કેપી હ્યુમને લાજપોર જેલમાં ઈફતાર પાર્ટી યોજી આપ્યો એકતા-ભાઈચારાનો સંદેશ

  • રાજા શેખ, (98980 34910)

ઈસ્લામ ધર્મનો  પવિત્ર રમજાન માસ અમન-શાંતિનો પૈગામ લઈને આવે છે. આ માસમાં મુસ્લિમ બિરાદરો તકવા અને પરહેજગારી સાથે ભારતીય સમયોનુસાર 12થી 14 કલાક જલ-અન્નનો ત્યાગ કરે છે. જોકે, તેની પાછળની ભાવના માત્ર જલ-અન્નનો ત્યાગ નથી પરંતુ ગરીબોની સ્થિતિ સુધી પહોંચવું હોય છે અને પોતાની દરેક ઈન્દ્રિયો પર કાબૂ મેળવીને અલ્લાહની તરફ ધ્યાન કેન્દ્રીય કરવાનું હોય છે, સાથોસાથ ગરીબો-લાચારોને પોતાની આવકના નફામાંથી અઢી ટકા લેખે દાન પણ આપવાનું હોય છે.  શહેરમાં વિવિધ જગ્યાઓ પર ઈફતાર પાર્ટીનું આયોજન કરીને ભાઈચારો-એકતાનો સંદેશો અપાતો રહે છે પરંતુ આ વખતે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં 3000 કેદીભાઈ-બહેનો માટે વિશાળ ઈફતાર પાર્ટીનું આયોજન સુરતના કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું અને આજના માહોલમાં એક ઠોસ ભાઈચારોનો સંદેશો પાઠવ્યો. કેપી હ્યુમન આમ તો વિતેલા ચાર વર્ષથી લાજપોર જેલમાં રમજાનમાં સહેરી અને ઈફતારી કરાવે છે જ્યારે એજ રીતે શ્રાવણ માસમાં પણ શિવની આરાધના કરનારા કેદીભાઈઓ માટે ફળાહાર પહોંચાડી ઈન્સાનિયનું ઉદાહરણ પુરું પાડી રહ્યું છે. આ વખતનું આયોજન કંઈક વિશેષ હતું. જેમાં  જેલ સુપ્રિન્ટેન્ડન્ટ આઈજીપી શ્રી મનોજ નિનામા અને તેમની ટીમ સાથે મળીને કેપી હ્યુમને દરેક હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેન કેદી માટે ઈફતાર પાર્ટી યોજી. જેમાં કેપી હ્યુમનના ચીફ ડિરેક્ટર શ્રી ફારુક પટેલ (કેપી) અને ભાજપ લઘુમતી મોરચનના રાષ્ટ્રીય મહામંત્રી સુફી મહેબૂબ અલી બાવા ચિશ્તી ઉપસ્થિત રહ્યાં હતા. આ સાથે સામાજિક, ધાર્મિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતની લાજપોર જેલમાં હાલ કાચા અને પાકા કામના મળીને અંદાજિત 70 જેટલી મહિલા કેદીઓ સાથે ત્રણ હજાર કેદીઓ બંધ છે.  જે પૈકી હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હોય  450 જેટલા મુસ્લિમ કેદીઓ રોજા રાખી  અલ્લાહની બંદગી કરી રહ્યાં છે.  લાજપોર જેલમાં બંધ કેદીભાઈ-બહેનો બહારની જેમ જ સહેરી અને ઈફતારી કરી શકે તે માટે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશને આખા મહિના માટે તે માટે ખાદ્ય સામગ્રી જેલ મેન્યુઅલ પ્રમાણે પુરી પાડી રહ્યું છે. 28 તારીખની બડી રાત બાદ 29 તારીખે ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનો કહેવાતો 27મો મોટો રાેજો હતો. આ રોજો મુસ્લિમોની સાથે ઘણાં અન્ય ધર્મના લોકો પણ રાખીને ઈશ્વરતરફ પોતાની શ્રધ્ધા વ્યક્ત કરતા હોય છે ત્યારે આ મહત્વના દિવસે જેલમાં તમામ મુસ્લિમ-હિંદુ કેદી ભાઈ-બહેન માટે ઈફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે કેપી હ્યુમનના ચીફ ડિરેક્ટર ફારુક પટેલે કહ્યું હતું કે, અમે જે કમાઈએ છીએ તેમાંથી સમાજને પરત આપવાનો અમારો આશય છે. આજના સમયમાં એકબીજા સાથે ભાઈચારાથી રહેવું મહત્વનું છે. અમે કેદીભાઈઓના ઉત્થાન માટે કામ કરી રહ્યાં છે. રમજાનમાં અમે જે રીતે સેવા કરીએ છીએ એજ રીતે શ્રાવણમાં પણ અમારી ટીમ જેલમાં સેવારત હોય છે. અમારી દેશ માટે જ્યા જરૂર હશે ત્યાં અમે જરૂર ઊભા રહીશું. ઈસ્લામ શાંતિ-અમનનો સંદેશો પાઠવે છે અને આજે હું કેદીભાઈઓને પણ કહું છું કે, અહીં પ્રાશ્ચિત કરીને બહાર જાઓ અને એક સુંદર જીવન વિતાવો. આજે અંદર બંધ કેદીઓએ બહાર આઝાદ ફરનારા લોકોને ખૂબ જ સ્ટ્રોંગ સંદેશો પાઠવ્યો છે કે, અમે અંદર એક રહી શકતા હોઈએ તો આપ બહાર કેમ નહીં. સલામ છે દરેક કેદીભાઈઓને કે તેઓએ એકતાની મિશાલ પુરી પાડી.

