કૃષિ કાયદા સામે પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલીમાં ભીષણ તોડફોડ, હુમલાખોરી અને ઐતિહાસિક એવા લાલ કિલ્લા પર ચડીને તિરંગાનું અપમાન કર્યું હતું. બાદ હવે યુપીની યોગી સરકારે આખરા નિર્ણય લેવા પર છે. આ પહેલા દિલ્હી પોલીસે એક્શન શરૂ કરી દીધા છે અને બોર્ડર પર ભારે પોલીસદળ તહેનાત કરી દીધા છે. પોલીસ ફરિયાદો અને ધરપકડનો દૌર શરૂ કર્યો છે. નોંધનીય છેકે, છેલ્લા ત્રણેક મહિનાથી ઉત્તર ભારતના કેટલાક રાજ્યોના ખેડૂતો રાજધાની દિલ્હી અને દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે.
પાણીની સપ્લાય કાપી નાંખી અને રસ્તો ખાલી કરવા સૂચના આપી
રિપોર્ટ મુજબ આજે બપોરે ગાઝીપુર બોર્ડર પર દિલ્હી અને યુપીની પોલીસ પહોંચી ગઈ છે. પોલીસે ગાઝીપુર બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોને આજે જ રસ્તો ખાલી કરી દેવા જણાવી દીધું છે. પાણીની સપ્લાઈ પણ કાપી નાખવામાં આવી છે. તેવી જ રીતે પોલીસ સૂત્રોના અનુસાર, બોર્ડર ખાલી કરાવવા માટે દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસ જોઈન્ટ ઓપરેશન કરી શકે છે. રાજધાની દિલ્હીની સાથો સાથ ઉત્તર પ્રદેશ રાજ્યની સરહદમાં ચાલી રહેલા ખેડૂતોના ધરણા પર યોગી સરકારે એક્શનમાં આવી છે. સરકારે આદેશ આપ્યા છે કે,રાજ્યમાં ખેડૂતોના ધરણાનો અંત લાવવામાં આવે. યોગી સરકારે તમામ જીલ્લાધિકારીઓ અને પોલીસ પ્રશાસનને ખેડૂતોના ધરણા ખતમ કરાવવાના નિર્દેશ આપ્યા છે.
દેશ સાથે જ ઉત્તર પ્રદેશના ગાઝીપુર બોર્ડર કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે ત્યાં પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની સાથો સાથે દિલ્હી પોલીસના મોટી સંખ્યામાં જવાનો ખડકી દેવામાં આવ્યા છે. પોલીસના પહોંચતાની સાથે જ ગાઝીપુર બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની પાણીનો પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. પોલીસે અહીં લગાવેલા પોર્ટેબલ ટોઈલેટ પણ હટાવવાનું શરૂ કરી દીધું છે. યુપી રોડવેઝની સેંકડો બસો અહીં પાર્ક કરી દેવાઈ છે. બીજીતરફ, સિંઘુ બોર્ડર પર પણ ભારે ફોર્સ તહેનાત છે. અહીં પોલીસે નવેસરથી બેરિકેડિંગ કરવાનું શરૂ કર્યુ છે. તો બાગપતમાં 40 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોને પોલીસે બુધવારે રાતે જ હટાવી દેવામાં આવ્યા છે.
ખેડૂત નેતા ટિકેટે કહ્યું કે સરકારે જાળમાં ફસાવ્યા, સરકાર કાયદો ન ખેંચે તો હું આત્મહત્યા કરી લઈશ
ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું છે કે, જો સરકાર આ આંદોલન ચાલવા દેવા ન માંગતી હોય તો તેઓ અમારી અહીંથી ધરપકડ કરી શકે છે. રેલી દરમિયાન જે લોકોએ બેફામ ટ્રેક્ટર ચલાવ્યા છે, તે લોકો સાથે અમારે કોઈ સંબંધ નથી. હિંસા શબ્દ અમારી ડિક્શનરીમાં હતો પણ નહીં અને આવશે પણ નહીં. લાલકિલ્લામાં જે પણ કઈ થયું તે આંદોલન તોડવાનું કાવતરુ છે. પ્રશાસન બાજી જીતી ગયું. તેમણે અમને જાળમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો છે. રાકેશ ટિકેતે કહ્યું કે, આ વૈચારિક લડાઈ છે. વૈચારિક ક્રાંતિ છે. તે વિચારથી ખતમ થશે, ડંડાથી નહીં. જો સરકાર આંદોલન ખત્મ કરાવવા ઈચ્છતી હોય તો અહીંથી જ અમારી ધરપકડ કરે. ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતના આંસુ નીકળી ગયા. ગાજીપુર બોર્ડર પર ટિકેતે કહ્યું, ‘ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેઓને મારવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જો સરકારે કાયદો પરત ન ખેંચ્યો તો હું આત્મહત્યા કરી લઈશ. હું આ દેશના ખેડૂતોને બરબાદ નહીં થવા દઉં.’
આરોપી દીપ સિદ્ધુની ખેડૂત નેતાઓને ધમકી, ઉપરાંત કહ્યું કે રાષ્ટ્રધ્વજની બાજુમાં અમારા ધ્વજ લગાવી કઈ ખોટુ કર્યું નથી
લાલ કિલ્લા પર ખાલસા પંથનો ધ્વજ લગાવવા માટે લોકોને ઉશ્કેરવાના આરોપી ઠેરવામાં આવી રહેલા પંજાબી સિંગર દીપ સિદ્ધુએ પોતાને નિર્દોષ ગણાવ્યા છે. તેમણે બુધવારે મોડી રાતે પોતાના ફેસબુક પેજ પર લાઈવ થઈને ખેડૂતોને ધમકી આપી. તેમણે કહ્યું કે,તમે મને ગદ્દારનું સર્ટિફીકેટ આપ્યું છે, જો હું તમારી પોલ ખોલવાની શરૂ કરીશ તો તમને દિલ્હીથી ભાગવાનો રસ્તો પણ નહીં મળે. ઉશ્કેરણીજનક ભાષણ બાદ દીપ સિદ્ધુ ફરાર હોવાની વાત બહાર આવી હતી, જોકે તેણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી કહ્યું હતું કે તે ફરાર નથી થયો, સિંધુ બોર્ડર પર જ છે. સિદ્ધુએ કહ્યું કે, મારે એટલા માટે લાઈવ આવવું પડ્યું, કારણ કે મારા વિરુદ્ધ નફરત ફેલાવાઈ રહી છે. ઘણું જુઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે. મે આટલા દિવસ બધું સહન કર્યુ કારણ કે હું નહોતો ઈચ્છતો કે આપણા આ સંઘર્ષને કોઈ નુકસાન પહોંચે, પણ તમે જે પડાવ પર આવી ગયા છે ત્યાં અમુક વાતો કહેવી જરૂરી બની ગઈ છે. દીપ સિદ્ધુએ કહ્યું કે, જ્યારે લાલ કિલ્લા પર પહોંચ્યો ત્યાં સુધી ગેટ તૂટી ચૂક્યો હતો. તેમાં હજારોની ભીડ જોવા મળી હતી. પછી હું ત્યાં પહોંચ્યો જે રોડથી પહોંચ્યો તેની પર સેકડોની સંખ્યામાં ટ્રેક્ટર પહેલાથી હતા. હું પગપાળા જ કિલ્લાની અંદર પહોંચ્યો હતો. ત્યાં જોયું તો કોઈ ખેડૂત નેતા નહોતા. કોઈ પણ વ્યક્તિ ન હતી. સોશિયલ મીડિયા પર લાઈવ આવીને મોટી મોટી જાહેરાત કરી હતી પણ ત્યાં કોઈ જ નહતું. બધાની વચ્ચે અમુક નવયુવાન મને પકડીને લઈ ગયા કે ભાઈ ત્યાં ચાલો. ત્યાં બે ધ્વજ પડ્યાં હતા એક ખેડૂતોનો ધ્વજ અને બીજો નિશાન સાહિબ. અમે સરકાર સામે રોષ વ્યક્ત કરવા માટે બન્ને ધ્વજ ત્યાં લગાવી દીધા. અમે તિરંગો નહોતો હટાવ્યો. અમને કોઈ બીક નથી, કારણ કે અમે કંઈ જ ખોટું નથી કર્યું.