બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના કેબિનેટ મંત્રીઓની સંપત્તિ છેલ્લા પાંચ વર્ષમાં 290% જેટલી વધી ગઈ છે. આ સરકારના 22 મંત્રી ફરી ચૂંટણી લડી રહ્યા છે. મંત્રીઓના શપથપત્રકોમાં જણાવ્યા પ્રમાણે, તમામ મંત્રીઓની સરેરાશ સંપત્તિ 60% જેટલી વધી છે.
સૌથી વધુ 290% વધારો સહકારિતા મંત્રી રાણા રણધીરની સંપત્તિમાં થયો છે. બીજા નંબરે ખાણ મંત્રી બ્રિજ કિશોર બિંદ છે, જેમની સંપત્તિમાં 264%નો વધારો થયો છે. ત્રીજા નંબરે યોજના વિકાસ વિભાગના મંત્રી મહેશ્વર હજારી છે. તેમની સંપત્તિ 235% વધી છે. સૌથી ધનવાન નગર વિકાસ મંત્રી સુરેશ કુમાર શર્મા છે, જેમની કુલ સંપત્તિ રૂ. 9.32કરોડ છે. સૌથી ઓછી રૂ. 80.93 લાખની સંપત્તિ આપદા મંત્રી લક્ષ્મેશ્વર રાયની છે.
બિહારના બે મંત્રીઓની સંપત્તિ ઘટી પણ છે. નગર વિકાસ મંત્રી સુરેશ કુમાર શર્માની કુલ સંપત્તિ 16% અને શેરડી ઉદ્યોગ મંત્રી બીમા ભારતીની કુલ સંપત્તિ 22% ઘટી છે. જંગમ અને અન્ય મિલકતોની કિંમતમાં વધારો-ઘટાડો થવાથી મોટા ભાગના મંત્રીઓની સંપત્તિમાં ફેરફાર થયો છે. મંત્રીઓએ મોટા ભાગનું રોકાણ પણ જંગમ મિલકતોમાં જ કર્યું છે. જોકે, શેર અને બ્રાન્ડ પ્રત્યે પણ મંત્રીઓનો પ્રેમ વધ્યો છે.