8 નવેમ્બરથી ચાર કલાકમાં હજીરાથી ઘોઘા પહોંચી શકાશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે

સામાન્ય રીતે ૧૦-૧૨ કલાક લેતી માર્ગ હજીરા-ઘોઘા મુસાફરી રો-પેક્સથી ૪ કલાકમાં પૂરી કરી શકાશે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૮ નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રોરો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે આ પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે એમ કેન્દ્રીય શીપીંગ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ આજે અમદાવાદ ખાતે મીડિયાના પ્રતિનિધીઓને સંબોધન કરતા જણાવ્યું હતું.
રો-પેક્સ ફેરી સેવાની જરુરીયાત વિષે જણાવતા મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. જો કે પોતાના મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતનને કયારેય ભૂલી શક્યા નથી. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર ૪ કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. આમ આ સેવા સૌરાષ્ટ્ર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે સૌરાષ્ટ્રવાસીઓની આ વર્ષો જૂની માંગ પૂરી કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

રોજ ત્રણ રાઉન્ડ ટ્રીપકરશે, વાર્ષિક પાંચ લાખ મુસાફરોનું અવાગમન થશે

રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે ૫ લાખ મુસાફરો, ૮૦ હજાર પેસેન્જર વાહનો, ૫૦ હજાર ટુ-વ્હીલર અને ૩૦ હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૭૦ કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર ૯૦ કિમી જેટલું રહેશે. જેને કારણે ઇંધણની મોટી બચત થશે. રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે ૯૦૦૦ લીટર ઇંધણની બચત થશે. જેનાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ ૩ ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન ૨૪ એમટી કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાશે

સૌરાષ્ટ્ર વચ્ચે અવરજવર સસ્તી બનશે

રો-પેક્સ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવરજવર ઓછી ખર્ચાળ અને સુગમ બનશે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જીલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે. રો-પેક્સને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માર્ગ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે. આમ, રો-પેક્સ સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થશે.

થોડી જાણકારી…

રો-પેક્સ વેસેલ વિષે
કંપની
વોયાજ સિમ્ફની

ક્ષમતા
i) ૩૦ ટ્રક (૫૦ મેટ્રિક ટન વજન સહીત)
ii) 100 પેસેન્જર કાર
iii) ૫૦૦ પેસેન્જર+ ૩૪ શીપ ક્રૂ

સગવડતા
i) કેમ્બે લોન્જ (૧૪ વ્યક્તિ)
ii) બિઝનેસ ક્લાસ (૭૮ વ્યક્તિ)
iii) એક્ઝીક્યુટીવ (૩૧૬ વ્યક્તિ)
iv) ઈકોનોમી (૯૨ વ્યક્તિ)

ફૂડ કોર્ટ

સુરક્ષા
i) લાઈફ રાફ્ટ ૨૨ નંગ (ક્ષમતા ૨૫ વ્યક્તિ)
ii) મરીન ઇવેક્યુએશન ડીવાઈસ (જે તમામ મુસાફરોને ૨૫ મીનીટમાં બહાર કાઢી લેવાની ક્ષમતા ધરાવે છે)
– ૨ નંગ (ક્ષમતા ૩૦૦૦ વ્યક્તિ)
– ૨ નંગ (ક્ષમતા ૩૦૦ વ્યક્તિ)
iii) ફાસ્ટ રેસ્ક્યુ બોટ ૧ નંગ (ક્ષમતા ૯ વ્યક્તિ)

Leave a Reply

Translate »