ચોર્યાસી તાલુકાના નવા સમાવિષ્ટ 295 રેશનકાર્ડધારકોને આરોગ્ય મંત્રીએ આપ્યા હુકમો

રાજ્યભરમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓને સમાવેશ અન્વયે 101 તાલુકાઓમાં વર્ચ્યુઅલ સામૂહિક અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચોર્યાસી તાલુકાના કવાસ ગ્રામ પંચાયત હોલમાં આયોજિત કાર્યક્રમમાં નવા સમાવિષ્ટ 295 NFSA રેશનકાર્ડધારકોને આરોગ્ય રાજ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીના હસ્તે હુકમોનું વિતરણ કરાયું હતું. જેમાં 86 ગંગાસ્વરૂપ મહિલાઓ, 17 બાંધકામ શ્રમિકો, 13 નિરાધાર વૃદ્ધો, 2 દિવ્યાંગો સહિત કુલ 295 લાભાર્થીઓને લાભાન્વિત કરાયાં હતા.
લોકડાઉન અને કોરોનાના વિકટ સમયમાં રાજ્ય સરકાર ગરીબો, વંચિતો માટે આધારસ્થંભ બની: મંત્રી કિશોરભાઈ કાનાણી

આ પ્રસંગે કાર્યક્રમના મંત્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન રાજ્યનો કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે રાજ્ય સરકાર લોકડાઉનના કપરા સમય દરમિયાન અને ત્યારબાદ આર્થિક પરિસ્થિતી વિકટ બનતા લાખો જરૂરિયાતમંદ પરિવારોને માત્ર અન્ન અને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરીને આધારસ્થંભ બનીને ઉભરી હતી. લોકડાઉન દરમિયાન 68.80 લાખ NFSA કાર્ડધારક પરિવારોની 3.36 કરોડની વસ્તીને ઘઉં, ચોખા, ચણા, ખાંડનું નિ:શુલ્ક વિતરણ કરી તેમના વિકટ સમયમાં આધાર આપ્યો છે. લોકડાઉન બાદ કૌશલ્ય ધરાવતા યુવકોને નાના ઉદ્યોગ સ્થાપવા માટે માત્ર 2 ટકા વ્યાજ દરે લોન આપવામાં આવી હતી. સરકારે નવી યોજનાઓની શરૂઆત સાથે જ યોજનાઓનો વ્યાપ પણ વધાર્યો છે એમ ઉમેર્યું હતું. લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા મંત્રીએ કહ્યું કે, રાજ્યના 6 કરોડ નાગરિકો પૈકી 3.84 કરોડની વસ્તીને અન્ન સલામતી કાયદામાં આવરી લેવામાં આવી છે. નવા સુધારાઓથી રાજ્યની 9 લાખથી વધુ વિધવા બહેનોને લાભ થશે. આ યોજના હેઠળ જે ગરીબ કુટુંબોને અનાજ મળતું ન હોય અને પાત્રતા ધરાવતાં હોય તેમણે નોંધણી કરાવી લેવા જણાવ્યું હતું.

સરકારે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કામગીરી કરી: ઝંખનાબેન પટેલ
ધારાસભ્ય ઝંખનાબેન પટેલે સરકારના નિર્ણયોની પ્રશંસા કરતા કહ્યું કે, રાજ્ય સરકારના શ્રેષ્ઠ નિર્ણયો પર એક નાગરિક તરીકે ગર્વ હોવો જોઈએ. સરકારે કોરોના મહામારી દરમિયાન ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કામગીરી કરી છે. વિધવા નિરાધાર મહિલાઓ માટે જીવન જીવન અઘરું બની જાય છે, એવા સંજોગોમાં સરકારના આ પ્રકારના મહત્વપૂર્ણ પગલાઓથી મહિલાઓને ગુજરાન ચલાવવામાં સહાય મળશે.

Leave a Reply

Translate »