ઈઝરાયલ દૂતાવાસ પાસે શુક્રવારે સાંજે ઓછી તિવ્રતા સાથેનો વિસ્ફોટ થયા બાદ પોલીસ હાઈ એલર્ટ પર છે. સૂત્રોના મતે વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિસ્ફોટ કોઈ મોટા કાવતરા પૂર્વેનું ટ્રાયલ પણ હોઈ શકે છે. દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસ પાસે શુક્રવારે થયેલા બ્લાસ્ટની તપાસ માટે આજે ઈઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદની ટીમ દિલ્હી આવી શકે છે. NSA લેવલની વાતચીત પછી ઈઝરાયેલ સરકારે આ નિર્ણય લીધો છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી આ અંગેની માહિતી આપી છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે, ઈઝરાયેલના ડિફેન્સે આ હુમલાની પાછળ ઈરાન ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)નો હાથ હોવાનું જણાવ્યું છે. આ સાથે ઈઝરાયેલે દુનિયાભરમાં પોતાના દૂતાવાસોની સુરક્ષા વધારવાનો પણ નિર્ણય કર્યો છે.
ઈઝરાયેલી દૂતાવાસની બહાર IED બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ હિન્દ નામના સંગઠને લીધી છે. આ સંગઠને દાવો કર્યો છે કે તેમણે જ ઈઝરાયેલી દૂતાવાસ સામે બ્લાસ્ટ કરાવ્યો છે. દેશની ગુપ્તચર એજન્સી આ દાવાની તપાસ કરાવી રહી છે. ગુપ્તચર એજન્સીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર એક ચેટ મળી છે.