• Mon. Jun 27th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

હેલ્થ ઇન્ડસ્ટ્રીઝ દેવાદાર: આત્મ નિર્ભર યુવાઓ પરમાત્માનિર્ભર, સરકાર રાહત પેકેજ આપે નહીંતર જીમ ઉદ્યોગ બેઠો નહિ થાય

  • રાજા શેખ, સુરત

કોરોનાકાળ દરમિયાન લોકોને આરોગ્યપ્રદ બનાવતી હેલ્થ ઈન્ડસ્ટ્રીઝ આજકાલ આર્થિકતાની દ્રષ્ટિએ બિનઆરોગ્યપ્રદ બની ગઈ છે. સુરતના 500 સહિત રાજ્યના 7000 જેટલા જીમના સંચાલકો અને તેની સાથે સંકળાયેલો સ્ટાફ તેમજ સહયોગી બિઝનેસ લગભગ પાયમાલ થઈ ગયો છે. ઘણાં જીમ સંચાલકો દેવામાં ડૂબી ગયા છે. બેંકોમાં લીધેલી લોન નોન પર્ફોમ એસેટ (એનપીએ) થઈ ગઈ છે. માલિકો ડિફોલ્ટરની યાદીમાં આવી ગયા છે. વિતેલા 15 મહિનાથી બંધ આ ઈન્ડસ્ટ્રીઝના 90 ટકા જીમ ભાડાની જગ્યા પર ચાલતા હોવાથી લાખો રૂપિયા ભાડું ચઢી ગયું છે અને તે માટે બિલ્ડરો અથવા મકાનમાલિકો સાથે તકરારના કેસો વધ્યા છે. આ હેલ્થ ઈન્ડસ્ટ્રીઝ 18થી 45 વર્ષના યુવાઓ દ્વારા ચલાવાતી હોવાથી તેઓ બેકારીના ખપ્પરમાં ખપતા જઈ રહ્યાં છે. સરકારી સ્લોગન એવા ‘આત્મનિર્ભર’ બનવા સાહસ કરનારા આ યુવાઓ હવે ‘પરમાત્માનિર્ભર’ જ હોવાનો અહેસાસ કરી રહ્યાં છે. એવા જીમ ઓનર્સ એસોસિયેશન ઓફ ગુજરાતે રાજ્ય સરકારને અપીલ કરી છે કે, અન્ય ઈન્ડસ્ટ્રીઝને જે રીતે કોઈને કોઈ આર્થિક મદદ કરવામાં આવી રહી છે ત્યારે હેલ્થ ઈન્ડસ્ટ્રીઝને પણ આર્થિકતાના બુસ્ટર ડોઝ આપવામાં આવે તો જ તે ‘સ્વસ્થ’ રહી શકશે.

જીમ ઓનર્સ એસોસિયેશન ઓફ ગુજરાતના વાઈસ પ્રેસિડન્ટ વાસુ મુકાતીવાળાએ અમારી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જે ઈન્ડસ્ટ્રીઝ લોકોને સ્વસ્થ બનાવે છે તેને જ બંધ રાખવી યોગ્ય નથી. સુરતમાં 500 સ્કવેર ફૂટથી 20 હજાર સ્કવેર ફૂટમાં ચાલતા 500 ઉપરાંત જીમ છે અને તેમાંથી 90 ટકા ભાડા પર ચાલી રહી છે. મોટાભાગે યુવાઓએ આ ઈન્ડસ્ટ્રીઝમાં ફાઈનાન્સ લઈને રોકાણ કર્યું છે. ત્યારે 15 મહિનાથી જીમ બંધ હોવાથી જગ્યાનું ભાડું, લોનના હપ્તા અને પરિવારનો જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. જીમ સાથે જોડાયેલી સ્પોર્ટસ, સપ્લીમેન્ટસ, ડાયટ, ફિટનેસ ઈન્ડસ્ટ્રીઝ, ટ્રેનિંગ સેન્ટરો તેમજ ટ્રેઈનરો, હાઉસકીપિંગ સ્ટાફ સહિતના પરિવારોનો પણ રોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. આખા રાજ્યમાં તેની સાથે સંકળાયેલા અઢી લાખ લોકો (પરિવાર સહિત) પર અસર પડી છે. અમે આ પહેલા મનપા કમિશનર, મેયર, ભાજપ પ્રદેશ અધ્યક્ષને લેખિત રજૂઆત કરી ચુક્યા છે. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપીલ કરીએ છીએ કે, એક દિવસ પહેલા જે રીતે હોટલ-રિસોર્ટ-રેસ્ટોરન્ટ માટે આર્થિક લાભની જાહેરાત કરી તે રીતે જીમ ઈન્ડસ્ટ્રીઝ માટે પણ આર્થિક બુસ્ટર ડોઝ આપો તો જ અમે આગળ આ ઈન્ડસ્ટ્રીઝને ખોલીને ચલવી શકીશું. બાકી માત્ર ખુલ્લુ મુકવાની પરવાનગીથી પણ અમે તેને આર્થિક રીતે સંભાળી શકીએ તેવી સ્થિતિમાં નથી. સુરતના ધારાસભ્ય વિનુ મોરડીયાએ મુખ્યમંત્રીને જીમ ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા જ રજૂઆત કરી છે તેમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.  