સુફી મહેબૂબ અલી બાવાએ પણ કહ્યું હતુ કે, કેપી ગ્રુપના ફારુક ભાઈએ આ ઈફતાર પાર્ટીનું આયોજન કર્યું તે ખરેખર ભાઈચારા માટે કાબિલેતારીફ છે. આજે મોહનભાગવત જીએ પણ કહ્યું છે કે, જે દેશમાં ભાઈચારો -અમન નથી તે દેશ ઈતિહાસના પાના પરથી ગુમ થઈ ગયા છે એટલે આ‌પણે ભાઈચારા-કોમી સોહાર્દ જાળવી રાખી આગળ વધવું જોઈએ.

જેલ સુપરિન્ટેન્ડન્ટ મનોજ નિનામાએ કહ્યું હતું કે, ક્યાં શું થયું તે માલૂમ નથી પરંતુ સુરત જેલમાં ઈફતારનો આ કાર્યક્રમ ઐતિહાસિક છે અને દરેક કોમ-ધર્મના લોકો અંદર જેલમાં બંધ હોવા છતા એકબીજા સાથે હાથમાં હાથ પરોવીને દરેક તહેવારની ઉજવણી કરે છે. અહીં શ્રાવણ પણ થાય છે અને રમજાન પણ થાય છે. દિવાળી પણ મનાવાય છે અને ઈદ પણ. શિવ મહિમાં પણ ગવાય છે અને કુરાન પણ પઢાય છે. જે વિવિધતામાં એકતાનો સંદેશો છે.

ઉલ્લેખનીય છે કે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન કેદીઓના ઉત્થાન માટે લગાતાર પ્રયાસરત છે. તેઓ તે માટે જેલમા અનેક કાર્યક્રમો કરતા રહે છે. સાથાસાથ બંદીવાની સુખસગવડો પણ જેલ સુપરિન્ટેન્ડેન્ટની માંગણી અનુસાર પુરી પાડતા રહે છે. અત્યારસુધી તેઓએ જેલમાં કેદીઓને ગરમ અને પોચી રોટલી મળી રહે તે માટે પાંચ રોટી મેકર અને ડ્રેગર મશીન ભેટમાં આપ્યા છે. ઉપરાંત ઠંડીમાં મહિલા-વૃદ્ધ સહિતના કેદીઓને ન્હાવા-ધોવા માટે તકલીફ ન પડે તે માટે 12 સોલાર ગીજર જેલમાં લગાડી આપ્યા છે. ઉપરાંત કેદીઓના સ્વસ્થય માટે જેલમાં જીમ પણ ઊભું કરાવી આપ્યું છે.

Leave a Reply

Translate »