પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સત્યપત્ર નામની એક પત્રિકા આજે સવારે બહાર પાડવામાં આવી છે. જેમાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે અન્યાય કર્યો, ભાજપે દમન ગુજાર્યો હોવાનું લખ્યું છે. આ સાથે પાટીદાર ઉમેદવારોને ફાર્મ પરત ખેંચવાની આપીલ છતાં એક ઉમેદરવારે ફોર્મ પરત ખેંચ્યું હોવાનું લખ્યું છે. જોકે, હાર્દિક પટેલ પોતે કોંગ્રેસમાં હોવા છતાં સુરતના પાસના કન્વીનર અને પાટીદાર સમાજ સાથે થયેલા અન્યાયને લઈને હજી સુધી એક પણ નિવેદન આપ્યું નથી. જેને લઈને શહેરભરમાં ચર્ચાઓ ચાલી રહી છે.
પાટીદાર યુવા નેતાઓ કન્ફ્યુઝ જોવા મળી રહ્યા છે પોતાનો પોલિટિકલ ગોલ સેટ કરવામાં તેઓ નિષ્ફળ જઇ રહ્યા હોય તેવું લાગે છે તેના કારણે પાટીદાર સમાજમાં પણ તેમની વિશ્વસનીયતા ધીરે ધીરે ઓછી થતી હોય તેવું જણાય છે થોડા દિવસ પહેલાં જ પાસના સહ કન્વીનર ધાર્મિક માલવિયાને કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર ત્રણમાંથી ટિકિટ આપવામાં આવી હતી જ્યારે તેમણે કોંગ્રેસનો આભાર માન્યો હતો. પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસ પક્ષમાંથી શરૂ કરવા માટે તેઓ તૈયાર થઈ ગયા હતા ત્યાર બાદ એકાએક તેમણે મોવડી મંડળ સમક્ષ નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસ પક્ષમાંથી પોતાનું ઉમેદવારી પત્ર ભરવાનો ઇનકાર કરી દીધો હતો.
સુરતમાં કોંગ્રેસ અને પાસ વચ્ચેનો કકળાટ હજી શમ્યો નથી. તેના પર પાસ હવે કોંગ્રેસ સામે વધુ આક્રમક બન્યું છે. આવામાં પાસે સત્ય પત્ર જાહેર કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. આ સત્ય પત્ર જાહેર કરીને કોંગ્રેસે કઈ રીતે દગો કર્યો તેની માહિતી આપી છે. ‘સત્ય પત્ર’માં પાસ દ્વારા વર્તમાન રાજકીય સ્થિતિનું વર્ણન કરાયું છે. અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત સુધી પાટીદાર સમાજના લોકો સાથે બેઠકો કરીને કઈ દિશામાં મતદાન કરવું તે અંગેની અપીલ કરવામાં આવી રહી છે.
પત્રિકામાં ભાજપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાજપે પાટીદાર સમાજ પર જે દમન કર્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાજપ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા છે તેને હજી સુધી પરત ખેંચ્યા નથી તેની પણ વાત કરવામાં આવી છે પરંતુ સાથે સાથે કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની ચૂંટણીમાં જે ઉમેદવારોને ટિકિટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું તે આપી ન હોવાથી સમાજ સાથે અન્યાય થયો હોવાની વાત પાસ ના કન્વીનરો કરી રહ્યા છે ,ત્યારે તેઓ કોને મત આપી વિજય આપવો તે અંગે ખોલીને કોઈ વાત નથી કરી રહ્યા .તેઓ સ્પષ્ટપણે ભાજપનો વિરોધ કરવો એ પ્રકારની પણ વાત નથી કરી રહ્યા. તેને લઈને હવે સમાજમાં એક મોટી શંકા ઊભી થઈ રહી છે.
આ ‘સત્ય પત્ર’માં પાસે ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિનું વર્ણન કર્યું છે. આ મામલે પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે, લોકો સત્યતાને જોઈ શકે તેવો પત્ર અમે બનાવ્યો છે. કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી ટિકિટ આપવાની વાત કરી હતી. ઉમેદવારોએ જે-તે સમયે કહ્યું કે પક્ષ કરતા સમય મોટો છે. ફક્ત જ્યોતિ સોજીત્રાએ જ ફોર્મ પરત ખેંચ્યું છે. કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. 2015માં પાટીદારો થકી જ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયા હતા. 2017ની ચૂંટણીમાં પણ 82 સીટ મેળવી હતી.