લાઈસન્સ સ્કેમ: 4 વર્ષમાં મેવાડાએ કેટલા ખેલ પાડ્યા? તપાસ થશે?

  • રાજા શેખ, સુરત

સુરત આરટીઓમાં પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગના ‘સારથી’ સોફ્ટવેરમાં ચેડા કરીને 10 જેટલા વાહન માલિકોને પાકા લાઈસન્સ બારોબાર કાઢી આપવાના કૌભાંડમાં સુરત આરટીઓના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર નિલેશ ત્રિભોવનદાસ મેવાડા માસ્ટર માઈન્ડ તરીકે અત્યારસુધી પ્રસ્થાપિત કરાયો છે અને તેની પાસે કામ કરાવનારા ત્રણ આરટીઓ એજન્ટ સાહિલ વઢવાણિયા , ઈન્દ્રસિંહ દોડિયા  અને જશ પંચાલની સાઈબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. મેવાડા આમ તો સુરત આરટીઓમાં છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી કામ કરી રહ્યાં હતા અને તે દરમિયાન તેઓએ સંખ્યાબંધ લાઈસન્સ આ રીતે બારોબાર ઈશ્યુ કરી લાખોની કમાણી ગેરકાયદેસર રીતે કરી હોવાનો આરોપ લાગ્યો હતો. આ અરજીને કારણે જ તપાસનો દૌર ચાલ્યો હતો પરંતુ ખાતાકિય તપાસમાં તપાસ કરી રહેલા બે ઈન્સ્પેક્ટર જાદવ અને પ્રજાપતિને ચુપ કરાવી દઈ ‘સબ સલામત’નો રિપોર્ટ કરાવાયો હતો. સીધી રીતે જોવા જઈએ તો મેવાડા સાથે ‘ભાગબટાઈ’ કરનાર અધિકારીએ આ ખેલ શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી પાડ્યો હોવાની વાત સામે આવી રહી છે. જોકે, હાલ સરકાર અને વિભાગના દબાણ બાદ ઈન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલ ભલે પોતે ફરિયાદી બની ગયા હોય પરંતુ જાણકારો કહે છે કે, ટેસ્ટ ટ્રેકમાં નોકરી કરનારા અને આ ચાર વર્ષના સમયમાં જે અધિકારીઓ સુરત આરટીઓના પદ પર ઈન્ચાર્જ હતા તે તમામ અધિકારીઓની પણ ઉલટ તપાસ થવી જોઈએ. સૂત્રો કહે છે કે, સીધી કે આડકતરી રીતે તેમની ‘કાર’માં પણ રોજ સાંજે હિસાબના ‘કવર’ મુકાતા હતા.

પોલીસે 10 પૈકી 9 લાઈસન્સ જમા લઈ તપાસ શરૂ કરી છે પણ લિસ્ટ 30નું છે અને આરોપ 10 હજાર લાઈસન્સનો!!

ઉપર સુધી ફરિયાદ કરનારે આમ તો 30 લોકોએ ખોટી રીતે 7 હજારથી 12 હજાર સુધી લાંચ આપીને ફોરવ્હીલના લાઈસન્સ કઢાવ્યા હોવાનું લિસ્ટ સરકાર સુધી મોકલ્યું છે અને તે પૈકી માત્ર 10ના રેકોર્ડ ન હોવાનું જણાવીને તેની ખરાઈ કરીને ફરિયાદ થઈ છે અને તેના આધારે ધરપકડ કરાઈ છે. પરંતુ ફરિયાદીએ એક અરજદાર પાસે તો રૂ. 25000 પણ લાઈસન્સ આપવા વસૂલાયા હોવાનો અને ચાર વર્ષમાં 10 હજારથી વધુ લાઈસન્સ આ જ રીતે ઈશ્યુ કરાયા હોવાનો આરોપ પણ કર્યા છે અને તેમાં ઉપરી અધિકારીને રૂ 8 લાખનો હપ્તો રેગ્યુલર પહોંચાડાતો હોવાનો ઉલ્લેખ પણ છે.

આ મામલે એન્ટિ કરપ્શન બ્યુરોની હજી એન્ટ્રી સરકાર દ્વારા કરાવાય નથી. યા એસીબી ખુદ તેમાં પડ્યું નથી પરંતુ આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર મેવાડાની સંપત્તિ તેમજ દરેક ઈન્ચાર્જની સંપત્તિની તપાસ પણ કરાવાય તો બેનામી સંપત્તિ જરૂર મળી આવે એમ છે. હાલ બિલાડીને દુધની રખેવાળી જેવો ઘાટ છે પરંતુ પોલીસ અગર યોગ્ય તપાસ કરે તો બીજા આરોપીઓ ઉમેરાય અને તે ચોક્કસ પણે આરટીઓના અધિકારીઓ જ આરોપી બની શકે એમ છે.

ફરિયાદીએ કેટલાક ટેક્નીકલ મુદ્દા પણ ઉપાડ્યા હતા.

જે મુજબ (1) દર 10થી 15 દિવસમાં કેમ સુરત આરટીઓના ટેસ્ટ ટ્રેકના ડેટા ક્રેસ થઈ જતો હતો.? (2) ટોકન નંબર ન પડ્યા હોય તેવા અરજદારોને કયા આધારે ડ્રાઈવિંગ ટેસ્ટ અપાયા અને પાસ કરી દેવાયા? (3) ટેસ્ટ ટ્રેકની હાર્ડ ડિસ્ક કેમ મેવાડા પોતાના પર્સનલ લેપટોપમાં ઉપયોગ કરતા હતા? (4) લર્નિંગ લાઈસન્સ એક્સપાયર થયા બાદ કેમ પાકા લાઈસન્સના ટેસ્ટ લેવાયા? (5) જાન્યુઆરી -2020માં તો છ વાગ્યે ટેસ્ટ ટ્રેક બંધ થઈ ગયા બાદ રાત્રે 10 વાગ્યે કેમ ટેસ્ટના ડેટા સારથી પર પુશ કરાયા? (6) શું ખાતાકિય તપાસ કરનાર ઈન્સ્પેક્ટર જાધવ અને પ્રજાપતિ પાસે દાબદબાણ કરાવીને સબ સલામતનો રિપોર્ટ કરાવાયો હતો?

આ બધા પ્રશ્નો મામલે પોલીસે તપાસ કરવી જોઈએ અને પરદા પાછળના ખેલાડીઓને પણ ખુલ્લા પાડી તેઓને ‘સલાખો કે પીછે’  નાંખવા જોઈએ તેવી લાગણી ઈમાનદાર અધિકારીઓની છે. ગૃહમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી બંને સુરતના જ હોવાથી આ કેસમાં તથ્ય વધુ ચકાસાય એવું લોકો ઈચ્છી રહ્યાં છે.

Leave a Reply

Translate »