પ્રજાસત્તાક દિવસ પર લાલ કિલ્લા પર શીખ સમુદાયનો ધાર્મિક ઝંડો ફરકાવવા અને હંગામો કરવાના આરોપમાં દિલ્હી પોલીસે દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરશે. દેશની રાજધાનીમાં 26મી જાન્યુઆરીના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા થઈ હતી. પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લામાં ઘૂસી જઈને પોતાનો ધાર્મિક ઝડો ફરકાવ્યો હતો. દિલ્હી પોલીસે ગણતંત્રના દિવસે થયેલી હિંસા મામલે અત્યાર સુધી 33 એફઆઈઆર નોંધી છે. જેમાં રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ અને મેધા પાટકર સહિત 37 ખેડૂત નેતાઓના નામ છે. પોલીસે 44 લોકો વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસામાં 394 પોલીસકર્મી ઘાયલ થયા હતા અને એક પ્રદર્શનકારીનું મોત થયું હતું.