હવે ભારતીય વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ માટે વિદેશ નહીં જવું પડે, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને યેલ જેવી યુનિવર્સિટીઓ ગુજરાતના ધોલેરામાં આવશે

ગુજરાતના ધોલેરામાં 5000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં સાઉથ એશિયાનો પહેલો સૌથી મોટો સ્પેશિયલ એજ્યુકેશન રીજન બનશે, જેમાં વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ, જેવી કે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને યેલ જેવી સંસ્થાઓ પોતાના કેમ્પસ અહીં સ્થાપશે અને હાલ દુનિયામાં ઉપલબ્ધ એવા લગભગ તમામ અભ્યાસક્રમો અહીં વિદ્યાર્થીઓને ઓફર કરાશે.

ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ડીગ્રી મેળવવા માટે જ્યાં લખલૂટ ખર્ચે વિદેશમાં જવું પડે છે અને ઘરથી દૂર રહેવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એને સ્થાને હવે અહીં જ આ અભ્યાસક્રમો ઉપલબ્ધ રહેશે.

ગુજરાત સરકારે હાલમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ધોલેરામાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રીજન સ્થાપવા માટે તેલંગાણાની સેરેસ્ટ્રા વેન્ચર્સ નામની ભારતની સૌથી મોટી એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સંસ્થા સાથે એમઓયુ કર્યા છે, એ હેઠળ આ મોટું એજ્યુકેશન સેન્ટર બનવા જઇ રહ્યું છે.

સૌથી મોટી વિશેષતા આ એજ્યુકેશન રીજનની એ રહેશે કે અહીં વિદેશી મેડિકલ કોલેજીસ પણ આવશે. ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓને અહીં મેડિકલ સીટ ઓછી હોવાથી રશિયા, ચીન કે અન્ય દેશોમાં જવું પડે છે, એવું નહીં બને. પ્રમાણમાં ઓછા ખર્ચે જ હવે ગુજરાતમાંથી પણ વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે અને મેડિકલની ડીગ્રી ઉપલબ્ધ થશે.

આ સ્પેશિયલ એજ્યુકેશન રીજન શરૂઆતમાં 1000 એકરમાં પથરાયેલું હશે અને એના માટે 5000 એકર જેટલો વિશાળ વિસ્તાર અંકિત કરવામાં આવ્યો છે. એની અંદર વિવિધ વિભાગોમાં યુનિવર્સિટી ડિસ્ટ્રિક્ટ, સ્કૂલ ડિસ્ટ્રિક્ટ, ડિસ્કવરી ડિસ્ટ્રિક્ટ, ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ, ઉપરાંત કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી, રિક્રિયેશન ઝોન, શોપિંગ અને ઘણીબધી સુવિધાઓ ઉપલબ્ધ હશે.

સરકારી તિજોરી પર ભારણ નહીં આવે
મુખ્યમંત્રીના અગ્રસચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થાય એ આમ જોઈએ તો સ્વપ્ન જેવું લાગે છે, પરંતુ હવે આ સ્પેશિયલ એજ્યુકેશન રીજનને કારણે એ શક્ય બનશે. સેરેસ્ટ્રા જૂથને આ પ્રકારના એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાનો બહોળો અનુભવ છે. ગુજરાત સરકાર આ પ્રકારનું એજ્યુકેશન રીજન બનાવવા માટે સેરેસ્ટ્રાને કોઇપણ ઇન્સેન્ટિવ પણ આપવાની નથી, તેથી સરકારી તિજોરી પર તેનું ભારણ નહીં આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રકારના એક એજ્યુકેશન હબની ઇચ્છા રાખી હતી, એ આવનારા વર્ષમાં પૂર્ણ થશે.

અમેરિકા-યુરોપ જેવું એજ્યુકેશન હબ બનશે
સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર જસમીત છાબરાએ કહ્યું- મેડિકલ, એન્જિનિયરિંગથી માંડીને વિશ્વના તમામ કોર્સ માટેની જરૂરી તમામ સુવિધા, જેવી કે હોસ્પિટલો, લેબોરેટરી, રિસર્ચ જેવી સુવિધાઓ અહીં ઉપલબ્ધ હશે. વિશાળ કેમ્પસમાં અહીં આવનારા સમયમાં વિશ્વની 100 શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ અહીં આવશે એવું અમારું આયોજન છે. જે-તે યુનિવર્સિટીના નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓને અહીંથી શિક્ષણ, પ્રમાણપત્રો અને પદવીઓ મળશે, પણ માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ આખા સાઉથ એશિયાના વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ તક હશે, કારણ કે એક જ સ્થળે આવા એજ્યુકેશન હબ આ ક્ષેત્રમાં નથી કે જે અમેરિકા અને યુરોપના દેશોમાં છે.

Leave a Reply

Translate »