• Sun. Mar 24th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

દિવ્યાંગ વૃદ્ધાશ્રમનું શિલાન્યાસ: સીએમએ કહ્યું દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ, દાતા ફારુક પટેલે કહ્યું કે, આ આશ્રમની જવાબદારી મારી


વૃદ્ધાશ્રમને રિસોર્ટ તરીકે આકાર આપી”પ્રભુના ઘર” તરીકે નિર્માણ કરવાનું સપનું ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલરે જોયું અને તે માટે ઝઘડિયાના ઉચેડિયા ગામમાં નર્મદા નદીના કિનારે 40 એકર જમીન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે શિલાન્યાસ કરાયું.

કેપી ગ્રુપના સીએમડી ફારુક પટેલે દિવ્યાંગોના હાઈટેક વૃદ્ધાશ્રમ માટે ટોકનરૂપે રૂ. 21 લાખનો ચેક અર્પણ કર્યો અને મુખ્યમંત્રીની હાજરીમાં જ મંચ પરથી કનુભાઈ ટેલરને કહ્યું કે, હવે આ વૃદ્ધાશ્રમ બનાવવાની સમગ્ર જવાબદારી મારી, તમારે કોઈ પાસે એક રૂપિયાનું દાન લેવા જવાનું નહીં.

https://www.youtube.com/live/2kyk5MgxiO8?feature=share&t=35

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દિવ્યાંગોના ઉત્થાન માટે સતત ચિંતા સાથે અનેક કાર્યો થઈ રહ્યા છે. હાલમાં દિવ્યાંગો મુખ્ય પ્રવાહની સ્કૂલમાં સારી રીતે અભ્યાસ કરી શકે તે માટેની પોલીસી બનાવાય છે અને હવે તેમાં વધુએક છોગું ઉમેરાતાં દિવ્યાંગોને વૃદ્ધાવસ્થામાં કોઈ તકલીફ ન પડે તે માટે સુરતના સેવાભાવી કર્મશીલ અને પદ્મ શ્રી કનુભાઈ ટેલરના વિચારો થકી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે ૪૦ કરોડના ખર્ચે આકાર પામનાર દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ “પ્રભુનું ઘર”નું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલેના વરદ હસ્તે શિલાન્યાસ કરાયો હતો. આ વૃદ્ધાશ્રમ બનાવવાની સમગ્ર જવાબદારી સુરતની રિન્યુએબલ સેક્ટર વિન્ડ અને સોલાર પાવરમાં કામ કરતી કંપની કેપી ગ્રુપના ચેરમેન ફારુક પટેલે ઉપાડી લીધી છે અને તે માટે ટોકન રૂપે મંચ પર જ મુખ્યમંત્રીના અને વાગરાના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે રૂ. 21 લાખનો ચેક અર્પણ કર્યો.

વડાપ્રધાન મોદીએ ‘દિવ્યાંગ’ શબ્દ આપી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા શરૂઆત કરી- ભૂપેન્દ્રભાઈ પટેલ

દિવ્યાંગ વૃદ્ધાશ્રમના શિલાન્યાસ વખતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડો. કનુભાઈ ટેલર, કેપી ગ્રુપના ફારુક પટેલ, ધારાસભ્યો ડીકે સ્વામી, ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, રિતેશ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.


દિવ્યાંગો માટેના અધ્યતન વૃદ્ધાશ્રમના શિલાન્યાસ વેળાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં દિવ્યાંગોને સમાજની મુખ્ય ધારામાં કેવી રીતે લાવી શકાય તે માટે સતત ચિંતા કરીને તે દિશામાં અનેક યોજના અમલમાં મુકી છે. આ ઉપરાંત ભગીરથ કાર્યને આગળ ધપાવવાના યજ્ઞમાં દેશમાં પ્રથમ વખત દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ પ્રભુનું ઘરનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે જે ખરેખર પ્રસંશનીય છે.
વધુમાં મુખ્યમંત્રીએ “છોડમાં રણછોડ દેખાય છે તેમ દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ” તેમ જણાવી આ સંસ્થાના દિવ્ય કાર્યની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગૌરવશાળી નેતૃત્વમાં વિકાસની ગતિએ હરણફાળ ભરી રહેલા ભારતે વિદેશમાં રોજગારીની તકો ઉભી કરવાનું કાર્ય કર્યું છે, ત્યારે આજનું આ દિવ્ય અને ઈશ્વરિય કાર્યના શિલાન્યાસ થકી દિવ્યાંગો માટેના ભગીરથ કાર્યમાં વધુ એક ઉમેરો થયો છે. જે આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે માત્ર સરકાર એકલા હાથે ન કરી શકે તેવા અનેક કાર્યોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવતી હોય છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ધાર્મિક સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સમાજલક્ષી કાર્યોને રાજ્ય સરકારશ્રી તરફથી વધુમાં વધુ સહભાગી થવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્યાંગોના વૃદ્ધાશ્રમનું શિલાન્યાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પિતૃઓના આશીર્વાદ લીધા છે: ડો. કનુભાઈ ટેલર


કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન ડિસેબલ વેલ્ફર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ શ્રી ડૉ.કનુભાઈ ટેલરે કર્યું હતું અને જણાવ્યું હતું કે, દિવ્યાંગોના વૃદ્ધાશ્રમનું શિલાન્યાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પિતૃઓના આશીર્વાદ લીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ડબલ એન્જીનની સરકારમાં દિવ્યાંગજનોનો સાચા અર્થમાં ભાગ્યોદય થવાનો છે. મારા જીવનના પાંચ સકલ્પો પૈકી આ આખરી સંકલ્પ પુરો કરવામાં મુખ્યમંત્રી આવ્યા તે બદલ તેમનો આભાર. દિવ્યાંગો માટે હું અમરસિંહ ચૌધરી, માધવસિંહ સોલંકીથી લઈને અત્યારસુધીની સરકારોને અનેક મુદ્દાઓ થકી રજૂઆતો કરી. તે સમયે મારે ધરણાં પણ કરવા પડ્યા પરંતુ આજના કોમળ હ્દયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ મને તુરંત જ મળવાનો સમય આપીને મારી મનોકામના પુરી કરી.

આવા સરળ-નેકદિલ ઈન્સાન મુખ્યમંત્રીને સલામ, સમગ્ર વૃદ્ધાશ્રમ બનાવવાની જવાબદારી મારી: ફારુક પટેલ

કેપી ગ્રુપ તરફથી રૂ. 21 લાખનો ટોકન ચેક અર્પણ કરતા ચેરમેન ફારુક પટેલ, પુત્ર અફ્ફાન પટેલ, ધારાસભ્ય ડીકે સ્વામી, કનુભાઈ ટેલર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.


આ વેળાએ કે.પી. ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ પટેલે સંકુલના શિલાન્યાસ પ્રસંગે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,આ કાર્યને છેવાડાના માનવી માટે કરુણાનું ઝરણું સમાન છે. દિવ્યાંગોના વૃદ્ધાશ્રમના નાનકડા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી આપી તે માટે તેમનો ધન્યવાદ. તેમનું હ્દય કોમળ છે અને તેઓ નેકદિલ ઈન્સાન છે જે મેં અનુભવ્યું છે. મારા બિઝનેસ કરિયરમાં અનેક હસ્તીઓ સાથે મળવાનું થયું છે પરંતુ આપણાં મુખ્યમંત્રીની સરળતા અને જીંદાદિલી નોખી છે. દિવ્યાંગો માટે કનુભાઈ ઘણું કરી રહ્યાં છે અને હવે આ વૃદ્ધાશ્રમ બનાવવાની તેમની નેમ છે ત્યારે હું તેમને કહીંશ કે હવે તમે કશેથી પણ એક રૂપિયો દાન આ વૃદ્ધાશ્રમ માટે લેતા નહીં. તેની સંપૂર્ણ જવાબદારી મારી છે. ભરૂચ કલેક્ટર સુમેરા સાહેબ અને તેમની ટીમે રાત-દિવસ મહેનત કરી જંગલ જેવા વિસ્તારમાં આટલી સારી સુવિધા ઊભી કરાવી આપી તે માટે તેમનો આભાર. જયહિંદ જયભારત.


શિલાન્યાસના આ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના દ્વારા દિપ પ્રાગટ્ય થકી કરવામાં આવી આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું મંચસ્થ મહેમાનો દ્વારા બુકે તથા શાલ સન્માન કરવામાં આવ્યું હતું. ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ અને કેપી ગ્રુપ તરફથી મુખ્યમંત્રીને મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરાયું હતું. આ વેળાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ વ્હીલચેર ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અંતમાં આભાર વિધિ ટ્રસ્ટી મોહનભાઈ નાયરે કરી હતી.


આ પ્રભુના ઘરના શિલાન્યાસ પ્રસંગે જિલ્લાના પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ધારાસભ્ય સર્વ ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, રિતેશ વસાવા, ડી.કે.સ્વામી, જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, તાલુકા પંચાયતના પ્રમુખ સર્વે શ્રીમતી રીનાબેન વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ લીલાબેન વસાવા, તેમજ નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલ, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ, દિવ્યાંગ બાળકો મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા.

દિવ્યાંગોના વૃદ્ધાશ્રમના શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુમાનદેવ મંદિરમાં ગુમાનદેવ હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ વેળા તેઓશ્રીની સાથે જિલ્લા અગ્રણીશ્રી મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યશ્રીઓ તેમજ આગેવાનો-પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »