અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીમાં ધમાકા સાથે ભીષણ આગ, 9નાં મોત,વડાપ્રધાને દુખ વ્યક્ત કર્યું

અમદાવાદના પીરાણા પાસે ગણેશનગરમાં આવેલા કેમિકલ ફેક્ટરી અને કાપડ ગોડાઉનમાં  એક ધમાકા સાથે આગ લાગવાની ઘટના બની છે. કાપડ ગોડાઉનમાં ભીષણ આગની ઘટનામાં 9ના મોત નિપજ્યા છે. આગમાંથી 5 લોકોને બહાર કઢાયા છે, જ્યારે 3 લોકોને રેસ્કયુ કરાયું છે. 6 લોકોની હોસ્પિટલમાં તબિયત ખુબ જ નાજુક છે. હજુ પણ કેટલાંક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. બોઈલરમાં કેમિકલને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ધમાકો એટલો ભયાનક હતો કે અન્ય ચારેક ગોડાઉનની પણ છતના ફૂરચા ઉડી ગયા હતા.  માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 24થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે.

અમદાવાદમાં પીરાણા પાસે ગણેશનગરમાં આવેલા કેમિકલ ફેકટ્રી અને કાપડના ગોડાઉનમાં લાગેલી આગથી 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પીરાણા પાસે નાનુકાકા એસ્ટેટમાં ગોડાઉનમાં આગ લાગી છે. આ ઘટનામાં એક બ્લાસ્ટ થતા ફેક્ટરીની છત ધરાશાયી થઈ છે. તો કાપડ ગોડાઉનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે 24થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે. બ્લાસ્ટને કારણે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી.

ફેક્ટરી માલિક પાસે એનઓસી નથી, એફએસએલ પર તપાસમાં જોડાયુ

અમદાવાદ આગકાંડમાં હવે જીપીસીબી અને એફએસએલ પણ તપાસમાં જોડાયું છે. FSLની ટીમ દ્વારા નમૂના લેવામાં આવ્યા છે. અને કયા કેમિકલને કારણે બોઈલરમાં બ્લાસ્ટ થયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રમ અને રોજગાર મંત્રાલયના અધિકારીઓ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.  ફાયર વિભાગનું કહેવું છેકે, ગોડાઉન માલિક પાસે ફેકટરીમાં કામગીરીનું એનઓસી નથી. આગને કારણે પાસપાસના પાંચ 5 ગોડાઉનને અસર થઈ છે. હાલ ઈજાગ્રસ્તો એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વડાપ્રધાને દુખ વ્યક્ત કર્યું

PM નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં લાગેલી આગ મામલે દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટ કરી હતી. જેમાં તેઓએ લખ્યું કે, અમદાવાદમાં ગોડાઉનમાં લાગેલી આગને કારણે લોકોનાં જીવ જતાં દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારોને સંવેદના. ઇજાગ્રસ્તો સાથે પ્રાર્થના. ઓથોરિટી અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.વડા પ્રધાન મોદીના ટ્વીટ બાદ ગૃહમંત્રી અમિત શાહ અને CM રૂપાણીએ પણ ટ્વીટ કરીને અમદાવાદ આગકાંડ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

Leave a Reply

Translate »