ગુજરાતમાં કોરોના કેસ 1340 પર પહોંચ્યા, અમદાવાદમાં રાત્રિ કરફ્યુ, સુરતમાં શું?

દિવાળીના તહેવારોની રંગેચંગે ઉજવણી કરનારા ગુજરાતીઓમાં કોરોના કેસ વધ્યા છે.  છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં નવા 1340 કેસો નોંધાયા છે, જ્યારે 7 દર્દીઓનાં મોત નિપજ્યા છે અને 1113 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આમ રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક 1,92,928 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં કેસ વધતા રાત્રિ કરફ્યુ લગાવાવનો નિર્ણય લેવાયો છે. જ્યારે સુરતમાં મનપાનું આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે અને માસ્ક પહેરવાની અપીલ સાથે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં 23 નવેમ્બરથી સ્કૂલો ચાલુ કરવાની કવાયત તેજ કરવા વચ્ચે વધતા કેસોએ વાલીઓની ચિંતા વધારી છે. સુરત મનપાએ સ્કૂલ સંચાલકો સાથે બેઠક યોજી હતી. બીજી તરફ, સુરત મનપાએ આ‌વતીકાલે છઠ્ઠ પૂજામાં તાપી ઓવારે ન ભેગા થવા અપીલ કરી છે અને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. મનપા કમિશનર બીએસ પાની અને મેયર ડો. જગદીશ પટેલે ઘરમાં જ છઠ્ઠ પૂજા કરવા અપીલ કરી છે.

ક્યાં કેટલા મોત, કેટલા ગંભીર

આજે 19 નવેમ્બરના રોજ રાજ્યમાં કુલ સાત દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેમાંથી અમદાવાદ શહેરમાં 3, સુરત શહેરમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરા સિટીમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,677 પર પહોંચી છે, જેમાં 87 દર્દીઓની હાલત ગંભીર છે અને 12,590 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ 3830 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને રાજ્યમાં કુલ 1,76,475 દર્દીઓ સાજા થયા છે. આમ રાજયનો સાજા થવાનો દર 91.45 ટકા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા?

આજે નોંધાયેલ કેસોની વિગત જોઈએ તો, વડોદરામાં 149, અમદાવાદમાં 246, રાજકોટમાં 137, જામનગરમાં 38, દાહોદ અને ખેડામાં કોરોનાના 28-28, મહિસાગરમાં 24 નવા કેસ, મોરબી જિલ્લામાં નવા 21 કેસ, અમરેલી-પંચમહાલ-ભરૂચમાં 17 નવા કેસ, આણંદ જિલ્લામાં 19 કેસ, ગાંધીનગર જિલ્લામાં નવા 80 કેસ, સુરત જિલ્લામાં નવા 239 કેસ, પાટણમાં 33 કેસ, સાબરકાંઠા જિલ્લામાં 18 કેસ, કચ્છ જિલ્લામાં 15 કેસ, નર્મદા-સુરેન્દ્રનગરમાં નવા 11-11 કેસ, અરવલ્લી-દ્વારકામાં 9-9 કેસ, ગીર સોમનાથમાં 8 કેસ, પોરબંદરમાં 7 કેસ, છોટાઉદેપુરમાં 5 કેસ, તાપી જિલ્લામાં 3 કેસ, બોટાદમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા હતા. ગત રોજ રાજ્યમાં કોરોનાનાં 1281 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 8 દર્દીઓનાં મોત અને 1274 લોકોએ કોરોનાને માત આપી હતી. ઉલ્લેખનીય છે કે, વધતાં કોરોના કેસોને જોતાં અમદાવાદમાં ફરીથી નાઈટ કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. તો ગુજરાતની ચિંતાજનક સ્થિતિને જોતાં કેન્દ્ર દ્વારા એક ટીમ ગુજરાતમાં મોકલવામાં આવશે

Leave a Reply

Translate »