લોકડાઉન અને અનલોક દરમિયાન ટોઈંગ ક્રેઈન બંધ હોવા છતા સુરત શહેર ટ્રાફિક પોલીસે 92 લાખ જેટલી માતબર રકમનું બિલ કોન્ટ્રાક્ટર અગ્રવાલ એજન્સીને ખોટી રીતે ચુકવ્યું હોવાનો અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મુકીને આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ એસીબી સહિત રાજ્યના પોલીસવડા સહિતનાને ફરિયાદ આપી હતી. આ તમામ આરોપોને આજે સુરત ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમ્બેએ પાયાવિહોણા લેખાવ્યા હતા અને કહ્યું કે, કોઈ ગેરરીતિ કરાય નથી, ટ્રાફિક વિભાગે ડિટેઈન થયેલા વાહનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે 22માંથી 8 ક્રેઈન લોકડાઉન દરમિયાન અને ત્યાર પછી જરૂરીયાત પ્રમાણે શરૂ રાખી હતી અને તે મુજબ નિયમને આધિન જ બિલ ચુકવાયા છે.
ટ્રાફિક ડિસીપી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે, અમે આ સમય દરમિયાન 8 ક્રેઈન ચલાવી હતી અને 14 રદ્દ કરી હતી. જેનો ઓર્ડર તેઓએ જાતે કર્યો હતો. લોકડાઉન દરમિયાન 37 હજાર વાહનો ડિટેઈન કર્યા હતા. આ કામમાં ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ સ્ટેશનમાંથી માંગ આવતાં વધુ પાંચ ક્રેઈન શરૂ કરવામાં આવી હતી. જમવાનું પહોંચાડવામાં પણ ક્રેઈનનો ઉપયોગ કરાયો. લોકડાઉન બાદ અનલોકમાં એટલે કે જૂન મહિનામાં બધી જ ક્રેઈન શરૂ કરવામાં આવી છે. અગર ક્રેઈન સ્ટેન્ડ બાયમાં રખાય હોય તો પણ તેને નક્કી રકમ પ્રમાણે પેમેન્ટ આપવાનું હોય છે. જેથી, કોઈ આર્થિક ગડબડી થઈ નથી. લોગબુકને ઈન્ચાર્જ મેઈન્ટેન કરે છે. જેથી, જે તે સમયે એક જ પેનથી અને એક જ દિવસે લખાયુ છે તે અમે જરૂર ચેક કરીશું.