26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાના મામલામાં બુધવારે સતત બીજા દિવસે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી. પોલીસે લાલ કિલ્લા અને અન્ય સ્થળ પર થયેલી હિંસાના એક આરોપી ઈકબાલ સિંહને અરેસ્ટ કર્યા છે. તેમની પર 50 હજાર રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. આ પહેલા પોલીસે પંજાબી સિંગર દીપ સિદ્ધુની પણ ધરપકડ કરી હતી.
ખેડૂતોએ ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. જે દરમિયાન હિંસા થઇ હતી. પ્રદર્શનકારીઓ નક્કી રૂટ છોડીને દિલ્હીમાં છેક લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. આ પહેલાં દિલ્હી પોલીસે બુરાડીમાંથી પાંચ લોકોની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનાના મુખ્ય આરોપી દીપ સિધૂ ઉપરાંત સુરજીત ઉર્ફ દીપુ, સતવીર સિંહ ઉર્ફ સચિન, સંદીપ સિંહ, દેવેન્દ્ર સિંહ અને રવિ કુમારની ધરપકડ કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે , દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાની ઘટનાના આરોપી પંજાબી એક્ટર દીપ સિધૂની મંગળવારની સવારે હરિયાણાના કરનાલ પાસેથી ધરપકડ કરી હતી. જ્યારે દિલ્હીની તીસ હજારી કોર્ટે પંજાબી એક્ટર દીપ સિધૂને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ દીપ સિધૂની ૧૦ દિવસની કસ્ટડી માંગી હતી.