થોડા સમય પહેલા બાવડેબાજોએ મનપા કચેરી ખાતે કસરત કરી માંગ કરી હતી

ઉલ્લેખનીય છે કે, અનેક મોરચે રજૂઆતો કરવા છતા જીમ ખોલવાની પરવાનગી ન આપવામાં આવતા આર્થિક રીતે પાયમાલી તરફ ધકેલાયા સંચાલકો તેમજ ટ્રેનરોએ થોડા સમય પહેલા સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતે ખુલ્લા શરીરે પહોંચી ત્યાં સાધનોના માધ્યમથી કસરત કરીને જીમ ખોલવા દેવાની માંગ કરી હતી. વાસુ મુકાતીવાળાનું કહેવું છે કે, જો અનહેલ્ધી કહેવાતા બહારના ફૂડ ખાવાપીવાની લારીઓ, ફૂડ ઈન્ડસ્ટ્રીઝ ખોલવાની પરવાનગી સૌથી પહેલા આપી દેવાતી હોય તો લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારતી અને લોકોને સ્વસ્થ રાખવામાં મહત્વનો ફાળો ધરાવતી હેલ્થ ઈન્ડસ્ટ્રીઝને પરવાનગી કયા કારણોસર નથી અપાતી એ આશ્ચર્ય છે. હવે સલૂન, બસીસ, ટ્રેનો વગેરે પણ શરૂ થઈ ગયા છે ત્યારે રાહત પેકેજ આપી અમને પણ કાયમી શરૂ કરવા પરવાનગી આપવામાં આવે. અમે કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા તૈયાર છીએ.

હાલમાં જ જીમ પર પોલીસે દરોડા પાડ્યા હતા

સુરત પોલીસે હાલમાં જ ખટોદરા અને કતારગામ વિસ્તારમાં ચોરીછુપીથી ચાલતા બે જીમ પર છાપો મારીને તેના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે અને ત્યાં કસરત કરનારા યુવાઓને દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુવાધન પોતાના સ્વાસ્થય પ્રત્યે ખૂબ જ સભાન છે અને તેઓ એક પણ દિવસ કસરત કર્યા વિના ચલવી શકતા નથી. ઘણાં સ્વાસ્થય જાળવવા માટે રોજ આઉટડોર એક્સરસાઈઝ કરે છે, સાઈકલિંગ કરે છે ત્યારે જીમ અધિકૃત રીતે ખોલવાની પરવાનગી આપવામાં આવે તે ખુબ જ જરૂરી છે. થોડા સમય પહેલા જ મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે પણ જીમ ખોલવાનો મુદ્દો ઉપાડ્યો હતો. તેઓએ પણ જીમ બંધ રાખવાના નિર્ણયને મુર્ખામીભર્યુ ગણાવ્યું હતું.

રાજ્ય સરકારે પ્રોપર્ટી ટેક્સ અને વીજબિલમાં રાહત જાહેર કરી પરંતુ તે હેલ્થ ઈન્ડસ્ટ્રીઝને ઊભી કરવા માટે અપુરતી

સિનેમાગૃહ, મલ્ટિપ્લેક્સ અને જીમ માલિકોને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમંથી સરકારે આપવાની 8 જૂનના રોજ જાહેરાત કરી છે. 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધી મુક્તિ આપવામાં આવી છે. વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ આપતા કહ્યું છે કે, જેટલો વપરાશ થયો હશે એટલી જ વસૂલાત થશે. જોકે, આ મામલે જીમ ઓનર્સ એસોસિયેશન ઓફ ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ વાસુ મુકાતિવાળા કહે છે કે, સરકારે પ્રોપર્ટી ટેકસ અને વીજ બિલમાં રાહત આપી એ ઠીક છે પણ જીમ સંચાલકો નું મોટું ભારણ બેંક લોનના ચઢી ગયેલા લાખોના હપ્તા, કર્મચારીઓનો પગાર અને જીમ ની જગ્યા નું ભાડું છે. સરકાર આ મામલે પણ ગંભીર વિચારણા કરીને રાહત પેકેજ આપે તે ખૂબ જ જરૂરી છે. તોજ જીમ આર્થિક તંગી માંથી બહાર નીકળી ને ફરીથી શરૂ થઈ શકશે

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published.

Translate »