શું જીઆરપી નિષ્ક્રિય? દારૂની હેરાફેરી રોકવા હવે રેલવે પ્રોટેક્શન ફોર્સ સક્રીય બની

વેસ્ટર્ન રેલવેના  રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ટ્રેનો અને રેલવે પરિસરમાં દારૂની હેરાફેરી કરનારાઓની પ્રવૃત્તિઓને રોકવા માટે વિશેષ કામગીરી શરૂ કરી છે. આમ તો આ કામ જીઆરપીનું છે પણ તેમાં હવે આરપીએફ પણ જોતરાતા કહીં શકાય કે હાલ મર્યાદિત ટ્રેનોમાં દારૂની હેરાફેરી પર અંકુશ લગાવવાના પ્રયાસો શરૂ થયા છે. આમ તો આ બદી ‘ઉધઈ’ની જેમ રેલવેમાં પ્રસરી ચુકી છે ત્યારે તેઓનું આ અભિયાન કેટલું કારગર નીવડે છે તે જોવું રહ્યું. બીજી તરફ, આરપીએફની દારૂની હેરાફેરી મામલે સક્રિયતાથી જીઆરપીની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યાં છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી(CPRO) સુમિત ઠાકુર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટ્રેનોમાં અને રેલવે વિસ્તારોમાં અન્ય જગ્યાએ દારૂની હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગેના અહેવાલો લગાતાર આવતા રહે છે. જેથી દારૂના કેરિયરો અને બુટલેગરોને પકડવા અને તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પ્રિન્સીપલ ચીફ સિક્યુરિટી કમિશનરની સૂચનાથી પશ્ચિમ રેલવેની રેલવે  પ્રોટેક્શન ફોર્સ (રેલવે સુરક્ષા દળ) દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 2020 માં, 24 કેસો કરીને 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી રૂ .2 .41 લાખની કિંમતનું 3857.37 લિટર દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે ટ્રેનોમાં થતી દારૂની હેરાફેરી અને રેલવે પ્રિમાઈસીસમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર છાપામારી કરવા માટે આરપીએફએ તમામ છ  ડિવિઝનમાં  વિશેષ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવાનો કોલ લીધો છે. સાથે ટ્રેનોમાં દારૂની હેરાફેરી કરનારો સામે પણ એક ટીમ વિશેષરૂપે દેખરેખ રાખી તેઓને પકડી રહી છે.


ઉલ્લેખનીય છે કે, આરપીએફના નવા ચીફ સિક્યુરિટી કમિશનર આ મામલે ઘણાં સ્ટ્રીક હોવાનું કહેવાય છે અને તેઓએ આ અભિયાન શરૂ કરાવ્યું છે ત્યારે ઘણાંને ન ગમ્યું હોય તેવું બની શકે. આરપીએફ આવા કેસો કરીને જે તે જીઆરપી પોલીસ સ્ટેશનમાં સોંપી રહી છે. આ પહેલા પણ આવા કેસો કરાતા હતા પરંતુ આરોપો થતા રહેતા હતા કે આરપીએફ કેટલોક માલ સગેવગે કરી રહી છે અથવા તો જીઆરપી સાથે મળીને તેઓ પણ ‘હપ્તા’ના રંગમાં રંગાય રહી છે. હવે જોવું એ રહે કે હાલ કોવિડકાળમાં દોડી રહેલી મર્યાદિત ટ્રેનોમાં તો આ અભિયાન ચલાવાય રહ્યું છે પરંતુ જ્યારે તમામ ટ્રેનો નિયમિત શરૂ થઈ જશે ત્યારે તેની અસરકારકતા કેટલી રહે છે તે જોવું રહ્યું..

Leave a Reply

Translate »