- મુંબઈના વાનખેડે ખાતે 10થી 25 એપ્રિલ દરમિયાન કુલ 10 લીગ મેચીસ રમાવાની છે
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના 8 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વાનખેડે ખાતે કુલ 19 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સ છે, જેમનો ગયા અઠવાડિયે RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમાંથી 26 માર્ચના રોજ 3નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 1 એપ્રિલે અન્ય 5 પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. વાનખેડે ખાતે 10થી 25 એપ્રિલ દરમિયાન કુલ 10 લીગ મેચીસ રમાવાની છે.
મુંબઈ ક્રિકેટ એસોસિયેશન ગ્રાઉન્ડ સ્ટાફ રિપ્લેસ કરશે
ધ હિન્દુમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, મુંબઈ ક્રિકેટ એસોસિયેશન બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સના શરદ પવાર એકેડમી અને કાંદિવલીના સચિન તેંડુલકર જિમખાના મેમ્બર્સને વાનખેડે બોલાવી હાલના સ્ટાફ સાથે રિપ્લેસ કરી શકે છે. જોકે એ પણ જોવાનું રહેશે કે BCCI આ મામલે શું પગલાં લે છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે 47 હજાર+ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 47, 913 કેસ નોંધાયા હતા. 481 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 29.04 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 24.57 લાખ લોકો સાજા થયા, જ્યારે 55,379 મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 90 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે, જોકે તેમ છતાં BCCI મુંબઈમાં દર્શકો વગર IPLની મેચો રમાડવા માટે મક્કમ છે.
KKRનો નીતીશ રાણા પોઝિટિવ આવ્યો હતો
કોલકાતા નાઈટ રાઈડર્સનો બેટ્સમેન નીતીશ રાણા કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ અંગે KKR તરફથી કહેવાયું હતું કે રાણા 22 માર્ચના રોજ પોઝિટિવ આવ્યો હતો. અમુક દિવસ આઈસોલેશનમાં રહ્યા પછી તેનો રિપોર્ટ 1 એપ્રિલના રોજ નેગેટિવ આવ્યો હતો. IPLની 14મી સીઝન 9 એપ્રિલથી શરૂ થાય છે. ફાઈનલ 30 મેના રોજ થશે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ(MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની વચ્ચે રમાવાની છે. KKRની પ્રથમ મેચ 11 એપ્રિલ સનરાઈઝર્સ હૈદરાબાદની સાથે છે.
પ્લેયર્સનું GPS ટેગિંગ કરાશે
BCCIએ કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં તમામ ખેલાડીઓ બાયો બબલમાં રહીને આખી સીઝન રમી શકે એવી વ્યવસ્થા કરાઈ છે. કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન થાય એ માટે GPS ડિવાઈઝની સહાયતા લેવામાં આવી છે. બાયો બબલનું ઉલ્લંઘન ન થાય એ માટે પ્રત્યેકની ટીમમાં 4-4 કોરોના અધિકારીઓની ટુકડી આપવામાં આવી છે.
રિસ્ટબેન્ડ અને ચેઈનથી બાયો-બબલની હદની જાણ થશે
ખેલાડી બાયો-બબલમાં રહે અને તેમના વિસ્તારની હદથી બહાર ન જાય એ માટે તેમને ટ્રેકિંગ ડિવાઈસની સુવિધા અપાશે. આ ડિવાઈસ રિસ્ટબેન્ડ અને ચેઈનના રૂપમાં હશે. જે જાણતા-અજાણતા ખેલાડીને બાયો-બબલનો ભંગ કરતા પણ રોકશે, જેનાથી ખેલાડીઓને જાણ થશે કે કયા વિસ્તારમાં તેણે જવાનું રહેશે અને અગર તે બાયો-બબલ ઝોનથી બહાર આવશે તો એક અલર્ટ ટોન સાથે ખેલાડીને સતર્ક કરાશે.
બાયો-બબલના ઉલ્લંઘન પર 7 દિવસ ફરી ક્વોરન્ટીન રહેવું પડશે
જેમાં અગર કોઈ ખેલાડી બાયો-બબલનો ભંગ કરશે તો એની જાણ અધિકારીઓને થઈ જશે. તેવા ખેલાડીને ફરીથી 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે. ખેલાડીને આ પહેલાં કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેને ટીમ સાથે ફરી જોડાવાનો આદેશ અપાશે.