ગુજરાતના પૂર્વ ડીજીપી શબ્બીર હુસેન ખાંડવાવાલાની બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)ના એન્ટી કરપ્શન યુનિટ (ACU)ના નવા ચીફ તરીકે નિયુક્તિ થઈ છે. તેમણે આ પોસ્ટ પર રાજસ્થાનના પૂર્વ ડીજીપી અજિત સિંહને રિપ્લેસ કર્યા છે. અજિતે એપ્રિલ 2018થી માર્ચ 2021થી આ પદ પર ફરજ નિભાવી.
1973ની બેચના IPS ઓફિસર છે ખાંડવાવાલા
અજિતે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ખાંડવાવાલા પોતાના રોલમાં સેટલ થાય ત્યાં સુધી તેઓ અનઓફિશિયલી કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે IPL 2021ની શરૂઆત 9 એપ્રિલે થઈ રહી છે, તે પહેલાં જ બોર્ડ દ્વારા આ ખાલી પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે. ACUના નવા હેડ 1973ની બેચના IPS ઓફિસર છે.
મારા માટે ગર્વની વાત છે
70 વર્ષીય ખાંડવાવાલાએ કહ્યું કે, “વર્લ્ડની સૌથી મોટી ક્રિકેટિંગ બોડી BCCIમાં જોડાવવું મારા માટે ગર્વની વાત છે. સિક્યુરિટી મેટર્સમાં મારી એક્સપર્ટાઇઝ ઉપરાંત ગેમ પ્રત્યેનો પ્રેમ મને મારા કામમાં મદદ કરશે.” ખાંડવાવાલાએ ડિસેમ્બર 2010માં ગુજરાતના ડીજીપી તરીકે નિવૃત્તિ લીધી હતી. તે બાદ 10 વર્ષ એસ્સર ગ્રૂપમાં એડવાઈઝર તરીકે ફરજ નિભાવી હતી. તેઓ બુધવારે ચેન્નઈ જવા રવાના થશે.