂબ કાર્યક્રમ અંગે તેમની વિરુદ્ધ રાજદ્રોહનો આરોપ લગાવતી પોલીસ ફરિયાદને આજે સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વર્ષ 1962નો આદેશ પ્રત્યેક પત્રકારને આવા પ્રકારના આક્ષેપોથી બચાવે છે. સુપ્રીમના આ ચુકાદાથી છેલ્લા કેટલાક સમયથી યુપી, ગુજરાત સહિતના રાજ્યોમાં પણ થયેલા આવા અનેક કેસોમાં પત્રકારોને લાભ મળી શકે છે.
ભાજપ નેતાની ફરિયાદના આધાર પર વિનોદ દુઆ પર ગત વર્ષે દિલ્હી દંગાઓ વિરુદ્ધ તેમના શો અંગે હિમાચલ પ્રદેશમાં રાજદ્રોહનો આક્ષેપ લગાવાયો હતો, જે અંતર્ગત ફેક ન્યૂઝ, સાર્વજનિક ઉપદ્રવ ફેલાવવો, માનહાનિ થાય એવી માહિતી પ્રકાશિત કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ વિનીત સરનની બેંચે ગત વર્ષે 6 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ સરકાર અને કેસમાં ફરિયાદ દાખલ કરનાર તમામનાં મંતવ્યોને જાણીને એક નિર્ણય તારવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 20 જુલાઈએ આ કેસમાં વિનોદ દુઆને કોઈપણ દંડાત્મક કાર્યવાહીથી પ્રદત્ત સંરક્ષણની સમયમર્યાદાને આગામી આદેશ સુધી વધારી દીધી હતી.
કોર્ટે આ કેસ અંતર્ગત જણાવ્યું હતું કે દુઆએ આ અંગે હિમાચલ પ્રદેશ પોલીસ દ્વારા પૂછવામાં આવતા દરેક પૂરક સવાલોના જવાબ આપવાની આવશ્યકતા નથી. BJP નેતા શ્યામે 6 મેના રોજ દુઆ વિરુદ્ધ એના એક યુટ્યૂબ વીડિયોને લઈને શિમલાના કુમારસેન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે એક યુટ્યૂબ કાર્યક્રમ ‘ધ વિનોદ દુઆ શો’માં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ તમામ નિવેદનો સામાજિક દૂષણને વધારી શકે છે અને સાંપ્રદાયિક ઘર્ષણ પણ વધારી શકે છે. શ્યામે આરોપ લગાવ્યો હતો કે દુઆએ પોતાની યુટ્યૂબ ચેનલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વોટ માગવા માટે ‘મોત અને આતંકી હુમલાઓ’નો પ્રયોગ કરવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. આની પહેલાં પણ સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 14 જૂનના રોજ અનપેક્ષિત સુનાવણી કરીને વિનોદ દુઆને આગામી આદેશ સુધી ધરપકડ અંગે સંરક્ષણ પ્રદાન કર્યું હતું. જોકે કોર્ટે તેમના વિરુદ્ધ ચાલી રહેલી તપાસ પર પ્રતિબંધ લગાવવાની ના પાડી હતી. દુઆએ કોર્ટમાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRને રદ કરવા માટેની અપીલ કરી હતી. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે પ્રેસની સ્વતંત્રતા સંવિધાનના અનુચ્છેદ 19 (1) (A) અંતર્ગત મૌલિક અધિકાર છે.