‘શિવ’ ઈચ્છે તો ‘અનિલ’ના માધ્યમથી નેક કામ કરાવી શકે, બગડેલ ઈન્સાનથી સેવા કરાવી શકે!

‘શિવ’ ઈચ્છે તો ‘અનિલ’ના માધ્યમથી નેક કામ કરાવી શકે, બગડેલ ઈન્સાનથી સેવા કરાવી શકે!

ડીંડોલીના મહાદેવ નગર-એકમાં જઈ આવો તો માલૂમ પડશે કે, જેને કોઈ નહીં સંગરે તેવા રસ્તે રજળતા-ભટકતા માનસિક સંતુલન ગુમાવી દેનારા વૃદ્ધોને આ લોક કલ્યાણ વૃદ્ધાશ્રમમાં અનિલ બાગલે અને તેનો પરિવાર આશરો આપી સ્વસ્થ કરે છે

સ્ટોરી- રાજા શેખ, સુરત (98980 34910)

દેવોના દેવ મહાદેવ એટલે કે ‘શિવ’ ઈચ્છે તો કોઈને પણ નિમિત્ત બનાવીને તેનાથી સત્કાર્યો કરાવી શકે છે. શિવ અને વિષ્ણું ભગાવાને તેના એક સમાનાર્થી નામક વ્યક્તિ ‘અનિલ’ પાસેથી આવા કાર્યો કરાવવાનું નક્કી કર્યું. એક સમયે બગડેલ કહેવાથી આ વ્યક્તિના મનમાં ઈશ્વરે સારા કાર્યો કરવાનું બીજ રોપ્યું અને આજે તે વ્યક્તિ એવી સેવામાં લાગી ગયો કે, જે સેવા કરવા માટે સગા પુત્ર-પુત્રીઓ પણ હાથ ઊંચા કરી દે છે. વૃદ્ધ માતા-પિતા અને તેમાં પણ તેમનુ માનસિક સંતુલન ન હોય અથવા બિમાર હોય યા કોઈ કારણોસર ઘરમાંથી કાઢી મુકાયા હોય તેવા રસ્તે રઝળતા, ફૂટપાથ પર સુઈ રહેતા એકદમ ગંદા કહી શકાય તેવા નિરાધાર વૃદ્ધોને આશરો આપી તેમને સ્વસ્થ કરવાનું કામ ડીંડોલીના મહાદેવ નગર-એકમાં થઈ રહ્યું છે. એક વૃદ્ધ સાથેની ઠોકર બાદ તેની દેખરેખ રાખવાથી આજથી ચાર વર્ષ પહેલા શરૂ થયેલી સફર બાદ નેક રસ્તે વળેલા આ શખ્સ અને તેનો પરિવાર આજે 190થી વધુ આવા વૃદ્ધોની દેખરેખ રાખી રહ્યું છે અને અત્યારસુધી લગભગ 400થી વધુ રખડતા વૃદ્ધોને સ્વસ્થ કરીને તેમના ઘરે પહોંચાડી ચુક્યાં છે. દાનમાં મળેલી આ જગ્યા પર એક વૃદ્ધાશ્રમ જેનું નામ લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ અને ચેરિટેબલ ટ્રસ્ટ અને બાળાશ્રમ દાતાઓની મદદથી નિર્માણ કરીને તેમાં સેવા કરી રહ્યાં છે.

  • સેવાની શરૂઆત કેવી રીતે શરૂ થઈ?

ઉપરોક્ત વૃદ્ધાશ્રમ ચલાવતા અનિલ બાગલે ન્યૂઝનેટવર્કસ-સિટી સમયને જણાવે છે કે, ‘‘ ચાર વર્ષ અગાઉ તેઓ મોટરસાઈકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં 80 વર્ષીય ધૃવલતા નામની વૃદ્ધાને ટક્કર વાગતા સામાન્ય ઇજા થઈ હતી. આ વૃદ્ધાને હું સારવાર કરાવવા લઈ ગયો અને તેમની પૃચ્છા કરતા પરિવારમાં કોઈ ન હોવાનું અને રસ્તે જ જીવન વિતાવતા હોવાનું કહ્યું હતું. હું તેઓને મારા ઘરે લઈ આવ્યો અને તેમની દેખરેખ રાખી. તે વખતે મનમાં વિચાર આવ્યો અને થયું કે, આવા ઘણાં વૃદ્ધો ભટકતા હશે અને ત્યારબાદ ઘર પાસે એક નજીકની વ્યક્તિએ આપેલી ખુલ્લી જગ્યામાં રૂમ બનાવીને આવા લોકોની સેવા કરવાનું શરૂ કર્યું. આજે એ જગ્યા પર દાતાઓની મદદથી વૃદ્ધાશ્રમ બની ગયું છે અને હાલ અંદર મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે.

