ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ફરી એક વખત ઓસ્ટ્રેલિયાના દર્શકોએ તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું અને મોહમ્મદ સિરાજ અંગે રંગભેદ અંગે ટીપ્પણી કરવા સાથે અપશબ્દો પણ કહ્યાં હતા. આ જ પ્રકારની ઘટના મેચના ત્રીજા દિવસે પણ થઈ હતી. જસપ્રીત બુમરાહ અને સિરાજ બન્નેએ આ અંગે ફરિયાદ પણ કરી હતી. દર્શકોએ સિરાજને મંકી અને ડોગ કહ્યો હતો. સિરાજે ચોથા દિવસે પોલીસને તે જગ્યા અંગે પણ માહિતી આપી હતી કે જ્યાંથી અવાજ આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ઓસ્ટ્રેલિયાના છ દર્શકોને બહાર કાઢ્યા હતા. ઓસ્ટ્રેલિયાના દર્શકોની આ પ્રકારની વર્તણુક અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા સમક્ષ માફી માંગી છે અને સોશિયલ મીડિયા પર એક નિવેદન આપતા કહ્યું છે કે આ પ્રકારના વ્યવહાર માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની જીરો ટોલરન્સ નીતિ છે.
વિરાટ કોહલીએ પણ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે રંગભેદની ટિપ્પણીને ચલાવી ન લેવાય. બાઉન્ડ્રી લાઈન પર ઘણી ખરાબ વસ્તુઓ જોઈ છે, પણ આ તો ગુંડાગીરી જેવું વર્તન છે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે તો એકવાર જ બધુ ઠીક થઈ જશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ દર્શકોને કહ્યું કે જો તમે રંગભેદની ટીપ્પણીઓ કરો છો તો ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં તમારું સ્વાગત નહીં કરવામાં આવે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે બોર્ડ ICC તપાસની રાહ જોઈ રહ્યું છે. એક વખત દોષિતોની ઓળખ કરવામાં આવશે તો તેની સામે પગલા ભરવામાં આવશે. તેમણે કહ્યુ કે યજમાન તરીકે ભારતીય ક્રિકેટમાં અમે અમારા મિત્રોની માંફી માંગી છીએ.