જરૂરિયાતમંદો માટે દાનની સરવાણી વહાવતા સેવાભાવી દાતા ફારૂક પટેલ

સુરત:શનિવાર: (સ્ત્રોત-માહિતી વિભાગ, સુરત, ગુજરાત)

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામના વિખ્યાત હનુમાનજી મંદિર સામે વિશ્વના સૌપ્રથમ દિવ્યાંગ વૃદ્ધજનો માટે વૃદ્ધાશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે. જેનું ખાતમુહર્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. આ દિવ્યાંગ વૃદ્ધાશ્રમમાં અતિ દયનીય હાલતમાં અને જાહેર સ્થળોએ પડી રહીને દુ:ખી થતા દિવ્યાંગ વૃદ્ધોને રાખીને તેમને શ્રેષ્ઠ સારવાર અને સુશ્રુષા તેમજ રહેણાંક અને યોગ્ય આહારની સુવિધા પૂરી પડવાની નેમ સાથે અદ્યતન સુવિદ્યાયુક્ત એવા રિસોર્ટ જેવા “પ્રભુનું ઘર”ના નામે દિવ્યાંગ વૃદ્ધાશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં કે.પી.હ્યુમન ડેવલમેન્ટ ટ્રસ્ટ-સુરતના સેવાભાવી દાતા ફારૂક પટેલે પૂરો સહયોગ આપવાના સંકલ્પ જાહેર કરતા રૂ.૨૧ લાખનું પ્રારંભિક દાન પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ-સુરતના પ્રમુખશ્રી કનુભાઈ ટેલરને અર્પણ કરવામાં આવ્યું હતું. અહીં ૨૦૦ જેટલા દિવ્યાંગ વૃદ્ધો રહી શકશે.

સેવાભાવી દાતા ફારૂક પટેલ દ્વારા જરૂરિયાતમંદો માટે દાનની સરવાણી અવિરત રહે છે
જેલમાં સરકારની નિયત સુવિધા ઉપરાંત સેવાભાવી દાતા ફારૂક પટેલે સુરતની લાજપોર જેલમાં વિશ્વના પ્રથમ અદ્યતન સંસાધનોથી સજ્જ કસરત માટેના જીમ નિર્માણ કર્યું છે. આ જીમનો કેદીભાઈઓ મોટી સંખ્યામાં ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત લાજપોર જેલમાં પ્રસંગોપાત વિવિધ તહેવારોમાં દાતાશ્રી તરફથી સહયોગ પ્રાપ્ત થાય છે. લાજપોર જેલમાં વૃદ્ધ કેદીઓ માટે ખાસ બાથરૂમ બનાવાયા છે. તેમને ઠંડીમાં ગરમ પાણી મળી રહે તેવી પણ વ્યવસ્થા છે. લોટ બાંધવાનું મશીન અને રોટલી બનાવવાના પાંચ મશીન પણ ભેટ કર્યા છે. ખાસ કરીને દંડની રકમ ભરપાઈ ન કરી શકતા અને જેલમાં જતા કેદીઓને તેમનો દંડ ભરી મુક્ત કરાવવા અને જેલનું ભારણ ઓછું કરવામાં પણ સહયોગ આપે છે. જેલમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, સુંદર પુસ્તકાલય માટે પણ કે.પી.હ્યુમન ડેલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા કાળજી લેવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની શાળા ક્રમાંક ૧૦૫ અને ૧૪૯ એમ બે શાળાઓને તેમના વિકાસ માટે દત્તક લઈ ગરીબ, અનાથ વિદ્યાર્થીઓની ફી ભરવા સાથે ભાવનગર, પોરબંદર, માતલપોર જેવા વિસ્તારોની કુલ ૧૬ જેટલી શાળાઓની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. ગરીબ પરિવારોના અને આઈએએસ અને આઈપીએસ બનવા ઈચ્છતા તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માંગતા ગરીબ, મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે તેઓ સહાય પુરી પાડે છે. ૭૦ જેટલા ટેબલેટની પણ સુવિધા પૂરી પાડી કોરોનાકાળમાં ઓનલાઈન અભ્યાસ શરૂ રખાવ્યો હતો. ફારૂકભાઈએ સુરત ઈસ્લામ યતિમખાનામાં રૂ.૪૭ લાખના ખર્ચે નિર્મિત હાઈટેક લાઈબ્રેરીનો લાભ બહોળો સમુદાય લઈ રહ્યો છે.
સુરત વનવિભાગ અને કે.પી.હ્યુમન ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને નાગરિકોના સહયોગથી દરિયાકિનારાના ગામોનું જમીન ધોવાણ અટકાવવા માટે ૧૦ હેકટરમાં મેંગ્રુવ્ઝ વૃક્ષોનું વાવેતર શરૂ કર્યું છે. પોરબંદર-કચ્છ-ભાવનગરના દરિયાકાંઠે આવા કાર્ય માટે મેંગ્રુવ્ઝ સોસાયટી ઓફ ઈન્ડિયા-ગોવા દ્વારા એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ઉપરાંત બીજા ૧ લાખ વૃક્ષોનું વાવેતર જે પૈકી ૭૮ હજાર જેટલા વૃક્ષોનું જતન થઈ રહ્યુ છે. તેઓ સિનીયર સિટીઝન્સ- વડીલો અને દિવ્યાંગોને વખતો-વખત પવિત્ર ધાર્મિક સ્થળો એવા હરિદ્વાર અને મક્કાની યાત્રા પણ કરાવે છે.

Leave a Reply

Translate »