હવે ઘુસણખોરી, દાણચોરી, શંકાસ્પદ સમુદ્રી હિલચાલ પર બાજનજર

હવે ઘુસણખોરી, દાણચોરી, શંકાસ્પદ સમુદ્રી હિલચાલ પર બાજનજર

હજીરા ખાતે L&T દ્વારા તૈયાર થયેલી સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ ભારતીય તટરક્ષકદળમાં સામેલ,  પોલીસ કમિશનર અજય તોમારના હસ્તે છેલ્લી અને ૫૪મી ઈન્ટરસેપ્ટર બોટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને કરવામાં આવી અર્પણ

સુરતના હજીરા ખાતે L&T લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ ભારતીય તટરક્ષકદળમાં સામેલ થઈ છે. L&T દ્વારા આ પ્રકારની ૫૪ બોટ નિર્માણ કરવામાં આવી છે, જે પૈકી છેલ્લી અને ૫૪મી બોટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને પોલિસ કમિશનરશ્રી અજય તોમરની ઉપસ્થિતિમાં આજે અર્પણ કરવામાં આવી હતી. સુરતના હજીરાના આંગણે તૈયાર થયેલી આ સ્વદેશી બોટ ગેરકાયદે ઘુસણખોરી, દાણચોરી, માછીમારી અને શંકાસ્પદ સમુદ્રી હિલચાલ પર બાજનજર રાખશે.
આ પ્રસંગે સુરત પોલિસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, કોઈ પણ રાષ્ટ્રની સુરક્ષામાં દરિયાઈ સીમાઓની સુરક્ષા મહત્વપૂર્ણ હોય છે. ગુજરાતનો દરિયાકિનારો પાકિસ્તાનની નજીક છે. જેથી રાજ્યના ૧૬૦૦ કિમીના દરિયાકિનારાની સુરક્ષા માત્ર ગુજરાત જ નહિ, પરંતુ દેશની સુરક્ષા માટે પણ ખુબ મહત્વ ધરાવે છે. ભારતીય કોસ્ટ ગાર્ડની આગવી ભૂમિકા વિષે શ્રી તોમરે જણાવ્યું કે, ગેરકાયદે ઘુસણખોરી, દાણચોરી, માછીમારીને રોકવા માટે કોસ્ટ ગાર્ડ મહત્વની કડી છે. તટરક્ષકદળમાં સામેલ થઈ રહેલી સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. ભારતીય કોસ્ટ ગાર્ડએ બહાદૂરીના અનેક કિર્તિમાનો સ્થાપિત કર્યા છે, ત્યારે ઈન્ટરસેપ્ટર જહાજના કારણે નૌસેના તેમજ કોસ્ટ ગાર્ડની તાકાતમાં ખુબ વધારો થશે.

દુશ્મનો  ભારતીય દરિયાઈ સીમા પર આંખ ઉઠાવીને નહિ જોઈ શકે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં પોલિસ કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, હાઇસ્પીડ ઇન્ટરસેપ્લાન, દરિયા કાંઠાની નજીકમાં પેટ્રોલિંગ. ઓછી તીવ્રતાના સમુદ્રી ઓપરેશનો, શોધ અને બચાવ કામગીરી તેમજ દરિયાઈ સીમાની દેખરેખ જેવા કાર્યો માટે ખુબ ઉપયોગી પુરવાર થશે.ભારતીય તટરક્ષક પ્રદેશ (NW) કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલશ્રી રાકેશ પાલે જણાવ્યું હતું કે, સ્વદેશી ઈન્ટરસેપ્ટર બોટ-આઈ.બી. નો ઉપયોગ કરીને નિર્માણ પામી છે. જેમાં એન્જિન, રડાર નેવિગેશન, વેપનરી સિસ્ટમ જેવા સ્ટેટ ઓફ ધ આર્ટ સંસાધનો સામેલ છે. દરિયાઈ ક્ષેત્રમાં દુશ્મન દેશની કોઈ શંકાસ્પદ બોટ કે વ્યક્તિને ઈન્ટરસેપ્ટ કરી લે છે. અને કારની જેમ તેનું એન્જિન તાત્કાલિક શરૂ થઈ જાય છે. આ બોટ છીછરા પાણીમાં પણ તરવાની ક્ષમતા સાથે પ્રતિ કલાક ૪૫ નોટિકલ માઇલ (૮૦ કિલોમીટર)ની ઉચ્ચ ઝડપ સુધી જવા માટે સક્ષમ છે. માત્ર ૧૫ મિનિટમાં જ શાંત અવસ્થામાંથી એક્ટિવ મોડમાં આવી જાય છે. આ જહાજ અદ્યતન દિશાસૂચન અને સંદેશાવ્યવહારના ઉપકરણોથી સજ્જ છે.આ ઇન્ટરસેપ્ટર બોટ કમાન્ડર તટરક્ષક પ્રદેશ (NW)ના પ્રશાસન અને પરિચાલન નિયંત્રણ હેઠળ ગુજરાતમાંથી સંચાલિત કરવામાં આવશે અને હાલમાં ગુજરાતની સમુદ્રી સરહદોમાં દરિયા કાંઠાની સુરક્ષા વધુ ચુસ્ત કરવા માટે ભારતીય તટરક્ષકદળને વધુ કાર્યક્ષમ બનાવશે એમ શ્રી પાલે ઉમેર્યું હતું.

આ વેળાએ પોલિસ કમિશનરશ્રીએ જહાજની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »