કોરોના વેક્સિન અંગે સોશ્યલ મીડીયા પર અનેક મેસેજ ફરતા રહે છે. ઘણી અફવાઓ ફેલાતી રહે છે પરંતુ તે તમામ પણ અંકુશ મેળવવા માટે હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે વેક્સિનને લઈ અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોને પત્ર લખીને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આવા લોકો સામે ભારતીય દંડ સંહિતા,1860 (IPC) અથવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ,2005 હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. આ બન્ને કાયદા હેઠળ દોષિતોને દંડ કરવા અને જેલમાં મોકલવાની જોગવાઈ છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા તરફથી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે કોવેક્સિન અને કોવીશીલ્ડ બન્ને વૈજ્ઞાનિકોના માપદંડ પર ખરી ઉતરી છે. બન્ને વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે અંગે અફવા ફેલાવી રહેલા અથવા ખોટુ બોલનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે એમ દરેક રાજ્યોને જણાવી દેવામાં આવ્યું છે. જેથી, હવે આવી અફવા ફેલાવનાર સામે પોલીસ કાર્યવાહી થઈ શકે છે.