- સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910)
‘‘ એજ્યુકેશન ઈસ મોસ્ટ પાવરફુલ વેપન વીચ યુ કેન યુઝ ટુ ચેન્જ વર્લ્ડ ’’ (Education is the most powerful weapon which you can use to change the world.) નેલ્શન મંડેલાએ આ વાક્ય કહ્યું હતું. શિક્ષણરૂપી આ હથિયારનો ઉપયોગ કરી લસકાણાનો રત્નકલાકાર યુવક સાહિલ અરગઢિયા કરી રહ્યો છે. પોતે ભલે 12 પાસ છે પરંતુ તેણે સ્ટ્રીટ ચિલ્ડ્રનને ભણાવવાનું બીડું ઝડપ્યું છે. એમ્બ્રોઈડરીનું કામ કરતા પિતાએ આજથી આઠ મહિના પહેલા મોબાઈલ ફોન લેવા રૂપિયા આપ્યા તો સાહિલે તે જ રકમમાંથી પુસ્તકો-નોટબુક-પેન-પેન્સિલ ખરીદી લીધા અને વેસુથી વાય જંક્શન જતા રોડ પર ફૂટપાથ પર રહેલા સ્ટ્રીટ ચિલ્ડ્રનને ભણાવવાનું શરૂ કર્યું. આજે મજૂર વર્ગના 20થી વધુ બાળકો કક્કો-બારખડી, એબીસીડી અને ઘડિયા બોલતા થઈ ગયા છે.
સાહિલના ચહેરા પર બાળકોને ભણાવવાનો જબરો આત્મસંતોષ જોવા મળી રહ્યો છે. તે કહે છે કે, મેં આ બાળકોના પરિવારને સમજાવ્યા કે તમે આ બાળકોને ભણાવવા માટે કોઈ હોસ્ટેલમાં મને લઈ જવા દો પરંતુ તેઓ તૈયાર નથી. મજૂર વાલીઓનું કહેવું છે કે, અમને પણ સાથે રહેવાની જગ્યા મળે તો જ અમે ભણવા માટે ત્યાં મોકલીએ. જોકે, તે સંભવ નથી. જેથી, મેં અહીં વાય જંકશન નજીક જ્યાં તેમનો વિસામો છે ત્યાં જ આઠ મહિનાથી ભણાવવાનું શરૂ કર્યું. હું રોજ બાળકો માટે નાસ્તો પણ લાવું છું. સારું પર્ફોમન્સ કરનાર બાળકોને નોટ-પેન સહિતની ગિફ્ટ પણ આપુ છું. જેથી, તેમના રસ ભણવામાં બન્યો રહે.
- કિરણ જેમ્સમાં કામ કરે છે સાહિલ, વિચાર સ્વામીનારાયણ સંપ્રદાયથી આવ્યો
સાહિલ કિરણ જેમ્સમાં પાર્ટ ટાઈમ કામ કરે છે. બાળકોને ભણાવવા માટે તેણે પાર્ટ ટાઈમ કામ પસંદ કર્યું છે. બપોર બાદ રોજ બાળકોને ભણાવવા પહોંચી જાય છે. કમરે માઈક લટકાવીને સ્પીકરમાં તે બાળકોને ખૂબ જ સરળ અને કાલી-ઘેલી ભાષામાં ભણાવે છેં. તેની આવક આમ તો 20-22 હજાર જ છે પરંતુ તેના ઈરાદા કરોડોના છે. તેને ન્યૂઝનેટવર્કસ-સિટી સમયે પુછ્યું કે, આવા વિચાર આવ્યો ક્યાંથી..? સાહિલ કહે છે કે, સ્વામી નારાયણ સંપ્રદાયમાં હું માનું છું. ત્યાં આવા બાળકો માટે નોટબુક્સ વગેરે આપવાનો વિચાર રજૂ કરાયો. તે ઘડીએ મને વિચાર આવ્યો કે હું કદાચ કોઈ રીતે વર્ષે બે-પાંચ હજારની મદદ કરું પણ ત્યાંથી ગાડી ભરીને સામાન આવા બાળકો માટે નીકડે એના કરતા હું જ જાતે સામાન લઈને આવા બાળકો સુધી પહોંચું અને તેઓને ભણાવું તો કેવું. બસ પિતાએ મને મોબાઈલ લેવા માટે જે રૂપિયા આપ્યા હતા તેમાંથી આવા બાળકોને ભણાવવા માટેનું નક્કી કર્યું અને બહુ શોધ બાદ મને વાય જંક્શન પર વિસામો લેતા મજૂર પરિવારો મળ્યાં. મેં તેમના બાળકોને ભણાવવા માટે મનાવ્યા અને છેલ્લા આઠ મહિનાથી આ શિક્ષણદાન કરી રહ્યો છું.
આગળ શું ઈચ્છા છે? તે મતલબના સવાલનો જવાબ આપતા તે કહે છે કે, આ બાળકોમાંથી કોઈ બાળક સારું કરે તો તેને સંપૂર્ણ ભણાવવા મોકલવાની ઈચ્છા છે પરંતુ વાલી માને તે પણ જરૂરી છે. મને ઘણાં લોકોએ તેમના ટ્રસ્ટ માટે કામ કરવા આવવાનું કહ્યું છે પણ હું કોઈના માટે કામ કરવા નથી માંગતો. હું જાતે જ આ અભિયાન ચલાવવા માંગુ છું અને તે માટે મને મદદની જરૂર છે. એક ટ્રસ્ટે વિઝિટ કરીને મદદની ઈચ્છા વ્યક્ત કરી છે.
ખરેખર, સાહિલ સ્ટ્રીટ ચિલ્ડ્રનનું ભવિષ્ય સુધારવા જે શિક્ષણદાન આપી રહ્યો છે તે સરાહનીય છે. આવી ફૂટપાટ શાળાઓ આમ તો શહેરમાં બે-ચાર ચાલી રહી છે પણ તેમાં સમસ્યા એ આવે છે કે, મજૂરો સ્થળ બદલતા રહેતા હોય છે.