‘લોહી’ સેવા કરવી હોય તો આમને ઘરઆંગણે બોલાવી શકો

  • સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 3491)

આમ તો આપણે રક્તદાન ને મહાદાન તરીકે લેખાવીએ છીએ. ઘણાં રક્તદાતાઓ નિયમિત રક્તદાન કરીને અનેક જીવન દીપાવી રહ્યાં છે પરંતુ વધતી જરૂરિયાતોને જોતા હજી જાગૃત્તિ લાવવી જરૂરી છે. સુરતના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે તેમના કાર્યકાળ દરમિયાન એક ઉમદા માનવીય પ્રયાસ કર્યો અને દરેક પોલીસ મથકોમાં રક્તદાનની ઝૂંબેશ ચલાવી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે લોહીની પડતી અછતને દૂર કરવાની નેમ લીધી. જોકે, આવી નેમ દરેક ગલી-મહોલ્લે લેવાય તો સુરતમાં ઈમરજન્સી વેળા કોઈને પણ રક્તની કમી ન પડે. આમ તો વિતેલા 48 વર્ષથી સુરત રક્તદાન કેન્દ્ર અને રિચર્સ સેન્ટર વિવિધ સમાજો સાથેના કેમ્પ થકી આ કમી ન પડે તે માટે પ્રયાસરત છે પરંતુ હવે તે કેમ્પની જગ્યાએ ગલી-ગલીએ, મહોલ્લે-મહોલ્લે, ઓફિસે-ઓફિસે જઈને પણ બ્લડ ડોનેશન કેમ્પ કરવા તૈયાર છે અને તે માટે તેણે એક વાન પણ વસાવી છે. ભલે આ જગ્યાઓ પર બે-પાંચ જણાં જ બ્લડ ડોનેશન કરવા કેમ ન માંગતા હોય તે સેવા પૂરી પાડવા તૈયાર છે. તેમની આ તત્પરતા કાબિલે તારીફ છે પણ તેના પરથી એ જણાય છે કે, લોહીની જરૂરિયાત કેટલી બધી ઊભી થઈ છે! સુરતીઓએ તે માટે હવે વધુ જાગૃત્ત થવાની જરૂરિયાત છે. ખાસ કરીને મહિલાઓ પણ જાગૃત થાય તે સમયની માંગ છે. આંકડા જોઈએ તો દેશમાં રક્તની જરૂરિયાતો 94 ટકા પુરુષો પુરી પાડે છે. માત્ર 6 ટકા જ મહિલાઓ રક્તદાન કરે છે. સુરતમાં તો આ ટકાવારી પાંચ ટકાની જ છે.

ઘણઆંગણેથી બ્લડ ડોનેશન લેવા અને પહોંચાડવા કઈ સુવિધા ઊભી કરાય?

સુરત રક્તદાન કેન્દ્રના એડમિન પરિમલ વ્યાસે ‘ન્યૂઝનેટવર્કસ-સિટી સમય’ને જણાવ્યું કે, અમારા ટ્રસ્ટીમંડળે નક્કી કર્યું કે, હવે ઘરે-ઓફિસે, મહોલ્લે જ્યાં ઈચ્છુક રક્તદાતા હોય ત્યાં અમે રક્ત એકત્ર કરીશું, તો જ વિકસતા સુરતમાં વધતી બિમારી સામે રક્તની જરૂરિયાતોને પુરી કરી શકીશું. તે માટે અમને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષએ એક એસી વાન ગિફ્ટ આપી. જેમાં એક સમયે બે જણાં સુઈને રક્તદાન આપી શકે તેવી વ્યવસ્થા છે. ઈનબિલ્ડ તમામ સગવડો, ટેક્નિશિયનો વગેરે તેમાં હાજર રહે છે. બેથી ચાર કલાક ઉપરાંત પર આ વાન ઉભી રહીને રક્ત કલેક્ટ કરી શકે છે.

કોઈ પેશન્ટ એડમિટ હોય તે સમયે અગર હોસ્પિટલમાં લોહી જોઈએ ત્યારે ફ્રી બ્લડ ટ્રાન્સપોર્ટની એક સેવા રાઉન્ડ ધી ક્લોક ઊભી કરવામાં આવી છે. જેમાં ટેક્નિશિયન દર્દીના લોહીનું સેમ્પલ મેળવીને તેના અનુરૂપ બ્લડ બેંકમાંથી લઈ હોસ્પિટલ સુધી પહોંચડવાની સુવિધા ઉપલબ્ધ કરાવાય રહી છે.