  • માનસિક અસ્વસ્થ વૃદ્ધોને સાજા કરીને સમજાવટથી ઘરે મોકલાવ્યા

અનિલ બાગલે જણાવે છે કે, વધુ નિરાધારોને અમે સમાવવાની કોશિશ કરીએ છીએ. સ્મીમેર-સિવિલ જેવી હોસ્પિટલોમાંથી પણ ઘણાં આવા નિરાધાર, અસ્વસ્થ, માનિસક બિમાર વૃદ્ધોને અહીં મોકલવામાં આવે છે. અમુક વૃદ્ધોનો પરિવારજનો સાથે ઝઘડો થયા બાદ પણ અહીં રહેવા આવે છે. પરંતુ અમે સમજાવટથી કામ લઇને વૃદ્ધોને ઘરે મૂકી આવીએ છીએ. ઘણાં માનસિક અસ્વસ્થ, બિમાર , હાથ-પગમાં ગેંગરિન થયું હોય તેવા વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં જ ખોલાયેલા દવાખાનામાં સારવાર આપીને સાજા કરાયા છે. અત્યારસુધી 400 જેટલા વૃદ્ધોને સાજા કરીને પરત કરાયા છે. ઘણાં સાજા થયેલા વૃદ્ધો હવે ઘરે નથી જવા ઈચ્છતા તેઓ અહીં રહે છે. કેટલાક વૃદ્ધોના હાથ-પગમાં સડો હતો તેઓને પણ સારવાર આપી તેમના અંગ બચાવાયા છે. એચઆઈવી જેવા ગંભીર રોગોવાળા વૃદ્ધોને પણ અહીં રખાયા છે. વધુ પડતા માનસિક અસ્વસ્થ, મંદબુદ્ધિના વૃદ્ધો માટે અલાયદુ ‘પ્રભુ સ્વરૂપ ઘર’ બનાવાયું છે. દરેક વૃદ્ધોને સાત્વિક ભોજન, કપડાં, સારવાર, ડાયપર અને દવાની સુવિધા માટે મારો પરિવાર પૂરતી કાળજી લઇ રહ્યો છે. મારી પત્ની ભારતી અને પુત્રી-પુત્રો પણ વૃદ્ધો માટે ભોજન બનાવવા માટે જોડાય છે.

-વિવાદમાં પણ આવ્યા પણ….

ગત એપ્રિલ-2023માં એક વિવાદ સામે આવ્યો હતો અને વૃદ્ધાશ્રમ માટે દાનમાં મળેલી જમીન ખોટી રીતે મેળવાય હોવા સબબ ફોજદારી કેસ નોંધાયો. જોકે, સાંજે જ અનિલ બાગલે અને તેમનો પરિવાર જામીન મુક્ત થયો. કોર્ટે પણ દસ્તાવેજ જોયા અને જામીન આપી દીધા. કહેવાય છે કે, આ એક રાજકીય દબાણવશ થયું અને સેવાનું કામ ન પચાવનારા લોકોએ કારસ્તાન રચ્યું હોવાની વાતો વહેતી થઈ. જોકે, હવે વધુ સારી રીતે વૃદ્ધાશ્રમ ચાલી રહ્યો છે અને નિરાધારોની સેવા કરવા વધુને વધુ અહીં જોડાય રહ્યાં છે. અનિલ કહે છે કે, નિરાધાર, અસહાય વૃદ્ધોના આશિર્વાદ અને ઈશ્વરની કૃપાથી જ આ થઈ રહ્યું છે. મને ભારતીય ગૌરક્ષા મંચના ફાઉન્ડર ધર્મેશભાઈ ગામી જેવા અનેક મહાનુભાવોનો સહકાર મળી રહ્યો છે. ઈશ્વરે તેમના રૂપમાં તેમને મદદે મોકલ્યા છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »