શું સુરત-વલસાડના રેલવે કર્મચારીઓએ કર્યું લોન કૌભાંડ?

  • સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)

પશ્ચિમ રેલવેમાં આજકાલ લોન કૌભાંડની ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ લોન કૌભાંડ સુરત અને વલસાડના કર્મચારીઓએ કર્યું હોવાની વાતો ઉઠી છે અને તે માટે રેલવેના વિજિલન્સ વિભાગે ઈન્ક્વાયરી શરૂ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. 100થી વધુ કર્મચારીઓએ જેક્શન કો.ઓપરેટિવ બેંક (જેસી બેંક), ગ્રાંટ રોડની શાખામાંથી ખોટા દસ્તાવેજોના આધારે લોન લઈ આંખમાં ધૂળ નાંખી હોવાની ચર્ચા જોરો પર છે. જેનાથી કર્મચારીઓ અને યુનિયનમાં ભાગદોડ મચી છે. જોકે, આ આખા કૌભાંડ પર પરડો નાંખવા માટેના ધમપછાડા પણ સાથે થઈ રહ્યાં છે.

અતરંગ સૂત્રોનું માનીએ તો, રેલવે કર્મચારીઓના હિત માટે કામ કરતી જેક્શન કો.ઓપરેટિવ બેંક તે રેલવે કર્મચારીઓની દિકરી વિવાહની ઉંમર થાય ત્યારે ખૂબ જ નજીવા દરે ત્રણથી ચાર લાખની લોન આપે છે અને તેનો વર્ષોથી કર્મચારીઓ લાભ લેતા આવ્યા છે. પરંતુ કેટલાક ભેજાબાજ કર્મચારીઓએ પોતાની દિકરી હોવાના બોગસ આધારકાર્ડ બનાવીને લોન ઉપાડીને વાપરી છે. સૂત્રો કહે છે કે, સુરત અને વલસાડના 100થી વધુ કર્મચારીઓએ બોગસ દસ્તાવેજો ઊભા કરીને બેંકમાંથી લોન ઉસેટી લીધી છે! આ વાત રેલવે વિજિલન્સને ધ્યાને આવતા તેઓએ છેલ્લા કેટલાક દિવસથી ઝીણવટભરી તપાસ શરૂ કરી હોવાનું સૂત્રો કહે છે. વિજિલન્સ ઈન્સ્પેક્ટર મયુરજીએ આ તપાસ ચલાવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ લોન કૌભાંડમાં ઉપરી અધિકારીઓ પણ સામેલ હોવાનું કહેવાય રહ્યું છે અને જેના કારણે જ આ કેસને રફેદફે કરવા માટે પણ જોર લગાવાય રહ્યું છે. સુરત અને વલસાડના કેટલાક નામી કર્મચારીઓ, યુનિયન નેતાઓના નામો પણ આ રીતે લોન લેવામાં સામેલ હોવાની ચર્ચા રેલવે પરિસરમાં સાંભળવા મળી રહી છે. જોકે, કોઈ ખુલીને કંઈક કહેવા તૈયાર નથી. એક અધિકારીએ માત્ર એટલું કહ્યું કે, જેસી બેંક અંગે ઓડિટ ચાલી રહ્યું છે. કદાચ કોઈએ લગ્ન ન હોય અને દર્શાવીને લોન લીધી હોય અથવા ખોટી રીતે ફાઈનાન્સ મેળવ્યું હોય તો ઈન્કવાયરી થતી હોય અને તેવા કર્મચારીઓ સામે ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરવામાં આવે છે. આ અંગે પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, કાર્યવાહી થતી હોય પણ આ‌ા કેસોમાં ડિસ્ક્લોઝ નથી કરવામાં આવતું. જોકે, મારા ધ્યાન પર આ વાત નથી.

હવે જોવું એ રહે છે કે, કયા કર્મચારીઓએ ખોટી માહિતીના આધારે આર્થિક લાભ મેળવ્યો છે અને તેઓની સામે શું કાર્યવાહી થાય છે. પરંતુ એટલું જરૂર કહીં શકાય કે લેક ઓફ સિસ્ટમ છે અને તેનો લાભ ભેજાબાદ કર્મચારીઓએ મેળવ્યો છે.

Leave a Reply

Translate »