યુનિવર્સ બોસ રમ્યો એ પાંચેય મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં ટોપ-4માં પહોંચી કિંગ્સ ઇલેવન પંજાબ

ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત કિંગ્સ ઇલેવન પંજાબ માટે બહુ ખરાબ રહી હતી. લોકેશ રાહુલની આગેવાનીમાં ટીમે એકથી વધુ વખત જીતેલી બાજી ગુમાવી હતી. પછી તે રાજસ્થાન સામે શારજાહવાળી મેચ હોય, જ્યાં રાહુલ ટેવટિયાએ છગ્ગાઓનો વરસાદ કર્યો હતો કે પછી લીગ રાઉન્ડમાં કોલકાતા સામેની પહેલી મેચ હોય, જ્યાં ટીમ અંતિમ 4 ઓવરમાં 7.5ની અંદરની રનરેટે રનચેઝ કરી શકી નહોતી. આવામાં લાગી રહ્યું હતું કે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બનશે. જોકે યુનિવર્સ બોસના આગમને પંજાબની ગેમ બદલી નાખી છે. ગેલ રમ્યો એ પાંચેય મેચ પંજાબ જીત્યું અને પોઇન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને પહોંચ્યું.

ગેલે 25 બોલમાં ફિફટી મારીને કોલકાતાને મેચની બહાર કર્યું

  • સોમવારે કોલકાતા સામે શારજાહ ખાતે 150 રન ચેઝ કરતાં પંજાબે 8 ઓવરમાં કપ્તાન લોકેશ રાહુલની વિકેટ ગુમાવી 47 રન કર્યા હતા, એટલે કે ટીમ બોલે બોલે રન પણ નહોતી કરી રહી.
  • ત્યારે ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા ગેલે તોફાની ઇનિંગ્સ રમતાં 29 બોલમાં 2 ફોર અને 5 સિક્સની મદદથી 51 રન કર્યા. તેણે 25 બોલમાં જ લીગમાં પોતાની 30મી ફિફટી પૂરી કરી હતી.
  • તેને જોઈને સામે છેડે મંદીપ સિંહ પણ ફોર્મમાં આવી ગયો અને પંજાબ 7 બોલ બાકી રાખીને સરળતાથી મેચ જીત્યું.

ઓપનર ગેલ  વખતે ત્રીજા ક્રમે ધમાલ મચાવી રહ્યો છે, પણ કેમ?

  • પંજાબ ગેલ પાસે ઓપનિંગ નથી કરાવી રહ્યું એનાં બે કારણ છે. ગેલને રમાડ્યો એ પહેલાં લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની જોડી સફળ રહી. બંને ટૂર્નામેન્ટના ટોપ-5 રન સ્કોરરમાં છે, તેથી જે ચાલે છે એને રોકવું ખોટું કહેવાય.
  • એ ઉપરાંત ગેલ હવે સીધો સ્પિનર્સ સામે બેટિંગ કરવા આવે છે. સ્પિનર્સ અથવા સ્લો-બોલર્સ સામે રમતી વખતે તેની પાસે એટલો સમય રહે છે કે તે બોલર બોલ રિલીઝ કરે અને તે પછી તેના સુધી પહોંચે ત્યાં સુધીમાં બ્રેકફાસ્ટ કરી શકે છે.
  • તેણે ચાલુ સીઝનમાં સ્પિનર્સ સામે 164.58ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે, જ્યારે ફાસ્ટ બોલર્સ સામે 125 કરતાં ઓછાની સ્ટ્રાઈક રેટથી રન માર્યા છે. તેણે સુનીલ નારાયણની 1 ઓવરમાં 17 રન પણ ફટકાર્યા.
  • ટૂંકામાં કહી શકાય કે 41 વર્ષીય ગેલને ત્રીજા ક્રમે બેટિંગ અને પંજાબને તેનું આગમન ફળ્યું છે. ગેલે ચાલુ સીઝનમાં બે ફિફટીની મદદથી 5 મેચમાં 177 રન કર્યા છે. (સ્ટ્રાઈક રેટ સરખામણીના આંકડા ક્રિકઇન્ફો પરથી લેવામાં આવ્યા છે.)

ગેલમાં રન કરવાની આવી ભૂખ છેલ્લાં 7-8 વર્ષમાં નથી જોઈ

  • મેચ પછી રાહુલે કહ્યું હતું કે પ્રથમ હાફમાં ગેલને ન રમાડવાનો નિર્ણય અઘરો હતો. તે નેટ્સમાં સતત સારી બેટિંગ કરી રહ્યો હતો. મેં તેનામાં રન કરવાની આવી ભૂખ છેલ્લાં 7-8 વર્ષમાં નથી જોઈ. તે હવે ઉત્સાહથી 1-2 રન પણ દોડે છે, તો એ પણ રિફ્રેશિંગ વસ્તુ છે.
  • ડ્રેસિંગ રૂમમાં તેની હાજરીથી જ બધા પોઝિટિવ થઈ જાય છે. દર બીજી ગેમે, દર બીજા વર્ષે સતત સારો દેખાવ કરવો બહુ મોટી વાત છે. ગેલ અમને પ્રેરણા આપે છે. અમે આ જ કોન્ફિડન્સ અને લય સાથે આગામી મેચો રમવા માગીશું.

Leave a Reply

Translate »