કોંગ્રેસના કદાવર નેતા અને કોંગ્રેસ ના ચાણક્ય કહેવાતા રાજ્યસભા ના સાંસદ અહમદ પટેલ (Ahmad Patel) નું આજે વહેલી સવારે 3 . 30 કલાકે નિધન થઈ ગયું છે. આ જાણકારી તેમના દિકરા ફૈઝલ પટેલે ટ્વિટર મારફતે આપી હતી. 71 વર્ષિય અહમદ પટેલ લગભગ એક મહિના પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતાં. ત્યાર બાદ તેમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. કોરોનાની ગંભીર બિમારીના કારણે અહમદ પટેલના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આખરે આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના વતન અંકલેશ્ર્વર, પિરામન અને ભરૂચ જિલ્લા સહિત દેશ ભરમાં શોક છે.
ફૈઝલ પટેલના ટ્વીટ પ્રમાણે 25-11-2020ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે તેમનું નિધન થયું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના પુત્ર સાથે વાતચીત કરીને સાંત્વના પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, અહેમદ પટેલના નિધનથી દુઃખી છું. રાહુલ ગાંધીએ પણ અહેમદ પટેલના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો હતો.
ફૈઝલ પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મારા પિતા મી. અહેમદ પટેલનું 25-11-2020ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે નિધન થયું છે. એક મહિના પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં શરીરના વિવિધ અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું અને તેમની તબિયત દિવસેને દિવસે બગડી રહી હતી. અલ્લાહ તેમને જન્નત બક્ષે તેવી દુઆ. હું તમામ લોકોને વિનંતી કરું છું કે કોવિડ-19ના નિયમોનું પાલન કરે અને ક્યાંય પણ વધારે સંખ્યામાં એકઠા ન થાય. તમામ જગ્યાએ સશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલ નિધન પર ટ્વીટ કર્યું હતું કે, અહેમદ પટેલજીના નિધનથી દુઃખી છું. તેમણે વર્ષો સુધી જાહેર જીવનમાં રહીને લોકોની સેવા કરી છે. તેઓ પોતાના બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે જાણીતા હતા અને કૉંગ્રેસ પાર્ટીને જે રીતે તેમણે મજબૂત કરી હતી તે વાત હંમેશા યાદ રહેશે. તેમના પુત્ર ફૈઝલ સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી છે. તેમની આત્માને શાંતિ મળે.
રાહુલ ગાંધી, સોનિયા એ પણ ટ્વીટ કરી દુઃખ વ્યકત કર્યું છે અને કોંગ્રેસ ને તેમની ખોટ સાલશે. દિગ્વિજય સિંહ સહિત કોંગ્રેસ ના અનેક નેતા એ દુઃખ થયું છે.
રાજકીય કારકિર્દી…
કૉંગ્રેસ પાર્ટીમાં અહેમદ પટેલ લાંબા સમયથી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા હતા. એટલું જ નહીં તેઓએ 1985માં રાજીવ ગાંધીના પાર્લિયામેન્ટ્રી સેક્રેટરી તરીકે પણ કામ કર્યું છે. 2018માં મોતીલાલ વોરાના નિધન બાદ તેમની પસંદગી ટ્રેઝરર તરીકે કરવામાં આવી હતી.
- અહેમદ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કટોકટીના દિવસોથી થઈ હતી. 28 વર્ષીય પટેલે 1977માં દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાર્ટીને વિજયી બનાવી હતી. રાજીવ ગાંધીના સમયમાં અહેમદ પટેલને તેમણે પક્ષના મહામંત્રી બનાવ્યા હતા. રાજીવ ગાંધીની હત્યા બાદ તેઓ સાઇડલાઇન થયા હતા. તેઓ ફક્ત કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બનીને રહી ગયા હતા. જે બાદમાં 90ના દાયકામાં સોનિયા ગાંધી રાજકારણમાં નવાં હતાં, ત્યારે તેઓએ અહેમદ પટેલને તેમનાં રાજકીય સલાહકાર તરીકે પસંદ કર્યા હતા.અહેમદ પટેલ આઠ વખત સાંસદ રહી ચુક્યા છે. જેમાં ત્રણ વખત લોકસભા અને પાંચ વખત રાજ્ય સભાના સાંસદ રહી ચુક્યા છે. હાલ તેઓ ગુજરાત બેઠક પરથી રાજ્ય સભાના સાંસદ હતા.