ભાજપ છે અસલી ટૂકડે-ટૂકડે ગેંગ: ખેડૂતોની તરફેણ કરનાર બાદલ ભડક્યા

ખેડૂત આંદોલનને પગલે એનડીએથી હાલમાં જ છેડો ફાડનાર શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા સરસંઘાન કરતા કહ્યું હતું કે, ભાજપ જ દેશની અસલી ટૂકડે-ટૂકડે ગેંગ છે અને તેણે ખેડૂત આંદોલન દરમિયાન દેશને તોડવાની કોશિશ કરી છે.આરોપ લગાવતા સુખબીર સિંહ બાદલે કહ્યું કે, બીજેપીએ રાષ્ટ્રીય એકતાના ટૂકડા પાડવાનું કામ કર્યું છે. બેશરમીથી મુસલમાનોની વિરુદ્ધ હિંદુઓને ઉશ્કેર્યા છે અને હવે પોતાના શીખ ભાઈઓ પ્રત્યે આમ કરી રહી છે. ભાજપ દેશભક્તિવાળા પંજાબને સાંપ્રદાયિક આગમાં ધકેલી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બાદલ પરિવાર તરફથી કૃષિ કાયદાઓનો સખ્ત વિરોધ થયો હતો. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતુ અને કેન્દ્રના નવા કાયદાઓને ખેડૂતોની વિરુદ્ધ મોટો દગો ગણાવ્યો હતો. ફક્ત એટલું જ નહીં, સુખબીર બાદલે અકાલી દળના એનડીએથી અલગ થવાની જાહેરાત કરતા પંજાબની ચૂંટણીમાં એકલા લડવાની વાત કરી હતી.  અકાલી દળ પંજાબમાં સતત કૃષિ કાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે. થોડાક દિવસ પહેલા સુખબીર સિંહ બાદલે આંદોલનમાં ખાલિસ્તાનીઓની ઉપસ્થિતિની અફવાઓને લઇને આક્રમક વલણ અપનાવ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે, આ આંદોલનમાં અનેક વૃદ્ધ મહિલાઓ પણ સામેલ છે. શું તેઓ ખાલિસ્તાની છે? આ દેશના ખેડૂતોને સંબોધિત કરવાની કોઈ રીત છે? આ ખેડૂતોનું અપમાન છે. બાદલે કહ્યું હતુ કે, તેમની હિંમત કઈ રીતે થઈ અમારા ખેડૂતોને દેશદ્રોહી કહેવાની? બીજેપી અથવા કોઈ બીજાને ખેડૂતોને દેશદ્રોહી કહેવાનો હક કોણે આપ્યો? ખેડૂતોએ પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું અને તમે આને દેશદ્રોહી કહી રહ્યા છો? જેઓ આને દેશદ્રોહી કહી રહ્યા છે, તેઓ ખુદ દેશદ્રોહી છે.

અમરિંદર સિંહે પુછ્યું તમે સરકારમાં સામેલ હતા ત્યારે કાયદો બનતા વિરોધ કેમ ન કર્યો?

જો કે કેપ્ટન અમરિંદર સિંહ પણ અકાલી દળ પર પ્રહાર કરી રહ્યા છે અને અકાલી દળને ઘેરી રહ્યા છે. અમરિંદર સિંહે આરોપ લગાવ્યો છે કે જ્યારે અકાલી દળ કેન્દ્રમાં સામેલ હતી, ત્યારે આ કાયદા તૈયાર થયા હતા આવામાં ત્યારે વિરોધ કેમ ના કરવામાં આવ્યો? આ જ મહિને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે કૃષિ કાયદાના વિરોધમાં પોતાનો પદ્મવિભૂષણ પાછો કરી દીધો છે. આ ઉપરાંત અકાલી દળના નેતા સુખદેવ સિંહ ઢીંઢસાએ પણ પોતાનું પદ્મ ભૂષણ સન્માન પાછું આપવાની વાત કહી હતી.

Leave a Reply

Translate »