અન્ય બ્લડ બેંકથી અલગ કેવી રીતે, સેઈફ બ્લડનો કોન્સેપ્ટ

  ગર્વમેન્ટ પાંચ ટેસ્ટ એચઆઈવી, કમળો, મેલેરિયા, હેપેટાઈટ-બી આ જ ટેસ્ટ કરી પેશન્ટને બ્લડ આપી શકાય તેવી ગાઈડલાઈન છે પરંતુ સુરત રક્તદાન કેન્દ્ર નેટ ટેસ્ટ કરીને લોહી પુરું પાડે છે. પરિમલ વ્યાસ કહે છે કે, અમે એક-બે ટકા પણ ચાન્સ પણ લેવા નથી માંગતા, યુએસની જેમ સિસ્ટમ વિકસાવાય છે. ઓનડિમાન્ડ કેટલીક બેંકો નેટ ટેસ્ટ કરે છે પણ અમે તો કમ્પલસરી નેટ ટેસ્ટ કરીને ગરીબ હોય કે પૈસાદાર દરેકને અણીશુદ્ધ લોહી જ પુરું પાડીએ છીએ. ઉપરાંત કેન્દ્ર સરકાર માન્ય પ્રાપ્ત વિકિરણ ઉપરકરણ ધરાવે છે. જે રોગપ્રતિકારણ શક્તિની ઉણપ ધરાવનાર વ્યક્તિઓ માટે લાભકારક છે.

ભાભા એટોમેટિક સેન્ટરનો ઈ-રેડિયેટેડ બ્લડ આપીએ છીએ. જે કેન્સર, નિયોનેટલ પેશન્ટમાં ડોક્ટરો માંગે છે. કોર્ડ બ્લડ સ્ટેમ સેલ પ્રિઝરવેશન બેંક પણ છે. સાથોસાથ થેલેસેમિયા તથા સિકલસેલના પરીક્ષણ માટે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.ની માન્યતા છે અને એનએબીએચ એક્રિડીટેશન પણ છે.

વર્ષ 2023 સુધી 13.19 લાખ દર્દીઓને લોહી પહોંચાડાયું

સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના આંકડાનો અભ્યાસ કરીએ તો 48 વર્ષમાં (31 માર્ચ 2023)સુધીમાં 13,19,112 દર્દીઓને લોહી પહોંચાડીને તેમનું જીવન બચાવ્યું છે. જેમાં પણ સિવિલ-સ્મીમેર હોસ્પિટલના દર્દીઓ તેમજ , થેલેસેમિયા, હિમોફેલિયા, સિક્લસેલ જેવા દર્દીઓને વિનામૂલ્યે રક્ત પુરું પાડવામાં આવી રહ્યું છે. સાત લાખ રક્તદાતાઓનું આ બેંકને બ્લડ ડોનેટ કરતા આવ્યા છે અને સુરતની 70 ટકા રક્તની જરૂરિયાત આ બેંક પુરી પાડે છે. કેન્દ્રએ 18 રક્ત સંગ્રહ કેન્દ્રો સાઉથ ગુજરાતમાં સ્થાપ્યા છે. જેના કારણે જ વર્ષ 2008માં ભારતની સર્વશ્રેષ્ઠ રક્તદાન કેન્દ્રનો એવોર્ડ આ સંસ્થાને મળ્યો છે.

ઈતિહાસ: સુરત મનપાએ બિલ્ડિંગ ભેટમાં આપ્યું

સુરત રક્તદાન કેન્દ્રની સ્થાપ્ના આમ તો વર્ષ 1976માં થઈ હતી. ત્યારબાદ 1994માં ગોપીપુરા કેન્દ્ર બન્યું. વર્ષ 2006ના પુર બાદ આ સેન્ટરને ખાસુ નુકશાન સહન કર્યું ત્યારબાદ સુરત મહાનગર પાલિકાએ વર્ષ 2008માં ખટોદરા હેલ્થ સેન્ટર ખાતે 17 હજાર સ્ક્વેર ફૂટના બે માળ ફાળવ્યા અને અહીં તત્કાલિન મુખ્યમંત્રી મોદીના હસ્તે અત્યાધુનિક કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. સુરત રક્તનદાન કેન્દ્રના સ્થાપક ટ્રસ્ટીઓમાં ડો. પ્રદીપ દેસાઈ, ડો. વિનોદ શાહ, ડો. કિરણ શાહ વગેરેનો સમાવેશ થાય છે. હાલ ઈનવાઈટી અને સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓ સહિત 60 જેટલા પ્રતિષ્ઠિત સભ્યો છે.

સુરતમાં આ બ્લડ બેંકો પણ પ્રચલિત ….

  • સુરત હેલ્થકેર ફાઉન્ડેશન બ્લડ બેંક ( લોખાત હોસ્પિટલ, રામપુરા)
  • લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર (વરાછા)
  • નવી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક (મજુરાગેટ)
  • સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેંક (સહારા દરવાજા)
  • ઈન્ડિયન રેડક્રોષ બ્લડ બેંક (અડાજણ)
  • સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડબેંક (રામનગર)

    Leave a Reply

    Translate »