આરટીઓમાં ફરિયાદોનો દૌર? સત્તાની સાંઠમારી કે હપ્તાનું રાજકારણ?

 • સ્ટોરી: રાજા શેખ

 સુરત આરટીઓમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુકેશ વિરડીયા નામના શખ્સના નામથી સીએમ સુધી કરાયેલી ફરિયાદે આજકાલ આરટીઓ વર્તુળમાં ખૂબ જ ચર્ચા જગાવી છે. કતારગામ રોડ ગાયત્રી પરિવાર સોસાયટીના સરનામેથી આ અરજી આરટીઓમાં રીસીવ કરાય છે. આ ફરિયાદમાં સીધા ઈન્સ્પેક્ટર ભાવિન ચૌધરીના પાકા લાઈસન્સ ઘરે પહોંચાડવાને બદલે હાથોહાથ આપવા માટે રૂ. 1000 પડાવતા હોવાનો આરોપ લગાવાયા છે અને તેની ડ્યુટી સોંપવા માટે ઈન્ચાર્જ આરટીઓ પર પણ કાદવ ઉછાળાયો છે. આ મામલે ભાવિન ચૌધરીની ડ્યુટી બદલી કાઢી તેઓને નંબર પાડવાની ડ્યુટી સોંપી દઈ તપાસ શરૂ કરાય છે અને તેમના સ્થાને ઈન્સ્પેક્ટર પ્રજાપતિને ડ્યુટી સોંપાય છે.

જોકે, અમારા પ્રાથમિક ઈન્વેસ્ટિગેશનમાં આ ફરિયાદ પાછળ સત્તાની સાંઠમારી અને હપ્તાનું રાજકારણ હોવાનું લાગી રહ્યું છે.  કેટલાક ભ્રષ્ટો પોતાનું અલાયદુ હપ્તાનું સામ્રાજ્ય ઊભું કરવા માંગતા હોવાનો ખેલ પણ ખેલાય રહ્યો હોવાની ચર્ચા પણ આરટીઓ પરિસર સહિત અનુભવી અધિકારીઓ થકી સાંભળવા મળી રહી છે. અહીં અમે એ નથી કહી રહ્યાં કે ફરિયાદ ખોટી હોય શકે પણ તેની પાછળ જે રમત રમાય રહી છે તે તરફ આપોઆપ ધ્યાન ખેંચાયું છે અને તેમાં ઉચ્ચ અધિકારીઓ પણ તપાસના નામે હંમેશા માટે ‘ખેલ’ કરતા હોવાની ચર્ચા છેડાય છે.

શું છે ફરિયાદમાં ?

મુકેશ વિરડીયા નામના શખ્સે કરેલી ફરિયાદ મુજબ આરટીઓ ઈન્સ્પેક્ટર ભાવિન ચૌધરી પાકા લાઈસન્સ જે પોસ્ટ ઓફિસ મારફત વાહનધારકના ઘરે પહોંચાડવાને બદલે કેટલાક મળતિયા એજન્ટો (જેમા પોલીસ ચોપડે ચઢેલા એજન્ટના નામ પણ છે) પાસે રૂપિયા 1000 લઈને તેઓને હાથોહાથ લાઈસન્સ અપાવડાવ્યા છે. આવી 43 લાઈસન્સનું લિસ્ટ (જે ઓક્ટોબર 2019થી કઢાવી જુલાઈ 2020 સુધીનું) કોઈ પણ રીતે મેળવી ફરિયાદમાં સામેલ કરાયું છે. ચૌધરી રોજ આ રીતે 25થી 30 લાઈસન્સ આપતા હોવાનો આરોપ છે. ફરિયાદમાં ભાવિન ચૌધરી હેવી વ્હીકલની ટ્રાયલ લીધા વિના અને અરજદારને બોલાવ્યા વિના રૂ. 1500 લઈ લાઈસન્સ કાઢ્યા હોવાનો આરોપ પણ છે અને તેઓ હવે અરજદારને બોલાવી રૂ.3000 માંગતા હોય અને બારોબાર માટે રૂ. 10 હજાર લેતા હોવાનો ઉલ્લેખ છે. ( જોકે, તે અંગે કોઈ આધારપુરાવો રજૂ કરાયો નથી.)  જેમાં ઈન્ચાર્જ આરટીઓ ચાવડાના ચૌધરી ખાસ હોવાના અને તે માટે તેઓને સાચવવામાં આવતા હોવાના આરોપ પણ મઢાયા છે. જોકે, બીજી તરફ, એવું લખાયું છે કે, ઈન્ચાર્જ આરટીઓએ રાજ નામના એજન્ટ પાસેથી બોગસ લાઈસન્સ પકડી ટોળકીનો પર્દાફાશ કર્યો અને ચૌધરીને પોલીસ ફરિયાદ નોંધાવવા કહ્યું પણ ચૌધરીએ 5 લાખ જેટલી મોટી રકમ, આઈફોન લઈને રાજ સામે ગુનો ન નોંધાવ્યો અને આરટીઓનું પણ ન માનતા હોવાનો ઉલ્લેખ છે.!!

શંકાઓ અને ચર્ચાઓ શું છે?

 •  આ અરજી કરનાર મુકેશ વિરડિયાએ આ ફરિયાદ પહેલા એજન્ટો અને મીડીયા, અધિકારીઓમાં ફરતી કરી. તે માટે ચોક્કસ મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો કે જે નંબર પર કોલ કરવાથી લાગતો નથી અને તેના વોટ્સએપ નંબર પર પણ કોઈ રિપ્લાય આપતું નથી.! જેથી આ ફરિયાદ ડમી તરીકે વધુ લેખાવાય રહી છે.
 • આ ફરિયાદની જાણ ઉપર કરાય છે અને તેની તપાસ એઆરટીઓ હાર્દિક પટેલ કરી રહ્યાં છે. તેઓ પર વડી કચેરીને વધુ ભરોસો હોય  આજકાલ તેઓને સાઉથ ગુજરાતની તમામ આરટીઓની ફરિયાદની તપાસ સોંપાય રહી છે અને તેમણે પ્રાથમિક તપાસ કરતા અરજદારના રહેઠાંણ વિસ્તારમાં તપાસ કરાવી તો આવી કોઈ વ્યક્તિ ત્યાં રહેતી ન હોવાનું હાલ તો જાણવા મળ્યું છે. તેમ છતા તેમણે રજીસ્ટર એડી થકી પત્ર મોકલીને ફરિયાદીને પુરાવા સાથે હાજર રહેવા કહેણ મોકલ્યું છે. જોકે, તેઓ આશાવાદ રાખી રહ્યાં છે કે અગર ફરિયાદી સાચે જ હશે તો તેને શોધી કઢાશે!
 • શંકા છે કે, ફરિયાદીએ રજૂ કરેલો ડેટા કે જે ચોકક્સ અધિકારીઓ પાસે જ હોય છે અથવા તે રજિસ્ટરની ઉપરની ઓફિસથી નીચેની ઓફિસ લાવવા લઈ જવાનું કામ કરનાર ફોલ્ડરિયા પાસે તેની માહિતી હોય છે અને તેમાં કોના કહેવાથી અને કોને અરજન્ટ લાઈસન્સની ડિલીવરી હાથોહાથ અપાય તે નોંધ હોય છે. તે ડેટા કેવી રીતે લિક થયો તે આશ્ચર્યની વાત છે. જેથી ચોક્કસ જ તેમાં કાં તો કોઈ અધિકારી કે જે આંતરિક હુંસાતુંસીમાં સામેલ હોય તેણે તે આપ્યો હોઈ શકે અથવા તેના ફોલ્ડરિયાએ તે ડેટા આપ્યો હોઈ શકે. હવે રજીસ્ટર નિભાવાતું હોય છે અને તેમાંથી જ આ માહિતી કઢાય છે અને તેમાં દરેક સાહેબની ભલામણની સહી પણ હોય છે. જેથી, તેનુ લિક કરવું તે આંતરિક એકબીજાને પાડી દેવાના ખેલના ભાગરૂપે જ જોવાય રહ્યું છે.
 • ઈન્ચાર્જ આરટીઓ તરીકે ડીકે ચાવડાએ ચાર્જ સંભાળ્યા બાદ કેટલાક સમયથી આરટીઓમાં આવી નનામી અરજીઆેની ભરમાર આવી છે અને ઘણી ફરિયાદ ગાંધીનગર વાહનવ્યવહાર કચેરીએ પણ મોકલવામાં આવી રહી છે. જોકે, તમામ નનામી અરજીની તપાસ કરાવાય છે!! (છેલ્લા એક મહિનામાં આવી ચાર ભ્રષ્ટાચારની નનામી ફરિયાદ મળી છે)  સામાન્ય સંજોગોમાં તમામ સરકારી વિભાગોમાં આવી નનામી ફરિયાદો આવતી હોય છે પણ તે અંગે તપાસ થતી હોય તેવું હોતુ નથી. આરટીઓમાં તપાસ તો થાય છે પણ તેમાં ફરિયાદી મળતા નથી જેથી, ફરિયાદમાં તથ્ય નથી તેવા રિપોર્ટ થઈ જાય છે. (સૂત્રો મુજબ તેની પાછળ ચોક્કસ ભ્રષ્ટ ગેંગ કાર્યરત છે જે ધાર્યું કરાવવા ‘શામ-દામ-દંડ-ભેદનો ખેલ ખેલી રહી છે. )
 • આ ફરિયાદમાં પણ વિશેષરૂપે ઉલ્લેખ થયો છે કે ડીકે ચાવડાના ચાર્જ લીધા બાદ ઘણાં કૌભાંડો ચાલી રહ્યાં છે તે વાત જરૂર જાણકારોને શંકા પ્રેરવા મજબૂર કરી રહી છે. સત્તાના વિકેન્દ્રકરણને કારણે આ રીતે ટાર્ગેટ કરાય રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અધિકારી સૂત્રો પાસેથી મળતી હકિકતો મુજબ ડીકે ચાવડાએ આસિસ્ટન્ટો કે જે ચોક્કસ ભ્રષ્ટો સાથે વ્યવહારમાં છે તેમની દુકાન બંધ કરાવી દીધી હોવાથી તેઓ ચાવડાને ‘નબળા’ અધિકારી તરીકે ચીતરીને સત્તાનું સુકાન સંભાળવા માંગી રહ્યાં છે અને તે માટે વિવિધ હથકંડા અપનાવાય રહ્યાં હોવાનું કહેવાય રહ્યું છે. જેથી, ભ્રષ્ટ ઉપરી આકાઓની મદદથી પોતાની બેનંબરી દુકાન ખુલ્લેઆમ ચલાવી શકે.
 • અગર ઈન્સ્પેક્ટર ભાવિન ચૌધરીનો કોઈ અરજદાર ભોગ બન્યું હોય તો તે સ્થાનિક આરટીઓને મળીને પહેલા ફરિયાદ કરે અને પોતાનું કામ ન થતુ હોય તો તે કરાવે પરંતુ અહીં ભ્રષ્ટાચારની ફરિયાદ કરાય છે અને તે પણ અંદરખાને અપાયેલા લાઈસન્સના ડેટા મેળવીને. અનુભવી અધિકારીઓને આ મામલે શંકા છે કે, કોઈ અરજદારના આવા સોર્સ ન હોઈ શકે. તે કામ કોઈ વિઘ્નસંતોષી અધિકારી અથવા એજન્ટનું જ હોઈ શકે.
 • ફરિયાદીએ ઈન્સ્પેક્ટર ભાવિન ચૌધરીના ફેસબુક એકાઉન્ટથી ફોટો લીધા છે અને તે કંઈ કાર લઈને આવે છે તેનો ફોટો આરટીઓ કચેરીમાંથી મોબાઈલમાં પાડ્યો છે અને ફરિયાદમાં તે ફોટા પણ સામેલ કર્યાં છે. બીજુ કે ચૌધરીના સરકારી મોબાઈલ નંબરને બદલે ખાનગી મોબાઈલ નંબરો ફરિયાદમાં આપ્યા છે. જે નંબરો કોઈની પાસે નથી. તે કામ કોઈ અધિકારી-એજન્ટનું જ હોય શકે તેવી પ્રબળ શંકા આરટીઓના જાણકારોએ વ્યક્ત કરી છે.
 • ફરિયાદીએ જે એજન્ટોના નામો આપ્યા છે તેમાં જરૂર હુસૈન, સાહિલ, જે.કે. ચિરાગ, રાજ વગેરે ખૂબ વગોવાયેલા છે અને તે ઉપરાંત પૈકી કેટલાક એજન્ટોની આજે પુછપરછ પર કરાય હોવાની માહિતી છે. જોકે, તે પૈકી કેટલાક અન્યો એજન્ટોએ હાથોહાથ લીધેલા લાઈસન્સ કોઈ સરકારી અધિકારી, સામાજિક કાર્યકર્તા, રાજકીય આગેવાન વગેરેને ઉપરી અધિકારીઓની સહી લઈને અપાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આ‌વ્યું છે. એટલે હવે તેઓનો પણ તપાસમાં ઉલ્લેખ થશે. જેથી, ઘણા આરોપો તો આપોઆપ નીકળી જશે.

  ફરિયાદીને શોધવા સીસીટીવી કેમરા સહિતની થશે તપાસ

સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીને સંબોધીને લખેલી ફરિયાદની કોપી પહેલા 19 ઓક્ટોબર 2020ના રોજ  વાઈરલ કર્યા બાદ બીજા દિવસે એક કાળો, પાતળો યુવક સવારે બારથી સવા બાર વાગ્યાની વચ્ચે સુરત આરટીઓના પીઆરઓ વિભાગમાં આવીને બંધ કવરમાં ગુપ્ત રજૂઆત છે કહીંને ફરિયાદ આપી ગયો હતો અને તેણે બીજા પોલીસ સહિતના વિભાગોના એડ્રેસવાળા કાગળ પર રિસીવનો સિક્કો મરાવી ગયો હતો. ફરિયાદી મુકેશ વિરડિયાએ જે સોસાયટીનું સરનામું આપ્યું છે ત્યાં પ્રાથમિક તપાસ કરતા કોઈ આ નામની વ્યક્તિ રહેતી ન હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અધિકારીઓ હવે ત્યાં પોતે પણ રૂબરુ જઈ તપાસ કરશે અને સાથોસાથ આરટીઓના સીસીટીવી કેમેરામાંથી પણ તેને શોધવાનો પ્રયાસ કરશે. અગર ફરિયાદી બોગસ છે તો સંભવત: તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરટીઓએ હાલ ઈન્સ્પેક્ટર ભાવિન ચૌધરીનો ચાર્જ બદલ્યા બાદ ખોટી અરજીઓ કરનાર અને કરાવનારાઓ સુધી પહોંચવાની દિશામાં પણ અધિકારીઓની ટીમે તપાસ શરૂ કરી છે. અગર કોઈની સામેલગીરી સામે આવશે તો તેમની સામે પણ ફોજદારી નોંધાવવાની તૈયારીઓ હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Translate »