કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ ગુલામ નબી આઝાદની આજે રાજ્યસભામાંથી વિદાય થઇ રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદ સાથે તેમના સંબંધોનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ એક કિસ્સો પણ શેર કર્યો. જે જણાવતાં તેમની આંખો ભરાઇ ગઇ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુલામ નબી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે હું પણ એક રાજ્યનો મુખ્યમંત્રી હતો. અમારી ખૂબ નિકટતાં રહી. એક વખત ગુજરાતના કેટલાક યાત્રીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. સૌથી પહેલાં ગુલામ નબીજીનો મને ફોન આવ્યો. તેમના આંસુ રોકાઇ રહ્યાં નહોતાં. તે સમયે પ્રણવ મુખર્જી રક્ષા મંત્રી હતા. મેં તેમને કહ્યું કે, મૃતદેહ લાવવા માટે સેનાનું વિમાન મળી જાય, તો તેમણે કહ્યું કે ચિંતા ન કરો, હું વ્યવસ્થા કરું છું.
ગુલામ નબી એ રાતે એરપોર્ટ પર હતાં. એમણે મને ફોન કર્યો અને પરિવારના સભ્યની જેમ ચિંતા કરી રહ્યાં હતાં. સત્તા જીવનમાં આવતી રહે છે, પરંતુ તેને કેવી રીતે પચાવી તે કોઇ ગુલામ નબીથી શીખે. મારી માટે તે ખૂબ જ ભાવુક પળ હતી. એક મિત્ર તરીકે ગુલામ નબીજીની ઘટના અને અનુભવના આધારે આદર કરું છું.
પીએમ મોદીએ કહ્યું કે, મને ચિંતા એ વાતની છે કે ગુલામ નબી બાદ જે આ પદ સંભાળશે, તેમને ગુલામ નબી સાથે મેચ કરવામાં ઘણી મુશ્કેલી પડશે. કેમ કે, ગુલામ નબી તેમના દળની ચિંતા કરતાં હતાં, પરંતુ દેશ અને સંસદની પણ એટલી જ ચિંતા કરતાં હતાં.