• Thu. Nov 30th, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી સ્મીમેરમાં સેવારત તબીબ રવિ પરમાર કોરોનાને હરાવી પરત ફર્યા

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના તબીબો સહિત કોરોના યોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સારવારમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે. કોરોનાનો ભોગ બનવા છતાં તેમણે સેવા કરવામાં પાછી પાની કરી નથી. સ્મીમેરના કોરોના યોદ્ધા ડો.રવિ પરમાર કોરોનાગ્રસ્તોની સેવા માટે પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે જોડાયા, દર્દીઓની સારવાર કરતાં કોરોનાગ્રસ્ત બન્યા, પરંતુ સ્વસ્થ થઈને ફરીવાર ફરજમાં જોડાઈ ગયા છે. ‘મોરના ઈંડા ચીતરવા ન પડે ‘ એ ઉક્તિને સાર્થક કરતા આ તબીબ રાજ્યના પૂર્વ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રીના પુત્ર છે. પિતાના સેવા અને સંસ્કારનો વારસો જાળવી રાખ્યો છે.

અડાજણમાં રહેતા ૩૫ વર્ષિય ડો.રવિભાઈ સ્મીમેર હોસ્પિટલના કોવિડ -૧૯ વોર્ડમાં મેડિકલ ઓફિસર તરીકે ઓગસ્ટ મહિનાથી સેવા આપી રહ્યા છે. તેઓ દ્રઢપણે માને છે કે, આવી કપરી પરિસ્થિતિમાં તબીબી ધર્મ નિભાવવાનો યોગ્ય સમય છે.
ડો. રવિભાઈએ જણાવ્યું કે, સુરતમાં એમ.બી.બી.એસ. પૂર્ણ કરી છેલ્લા ત્રણ વર્ષથી ખાનગી મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. દેશ પર કોરોનારૂપી આફત આવી છે. જેમાં એક તબીબ તરીકે હું સુરતવાસીઓને કઈ રીતે વધુમાં વધુ મદદરૂપ બની શકું એ માટે સતત મંથન કરતો હતો. એવામાં સ્મીમેર હોસ્પિટલમાં જોડાવાની તક મળી. જેથી ક્લિનિક બંધ કરી સુરત સ્મીમેર હોસ્પિટલના કોવિડ-૧૯ વોર્ડમાં ઓગસ્ટ માસથી મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી રહ્યો છું. ફરજ દરમિયાન તા.૨૮ ઓગસ્ટે સામાન્ય લક્ષણો જણાતા સ્મીમેરમાં રિપોર્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો હતો. મને છેલ્લાં બે વર્ષથી હાઈ બ્લડપ્રેશરની બિમારી છે. કોરોના ઇન્ફેકશન થતાં ત્રણ દિવસ હોસ્પિટલ અને ૧૪ દિવસ હોમ આઇસોલેશનમાં રહી સારવાર મેળવી કોરોનામુક્ત થયો.
ડો.રવિભાઈએ વધુમાં કહ્યું કે, સારવારમાં એલોપેથીક દવાઓની સાથે આયુર્વેદિક ઔષધીય પદાર્થો, ઉકાળાનું પણ સેવન શરૂ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થયો. કોરોનામાં સાવચેતી રાખવા છતાં મારી માતા મધુબેન પણ સંક્રમિત થયા હતા. માતા હોમ આઈસોલેટ રહી સ્વસ્થ થયા છે. સંપૂર્ણ સ્વસ્થ થઈ તા.૧૩ સપ્ટેમ્બરના રોજ ફરીવાર હું ફરજ પર જોડાયો હતો. ૨૮ ઓક્ટોબરના રોજ પ્લાઝમા ડોનેટ પણ કર્યું છે. તેઓ જણાવે છે કે , ‘મારા પિતાશ્રીએ હંમેશા કર્મમાં સેવાધર્મને જોડવાની પ્રેરણા આપી છે. કોરોના સંકટમાં કોરોનાગ્રસ્તોની સેવાનો મોકો મળ્યો છે, જેને પ્રામાણિકતાથી નિભાવીશ.
તબીબો અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બનેલા ડો.રવિ પરમાર કોરોના સામેની લડાઈ જીતી હાલ સ્મીમેરના કોવિડ વોર્ડમાં સેવારત બન્યાં છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »