સિડનીમાં ચાલુ ક્રિકેટે અદાણીના કોલ પ્રોજેક્ટનો કંઈક આ રીતે થયો વિરોધ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે  સિડની ખાતે શરૂ થયેલી પ્રથમ વનડે મેચમાં એક સ્થાનિક યુવકે મેદાનમાં ઘૂસીને અદાણી ગ્રુપનો વિરોધ કર્યો. તેના હાથમાં એક પ્લે-કાર્ડ હતું, જેના પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અદાણી ગ્રુપને એક બિલિયનની લોન ન આપે તેવું લખ્યું હતું. અદાણી ગ્રુપના કોલ પ્રોજેક્ટનો ઓસ્ટ્રેલિયામાં ઘણા લાંબા સમયથી વિરોધ થઇ રહ્યો છે. જેના ભાગરૂપે આ વિરોધ આગળ વધારાયો છે. સ્ટોપ અદાણી કરીને ટ્વીટર હેન્ડલ પર એક ગ્રુપ પણ કાર્યરત છે.  વિરોધને પગલે સોની સિક્સ ટીવીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝનું પ્રસારણ થોડી વાર માટે અટકાવી દઈ જાહેરાત દેખાડી હતી અને બાદમાં મામલો થાળે પડતા પ્રસારણ શરૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની સભામાં પણ અદાણીના કોલ પ્રોજેક્ટ સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની તરફેણ કરનારાઓ તરફથી વિરોધ થઇ રહ્યો છે . અદાણી ઓસ્ટ્રેલિયાને ગત વર્ષે અંતિમ પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી.

પર્યાવરણવાદીઓ ચાર વર્ષથી કરી રહ્યાં છે વિરોધ

અદાણી ગ્રુપે થોડાં વર્ષો પૂર્વે ઓસ્ટ્રેલિયામાં ક્વિન્સલેંડમાં કોલસાની ખાણ ખરીદી હતી અને કંપની તેમાં અંદાજે 15 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, પરંતુ પર્યાવરણ બચાાવે માટે લડત ચલાવનારા લોકો કહી રહ્યાં છે કે,  આ કોલ માઇનના કારણે પર્યાવરણને ભારે નુકસાન થશે, જે આગળ જતાં ઓસ્ટ્રેલિયામાં પૂર અને દુષ્કાળની પરિસ્થિતી ઊભી કરશે. આ પ્રોજેકટના કારણે જમીનના જળસ્રોત સમાપ્ત થઈ જશે, હવામાનમાં કાર્બનનું પ્રદૂષણ ફેલાશે. આ સાથે જ આ વિસ્તારના સ્થાનિકોની સંસ્કૃતિને સમાપ્ત કરી દેશે. આ બધી બાબતોને કારણે છેલ્લાં 4 વર્ષથી અદાણીના પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે.

આજે થયેલા વિરોધમાં એસબીઆઈને લોન ન આપવા પ્લે કાર્ડ દર્શાવાયા હતા.  અગાઉ 21 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાના મારગાઓમાં SBIની બ્રાંચ સામે ધરણાં કરી અને બેંક પાસે માગ કરી હતી કે તે અદાણીની લોન માટેની અરજી સ્વીકારે નહિ.

Leave a Reply

Translate »