10 કરોડ ભારતીયોનો ડેટા ડાર્ક વેબ પર વેચાવા માટે તૈયાર, પેમેન્ટ પ્લેટફોર્મ મોબિક્વિકે આક્ષેપો સદંતર ફગાવ્યા

મોબાઇલથી નાણાકીય વ્યવહારો કરનારાઓને સતર્ક કરતા એક સમાચાર છે. સાઇબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાજહારિયા અને ફ્રેન્ચ સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ ઇલિયટ એન્ડરસનનો દાવો છે કે 10 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા હેકર ફોરમ ‘ડાર્ક વેબ’ પર વેચાવા મુકાયો છે.

રાજશેખરે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ ડેટા એક પેમેન્ટ એપ વાપરતા યુઝર્સનો છે. તે એપને અગાઉ પણ સાવચેત કરાઇ હતી પણ તેમણે ધ્યાન ન આપ્યું. હેકર ગ્રૂપ ડેટા 26 માર્ચથી ઓનલાઇન વેચી રહ્યું છે. ગ્રૂપની એક પોસ્ટ મુજબ, ડેટા 1.5 બિટકોઇન (અંદાજે 63 લાખ રૂ.)માં વેચાઇ રહ્યો છે. ડેટાની સાઇઝ 350 જીબી છે, જેમાં 9.9 કરોડ મેલ, ફોન પાસવર્ડ્સ, એડ્રેસ અને ઇન્સ્ટોલ્ડ એપ્સ ડેટા, આઇપી એડ્રેસ, જીપીએસ લોકેશન, પાસપોર્ટ, પાન કાર્ડ અને આધાર કાર્ડ ડિટેલ્સ, ક્રેડિટ તથા ડેબિટ કાર્ડ નંબર પણ સામેલ છે. દેશમાં મોબિક્વિકના 12 કરોડથી વધુ યુઝર્સ છે.

પેમેન્ટ પ્લેટફોર્મ મોબિક્વિકે રાજશેખરના આક્ષેપો સદંતર ફગાવતાં તેના બ્લોગ પર જણાવ્યું કે, ‘કેટલાક યુઝર્સના જણાવ્યાનુસાર તેમનો ડેટા ડાર્ક વેબ પર છે. યુઝર્સ ઘણાં પ્લેટફોર્મ પર તેમનો ડેટા શૅર કરતા હોવાથી તેમનો ડેટા અમારાથી લીક થયો છે એમ કહેવું ખોટું છે. એપ દ્વારા ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે સુરક્ષિત અને ઓટીપી આધારિત છે.’

Source : Bhaskar

Leave a Reply

Translate »