મારા માસા એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરે છે, હોસ્પિટલો કહે છે- જગ્યા નથી, મારે વેન્ટિલેટર ખરીદવું છે

  • કોરોનાગ્રસ્ત પત્ની ગંભીર થતાં હોમ ક્વોરન્ટીનમાં રહેલા પતિ પીપીઇ કિટ પહેરી આઇસીયુમાં રહ્યા
  • પતિની તબિયત લથડતાં તેમને પણ દાખલ કરાયા, બીજા દિવસે પત્નીનું મોત, જ્યારે પતિનો શ્વાસ ટકાવવા વેન્ટિલેટરની જરૂર

દર્દીના સગા હિમાની સોપારીવાલાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા માસા કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાપ્સ હોસ્પિટલમાં માસીને રિપોર્ટ માટે લઇ ગયા. બંનેને તાવ હતો. અસહ્ય વીકનેસ પણ હતી. હોસ્પિટલમાંથી કહ્યું-રિપોર્ટ આવે ત્યાં સુધી માસીને ઘરે લઇ જાઓ. અહીં ના રાખો. અમે માસીને ઘરે લઇ ગયાં. થોડા કલાકોમાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો-તમારા માસી પોઝિટિવ છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવાં પડશે, પણ અમારે ત્યાં જગ્યા નથી. જેટલા ડોક્ટરોનાં નામ જાણતી હતી તમામને ફોન કર્યા; કોઈ હોસ્પિટલમાં જગ્યા મળી નહીં.

હોસ્પિ.માં જગ્યા મળી,પણ ઈશ્વર પરીક્ષા લઇ રહ્યો હતો
બાપ્સમાં બહુ રિક્વેસ્ટ કરી. તેમણે જેમ-તેમ કોઈક રીતે એક બેડની વ્યવસ્થા કરી આપી. અમને થયું હોસ્પિટલમાં જગ્યા મળી એટલે હવે ચિંતા નહીં, પણ ઈશ્વર અમારી પરીક્ષા લઇ રહ્યો હતો. માસીને આઇસીયુમાં ખસેડવા પડ્યાં. 15 લિટરના ઓક્સિજન પરથી તેમને સીધા 100 લિટરના ઓક્સિજન પર શિફ્ટ કરાયાં. ઘરે માસાની તબિયત પણ બગડતી જતી હતી. હોસ્પિટલમાં માસીને ઓક્સિજન પરથી વેન્ટિલેટર પર મૂકવા પડ્યાં. ડોક્ટરોએ કહી દીધું, હવે કંઈ નહીં થાય…! અમે ધ્રૂજી ગયા. માસી લાંબું નહીં જીવે…એવું માસાને કહેતાં-કહેતાં જીભ ગોળ વળી ગઈ.

તસવીર પ્રતિકાત્મક છે

તસવીર પ્રતિકાત્મક છે

મારા માસા જીવન સામેનું યુદ્ધ ખેલી રહ્યા છે
માસાએ જીદ પકડી-તેને છેલ્લીવાર જોઈ લેવા દો. હોસ્પિટલમાંથી મંજૂરી મળી. પીપીઇ સૂટ પહેરીને માસા માસીને મળવા ગયા. વેન્ટિલેટર પર સૂતેલાં માસીના માથે હાથ ફેરવ્યો અને એ ફસડાયા. ઇશ્વર થોડો વધુ ક્રૂર થયો. હોસ્પિટલમાંથી એક જ જવાબ મળ્યો-જગ્યા નથી. ફરી એ જ કવાયત, ઢગલાબંધ ફોન… માંડ-માંડ ભટ્ટ હોસ્પિટલમાં જગ્યા મળી. ગુરુવારે રાત્રે માસાને ત્યાં ખસેડ્યા. શુક્રવારે બપોરે મારી માસીએ વેન્ટિલેટરના સપોર્ટને નકારી દીધો. એ ગુજરી ગયાં. માસા જીવન સામેનું યુદ્ધ ખેલી રહ્યા છે.

તસવીર પ્રતિકાત્મક છે

તસવીર પ્રતિકાત્મક છે

બધી ઓળખાણો લગાડી પણ ક્યાંય વેન્ટિલેટર મળતું નથી
​​​​​​​તેમને ખબર નથી કે-તેમની પત્નીએ આંખોને કાયમી બંધ કરી દીધી છે. હવે તેમના શ્વાસ પણ ખૂટી રહ્યા છે. તેમને માટે વેન્ટિલેટર જોઈએ છે. ક્યાંય વેન્ટિલેટર મળતું નથી. બધી ઓળખાણો લગાડી દીધી છે. માગો એટલી કિંમતે હું વેન્ટિલેટર ખરીદવા પણ તૈયાર છું. માસા-માસીનો એક જ દીકરો છે. મમ્મી ગુજરી ગઇ છે અને પપ્પા બચશે કે કેમ એવા સવાલો વચ્ચે એ અરીસા સામે ઊભો રહી પોતાના માસ્કવાળા ચહેરાને તાકતો રહે છે. મારી અપીલ છે કે – મારો પરિવાર વિખેરાયો, પણ તમારા પરિવારને વિખેરાવા ન દો.

Leave a Reply

Translate »